પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યાર્થીઓ, સરકાર સમર્થક જૂથો અને સુરક્ષાબળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 2 હજારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. પ્રદર્શનો છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યાં હતાં, પરંતુ ગત બુધવારે રાત્રે હિંસક સ્વરૂપ લઇ લીધું અને તેના કારણે દેશભરમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.
પ્રદર્શનોના મૂળમાં ક્વોટા સિસ્ટમ અને તેને લઈને કોર્ટના આદેશ છે. ગત 5 જૂનના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને સરકારી નોકરીઓમાં સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના વંશજો માટે 30% ક્વોટાને બહાલી આપી હતી. નોંધવું જોઈએ કે વર્ષ 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ જ પ્રકારના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીના સરકારે આ 30% ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ કોર્ટે તેને ફરી પુનઃસ્થાપિત કરી દીધી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવીને આગામી સુનાવણી 7 ઑગસ્ટના રોજ હાથ ધરી છે.
શું ચાલી રહ્યું છે બાંગ્લાદેશમાં?
કોર્ટના આ આદેશ વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. પરંતુ બુધવારે રાત્રે વડાંપ્રધાન શેખ હસીનાએ ટેલિવિઝન સામે આવીને પ્રદર્શનો શાંત પાડવાના પ્રયાસ કરતાં વિરોધ વધુ ભડક્યો હતો અને બીજા દિવસે પ્રદર્શનકારીઓએ સ્ટેટ બ્રોડકાસ્ટર બાંગ્લાદેશ ટીવીની ઑફિસ સળગાવી દીધી હતી. ત્યારથી હિંસા વધુ ભડકી રહી છે અને તેના કારણે સરકારે શાળા-કૉલેજો પણ બંધ કરવી પડી છે અને ઈન્ટરનેટ-ટીવી વગેરે પર પણ નિયંત્રણો લાદવાં પડ્યાં છે.
#BREAKING #Bangladesh Police and protesters in Bangladesh engage in tense standoff amid nationwide demonstrations against government job quota system. pic.twitter.com/31bduNj5Zj
— The National Independent (@NationalIndNews) July 18, 2024
પ્રદર્શનોના કારણે અનેક શહેરોમાં પરિવહન અને સંચાર સેવાઓ ઠપ થઈ ગઈ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે. અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ હથિયારો અને પથ્થરો લઈને ઉતરી પડ્યા હતા અને પોલીસ અને સુરક્ષાબળો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા, જેના કારણે અનેકને ઈજા પહોંચી છે. પોલીસે બીજી તરફ પ્રદર્શનકારીઓ પર રબર બુલેટ, સાઉન્ડ ગ્રેનેડ અને ટીયરગેસ વગેરેનો ઉપયોગ કરીને છૂટા પાડવાના પ્રયાસ કર્યા હતા.
શુક્રવારે બાંગ્લાદેશના એક જિલ્લામાં પ્રદર્શનકારીઓનું હિંસક ટોળું એક જેલમાં ઘૂસી ગયું હતું અને ત્યાં આગ લગાવીને સેંકડો કેદીઓને મુક્ત કરી દીધા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેદીઓ જેલ છોડીને ભાગી ચૂક્યા છે. તેમનો ચોક્કસ આંકડો જાણવા મળ્યો નથી, પરંતુ તેઓ 100થી વધુ હોવા જોઈએ.
આ સિવાય બાંગ્લાદેશ પોલીસ સહિતની અમુક સરકારી વેબસાઇટો પણ હૅક થઈ હોવાનું જાણવા મળ્યું છે. અનેક સરકારી વેબસાઈટો હૅક કરીને તેની ઉપર ધમકીભર્યા સંદેશાઓ લખવામાં આવી રહ્યા છે. જેમકે, એકમાં લખવામાં આવ્યું હતું કે- ‘તૈયાર થઈ જાઓ. ન્યાય માટેની લડાઇ હજુ તો શરૂ થઈ છે.’ અન્ય એકમાં લખવામાં આવ્યું કે- ‘આ હવે માત્ર પ્રદર્શનો રહ્યાં નથી, આ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.’
પ્રદર્શનો અને હિંસાને જોતાં સરકારે ટ્રેન સેવાઓ ઠપ કરી દીધી છે, તેમજ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રેલીઓ કાઢવા પર, જાહેર કાર્યક્રમો યોજવા પર સદંતર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ભારત સરકારે પણ એક એડવાઈઝરી બહાર પાડીને ત્યાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે અને મુશ્કેલીના સમયમાં સંપર્ક કરવા માટે કહ્યું છે.
શું છે બાંગ્લાદેશની ક્વોટા સિસ્ટમ?
બાંગ્લાદેશમાં પણ સરકારી નોકરીનું ઘણું મહત્વ છે અને આવક માટે એક સ્થિર અને નફાકારક સ્ત્રોત માનવામાં આવે છે. 3 હજાર જેટલી પોસ્ટ માટે દર વર્ષે અહીં 4 લાખ લોકો ગ્રેજ્યુએટ થાય છે. વર્ષ 2018 સુધી બાંગ્લાદેશમાં 56% સીટ અનામત રહેતી હતી. તેમાંથી એક મોટો હિસ્સો (30%) એ વ્યક્તિઓના પરિજનો અને વંશજો માટે અનામત રાખવામાં આવ્યો હતો જેમણે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડાઇ લડી હતી.
આ સિવાય દેશના ઓછા વિકસિત જિલ્લાઓ માટે 10%, મહિલાઓ માટે 10 ટકા, આદિવાસી સમુદાયો માટે 5% અને 1% અનામત દિવ્યાંગો માટે- આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી. આ તમામનો સરવાળો કરવામાં આવે તો 56% થાય છે. જેથી માત્ર 44% જગ્યાઓ જ મેરીટ આધારિત ભરતી માટે બાકી રહેતી હતી.
અહીં સૌથી વધુ વિવાદિત ક્વોટા 30%નો રહ્યો છે, જે સ્વતંત્રતા સેનાનીઓના પરિજનોને આપવામાં આવે છે. તે સૌથી વધુ પ્રમાણમાં પણ છે અને બીજું એક કારણ એ પણ છે કે ઘણા લોકો માને છે કે તેનાથી શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પોતાના રાજકીય હેતુઓ પાર પાડે છે. કારણ એ પણ છે કે બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈમાં આ પાર્ટી કેન્દ્રમાં હતી. શેખ હસીના બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનનાં પુત્રી થાય એ વધારાની માહિતી. આરોપ એવા લાગતા રહ્યા છે કે પાર્ટી પોતાના વફાદારોને સાચવવા માટે આ ક્વોટા સિસ્ટમનો ઉપયોગ કરતી આવી છે.
આ જ કારણોસર એપ્રિલ, 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશમાં ચાર મહિના સુધી પ્રદર્શનો કર્યાં હતાં અને અનામતમાં ઘટાડાની માંગ કરી હતી. ત્યારે પણ મોટાપાયે હિંસા થઈ હતી અને પ્રદર્શનકારીઓ અને આવામી લીગની વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ છાત્ર લીગના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આખરે સરકારે નમતું મૂકીને ક્વોટા રદ કરવાની જાહેરાત કરી હતી.
જૂનના હાઇકોર્ટના આદેશ બાદ ફરી શરૂ થયાં પ્રદર્શનો
પરંતુ આ ભૂત ત્યારે ફરી ધૂણ્યું જ્યારે જૂન, 2024માં હાઈકોર્ટે તમામ અનામત રદ કરવાનો 2018નો આદેશ પલટાવી દીધો અને ખાસ કરીને 30% ક્વોટા ફરી પુનઃસ્થાપિત કરવા માટે કહ્યું. જોકે, પછીથી સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવીને મહિના સુધી સુનાવણી ટાળી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ફરી પ્રદર્શનો શરૂ થઈ ચૂક્યાં હતાં અને તેનો વ્યાપ દેશભરમાં ફેલાઇ ચૂક્યો હતો.
પ્રદર્શનકારીઓની માંગ છે કે તમામ પ્રકારના ક્વોટા રદ કરવામાં આવે અને બંધારણમાં જણાવ્યા અનુસાર માત્ર 5% અનામત પછાત વર્ગની વસ્તી માટે લાવવામાં આવે. તેમજ આ સુધારા માટે સંસદમાં એક બિલ લાવવામાં આવે. જેથી સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને મળતું અનામત બંધ થાય અને દિવ્યાંગ અને પછાત વર્ગ માટે 5% ક્વોટા રહે.