Saturday, September 28, 2024
More
    હોમપેજદુનિયાયહૂદી દેશનું અસ્તિત્વ ખતમ કરવા માંગતો હતો હસન નસરલ્લાહ, એક એરસ્ટ્રાઈકમાં હતો-ન...

    યહૂદી દેશનું અસ્તિત્વ ખતમ કરવા માંગતો હતો હસન નસરલ્લાહ, એક એરસ્ટ્રાઈકમાં હતો-ન હતો થઈ ગયો: જાણો કોણ હતો હિઝબુલ્લાહ ચીફ, જેનું નામ ઈઝરાયેલે એક ઝાટકે કમી કરી નાખ્યું!

    વર્ષોથી તે ક્યારેય જાહેરમાં દેખાયો નથી. કારણ એ છે કે તે પણ જાણતો હતો કે ઈઝરાયેલની યાદીમાં તેનું પણ નામ છે અને કાયમ તેને હત્યાનો ડર રહેતો હતો. અંતે તેનો ડર 27 સપ્ટેમ્બરે સાચો પડ્યો.

    - Advertisement -

    તાજેતરમાં જ ઈઝરાયેલી સેનાએ લેબનાનની રાજધાની બૈરુત પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરીને અહીં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મુખિયા શેખ હસન નસરલ્લાહને (Hasan Nasarllah) ઠાર કરી દીધો. IDFએ શનિવારે (28 સપ્ટેમ્બર) તેના મોતની પુષ્ટિ કરતાં લખ્યું- ‘હવે નસરલ્લાહ દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં.’ 

    આ હુમલો શુક્રવારે (27 સપ્ટેમ્બર) રાત્રે કરવામાં આવ્યો, જે 7 ઑક્ટોબરના હુમલા બાદ હમાસ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારબાદ ઉત્તર સરહદે ઈઝરાયેલનો સૌથી મોટો હુમલો છે. જેમાં બૈરુત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું અને કુલ 6 જેટલી ઇમારતો ધ્વસ્ત કરી દેવામાં આવી. IDFનું કહેવું છે કે આ ઇમારતોમાં હિઝબુલ્લાહે શસ્ત્રો અને મિસાઇલ સંઘરી રાખ્યાં હતાં, જેનો ઉપયોગ પછીથી ઈઝરાયેલ સામે જ થવાનો હતો. 

    આ જ હેડક્વાર્ટર નીચે નસરલ્લાહનું પણ બંકર આવેલું હતું, પણ તે ત્યાં પણ સુરક્ષિત ન રહ્યો. હિઝબુલ્લાહે પહેલાં તે માર્યો ગયો હોવાની વાત નકારી દીધી, પરંતુ IDFએ પુષ્ટિ કર્યા બાદ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલે હિઝબુલ્લાહનાં ગુપ્ત સૂત્રોને ટાંકીને લખ્યું કે, શુક્રવાર રાત્રિથી જ નસરલ્લાહનો સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. 

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલની સેનાએ આ હુમલા દરમિયાન આકાશમાંથી 80 ટન જેટલા બૉમ્બ વરસાવ્યા હતા. દરેક બૉમ્બનું વજન લગભગ 1 ટન જેટલું હતું. આટલા વિસ્ફોટો બાદ હવે બૈરુતમાં જમીન સમતલ થઈ ગઈ છે. બીજી તરફ, તાજા અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ નસરલ્લાહ માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે.

    કોણ હતો શેખ હસન નસરલ્લાહ? 

    64 વર્ષીય નસરલ્લાહ લેબનાનનો એક કટ્ટરપંથી શિયા મૌલવી હતો અને તેની મૂળ ઓળખ એ કે તે લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો જનરલ સેક્રેટરી હતો. ઈઝરાયેલના સૌથી મોટા દુશ્મનોમાં તેનું પણ નામ લેવામાં આવતું. હવે નહીં લેવાય. 

    નસરલ્લાહનો જન્મ 1960માં બૈરુતમાં જ એક શિયા મુસ્લિમ પરિવારમાં થયો. તેનો બાપ શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો અને નસરલ્લાહ તેનાં 9 સંતાનોમાં સૌથી મોટો હતો. તેનું બાળપણ બૈરુતમાં જ વીત્યું હતું. 

    વર્ષ 1975માં લેબનાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને આ જ સામ્ય દરમિયાન તે જોડાયો અમાલ મુવમેન્ટમાં. આ એક શિયા ચળવળ હતી. વચ્ચે જોકે તે થોડા સમય માટે ઇરાક ગયો હતો, પણ ફરી લેબનાન આવીને અમાલનો ભાગ બની ગયો. પછીથી 1982માં પેલેસ્ટેનિયન આતંકવાદીઓને શોધી કાઢવા માટે ઇઝરાયેલે લેબનાન પર હુમલો કરી દીધો અને નસરલ્લાહ અને તેના અન્ય સાથીઓએ અમાલમાંથી છૂટા પાડીને એક નવું જૂથ બનાવ્યું હતું. 

    તેમના નવા જૂથ ‘ઇસ્લામિક અમાલ’ને પછીથી ઈરાનની સેના દ્વારા સૈન્ય અને સંગઠનાત્મક સમર્થન મળતું ગયું અને પછીથી તે વિસ્તારનું પ્રમુખ શિયા સંગઠન બનીને ઉભરી આવ્યું. આ જ સંગઠન પછીથી બન્યું હિઝબુલ્લાહ. 

    કહેવાય છે કે, આ સંગઠન ઊભું કરવામાં મૂળ હાથ જ ઈરાનનો હતો, જેઓ ઇઝરાયેલ સામે નવો દુશ્મન ઉભો કરવા માંગતા હતા. આ પહેલું સંગઠન હતું, જેને ઈરાને સમર્થન આપ્યું હતું અને તેનો ઉપયોગ પછીથી ઇસ્લામની પોલિટિકલ બ્રાન્ડ તરીકે કર્યો અને તમામ મદદ પૂરી પાડી. 

    1985માં હિઝબુલ્લાહે અધિકારીક રીતે પોતાની સ્થાપનાનું એલાન કર્યું અને સાથે મકસદ શું છે તે પણ દુનિયાને જણાવી દીધો. આ સંગઠને અમેરિકા અને સોવિયેત યુનિયનને (પછીથી વિઘટન થઈને નાનો ભાગ રશિયા બન્યું) ઇસ્લામના ‘મૂળ દુશ્મનો’ જાહેર કર્યા અને ઈઝરાયેલ પર મુસ્લિમોની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવીને તેના સંપૂર્ણ નાશ માટે આહવાન કર્યું. 

    એક તરફ નસરલ્લાહ હિઝબુલ્લાહમાં પોતાનું કદ મોટું કરતો ગયો અને બન્યું એવું કે 1992માં તેનો ત્યારનો જે મુકાદમ હતો તે ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો. ત્યારબાદ માત્ર 32 વર્ષની ઉંમરે નસરલ્લાહ બની ગયો હિઝબુલ્લાહનો ચીફ. 

    આતંકવાદી સંગઠનની કમાન સંભાળતાંની સાથે જ તેણે ઈઝરાયેલ સામે અવળચંડાઈ ચાલુ કરી દીધી હતી અને નાના-મોટા હુમલાઓ કરતો રહેતો હતો. તેના માર્યા ગયેલા અગાઉના ચીફના મોતનો બદલો લેવા માટે તેણે ઉત્તર ઈઝરાયેલમાં રોકેટ હુમલાઓ પણ કરાવ્યા હતા અને આર્જેન્ટિના અને તૂર્કી વગેરે દેશોમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર પણ હુમલાઓ કરાવ્યા હતા. 

    ત્યારબાદ છેક 2000 સુધી તે છાશવારે ઈઝરાયેલ સામે બાથ ભીડતો રહેતો, પરંતુ આ હુમલાઓ મોટેભાગે નાના રહેતા. કારણ કે ઈઝરાયેલી સેના આ બધાં આતંકવાદી સંગઠનો કરતાં અનેકગણી શક્તિશાળી છે. આખરે 2000માં ઈઝરાયેલે દક્ષિણ લેબનાનમાંથી સેના પરત બોલાવી લીધી, જેને નસરલ્લાહ કાયમ પોતાનો ‘વિજય’ ગણાવતો રહેતો હતો. 

    થોડાં વર્ષો સુધી શાંતિ રહ્યા બાદ હિઝબુલ્લાહના આતંકવાદીઓએ ફરી ઈઝરાયેલી સેના પર હુમલો કરી દીધો હતો, જેમાં IDFના 8 સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય 2ને કિડનેપ કરી લેવાયા હતા. ઈઝરાયેલની સ્થાપના સમયથી નીતિ રહી છે કે તેઓ પોતાની સામે આંખ ઉઠાવીને જોનારાઓને છોડતા નથી. આવું જ 2006માં પણ થયું અને ઈઝરાયેલી સેનાએ પોતાના સૈનિકોના મોતનો બદલો લેવા માટે હિઝબુલ્લાહ પર હુમલો કરી દીધો. 

    34 દિવસ ચાલેલા આ યુદ્ધમાં લેબનાનના 1125 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઈઝરાયેલના 119 સૈનિકો વીરગતિ પામ્યા. ઈઝરાયેલની સેનાએ બૈરુત અને લેબનાનના દક્ષિણ ભાગમાં ભીષણ હવાઈ હુમલાઓ કર્યા હતા, તો બીજી તરફ હિઝબુલ્લાહે લગભગ 4 હજાર રૉકેટ ઇઝરાયલ તરફ છોડ્યાં હતાં. ઈઝરાયેલે તે સમયે પણ નસરલ્લાહને મારવા માટે પ્લાન બનાવ્યો હતો અને તેના ઘર-ઑફિસ પર હુમલા કર્યા હતા પણ તે છટકી ગયો હતો. 

    2009માં હિઝબુલ્લાહને બનાવ્યું હતું ‘રાજકીય સંગઠન’

    2009માં નસરલ્લાહે હિઝબુલ્લાહને એક રાજકીય સંગઠન તરીકે પણ સ્થાપિત કરવાની દિશામાં કામ ચાલુ કરી દીધું અને એક ઘોષણાપત્ર પણ બહાર પાડ્યું. તેમાં પણ અમેરિકા અને ઈઝરાયેલનો વિરોધ કરવામાં આવ્યો અને કહ્યું કે, UNની મનાઈ છતાં તેઓ હથિયારો હેઠાં મૂકશે નહીં. નોંધવું રહ્યું કે આજે લેબનાનમાં હિઝબુલ્લાહ સૌથી વધુ વર્ચસ્વ ધરાવનાર સંગઠન કે રાજકીય પાર્ટી છે. તેની રાજકીય પાંખ પણ છે, જે ચૂંટણી પણ લડે છે. 

    2011માં પાડોશી સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું તો નસરલ્લાહે સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદનું સમર્થન કર્યું હતું અને લડાઈમાં પણ કૂદી પડ્યું હતું. બશરને ઈરાનનું પણ સમર્થન હતું અને નસરલ્લાહ ઈરાનનો જ માણસ બનીને આજીવન રહ્યો. તેણે સીરિયામાં આતંકવાદીઓ મોકલ્યા હતા, જેથી બશરની સેનાની મદદ થઈ શકે. જોકે, આના માટે તેની ઘરમાં જ બહુ ટીકા થઈ હતી. 

    વર્ષ 2019ની વાત છે, જ્યારે લેબનાન મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આરોપો લાગવાના શરૂ થઈ ગયા અને દેશમાં મોટાપાયે પ્રદર્શનો પણ થયાં. નસરલ્લાહે શરૂઆતમાં આ પ્રદર્શનોને સમર્થન આપ્યું હતું, પરંતુ પછી જેમ-જેમ દેશની સંપૂર્ણ રાજકીય વ્યવસ્થા બદલવાની માંગ થવા માંડી તો તેણે આ માથાકૂટ પડતી મૂકી હતી, કારણ કે આ જ વ્યવસ્થાનો એક ભાગ હિઝબુલ્લાહ પણ છે. 

    2019ના આર્થિક સંકટ પાછળ એક કારણ એ પણ માનવામાં આવે છે કે 2011માં સિરિયામાં કૂદી પડવાના કારણે હિઝબુલ્લાહે અન્ય આરબ દેશો સમક્ષ પોતાનું મહત્વ ઘટાડી દીધું હતું. કારણ કે મોટાભાગના આરબ દેશો અસદની વિરુદ્ધ હતા. જોકે, બીજી તરફ ઈરાને તેને મોટોભાઈ કરવાનું ચાલુ રાખ્યું. 

    એવું ન હતું કે નસરલ્લાહ માત્ર ઈઝરાયેલ અને બહારના તેના ‘દુશ્મનો’ સાથે જ લડતો હતો. 2008માં તેણે લેબનાનની ત્યારની સરકાર (જેને સાઉદી અને પશ્ચિમી દેશોનું સમર્થન હતું) પર તેના સંગઠનના આંતરિક સંચાર નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, જે તેના સંગઠનને વિખેરવાના પ્રયાસ કરશે, તેના તે હાથ કાપી નાખશે. પછીથી 4 દિવસ માટે લેબનાનમાં ગૃહયુદ્ધ પણ થયું અને અંત આવ્યો ત્યારે બૈરુતના મોટાભાગના વિસ્તારો પર હિઝબુલ્લાજે કબજો મેળવી લીધો હતો. 

    વર્ષ 2005માં લેબનાનના તત્કાલીન વડાપ્રધાનની હત્યા થઈ હતી, જે પાછળ પણ હિઝબુલ્લાહ જ હોવાનું કહેવાતું રહ્યું છે, પણ નસરલ્લાહ કાયમ આ વાત નકારતો આવ્યો છે. વર્ષ 2020માં ટ્રિબ્યુનલે આતંકી સંગઠનના જ ત્રણ માણસોને હત્યા માટે દોષી પણ ઠેરવ્યા હતા, પરંતુ નસરલ્લાહે આ આદેશ પણ ન સ્વીકાર્યો. 

    ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં હમાસ પક્ષે હતો નસરલ્લાહ 

    તાજેતરના હમાસ-ઈઝરાયેલ યુદ્ધની વાત કરવામાં આવે તો સ્વભાવિક રીતે જ તે હમાસ તરફે હતો. 7 ઑક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો અને સેંકડો નિર્દોષ ઈઝરાયેલી નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા અને હજારોને બંધક બનાવી લીધા હતા. તેના બીજા જ દિવસે હિઝબુલ્લાહે પણ ઉત્તર સરહદેથી ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. 

    ત્યારથી હિઝબુલ્લાહ પણ છાશવારે ઈઝરાયેલ પર હુમલો કરતું આવ્યું છે. જેમાં મોટેભાગે રૉકેટ હુમલાઓ જ હોય છે. જોકે, ઈઝરાયેલની અત્યાધુનિક આયરન ડૉમ સિસ્ટમ મોટાભાગનાં રૉકેટ હવામાં જ ધ્વસ્ત કરી દે છે, પરંતુ તેમ છતાં ક્યારેક રૉકેટ ટ્રેસ ન થાય તો શહેરોમાં આવીને પડે છે, જેના કારણે જાનહાનિ પણ થવાના દાખલા બન્યા છે. 

    તાજેતરમાં લેબનાનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા વાપરવામાં આવતાં પેજારોમાં એકસાથે બ્લાસ્ટ કરીને સેંકડો આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા ત્યારે પણ નસરલ્લાહે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યા હતા. પરંતુ પછીથી ઈઝરાયેલે હુમલાઓ વધારી દીધા અને એર સ્ટ્રાઈક શરૂ કરી, જેમાં પહેલા જ હુમલામાં નસરલ્લાહ માર્યો ગયો. 

    નસરલ્લાહ કાયમ તેના શક્તિશાળી દુશ્મનોને પડકારતો રહેતો હતો. ક્યારેક તે ઈઝરાયેલને નકશા પરથી દૂર કરી દેવાની વાત કરતો તો ક્યારેક અમેરિકા વિશે એલફેલ બોલી નાખતો હતો. પણ સાથે વર્ષોથી તે ક્યારેય જાહેરમાં દેખાયો નથી. કારણ એ છે કે તે પણ જાણતો હતો કે ઈઝરાયેલની યાદીમાં તેનું પણ નામ છે અને કાયમ તેને હત્યાનો ડર રહેતો હતો. 

    અંતે તેનો ડર 27 સપ્ટેમ્બરે સાચો પડ્યો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં