Tuesday, November 19, 2024
More
    હોમપેજસ્પેશ્યલજ્યાં દાયકાઓથી રહે છે લોકો, દસ્તાવેજો હોવા છતાં વક્ફ બોર્ડે તે જમીનો...

    જ્યાં દાયકાઓથી રહે છે લોકો, દસ્તાવેજો હોવા છતાં વક્ફ બોર્ડે તે જમીનો પર ઠોક્યો દાવો: કેરળના વાયનાડમાં નોટિસ મળ્યા બાદ ગ્રામજનો ચિંતિત

    નોટિસના કારણે જમીન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અસમંજસની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ લોકોએ તેમની કાયદેસર માલિકી સાબિત કરવા માટે દાયકાઓ જૂના કાનૂની દસ્તાવેજો અને કબજાનો ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    28 ઓક્ટોબર, 2024ના રોજ કેરળના વાયનાડ (Waynad) જિલ્લાના તલાપુઝા ગામમાં કેટલાક પરિવારોને અચાનક એક ગંભીર અને આઘાતજનક નોટિસ મળી. આ નોટિસમાં કેરળ રાજ્ય વક્ફ બોર્ડે (Kerala State Waqf Board) દાવો કર્યો હતો કે, જે જમીનો આ પરિવારોની હોવાનું માનવામાં આવી રહ્યું હતું તે વાસ્તવમાં વક્ફ બોર્ડની મિલકત છે.

    ધ હિંદુના અહેવાલ મુજબ, તાલાપુઝા ગામના લોકોને મોકલવામાં આવેલી નોટિસમાં વક્ફ સંપત્તિ પર અતિક્રમણનો આરોપ છે. આ સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અત્યાર સુધીમાં પાંચ પરિવારોને આ નોટિસ મળી છે, પરંતુ ત્યાંના રહેવાસીઓ ચિંતિત છે કે આખા ગામના અન્ય પરિવારોને ટૂંક સમયમાં આવી નોટિસ મળી શકે છે.

    શું છે આ નોટિસમાં?

    વક્ફ એક્ટ, 1995ની કલમ 52 હેઠળ જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સર્વે નંબર 47/1 અને 45/1માં નોંધાયેલ 4.7 એકર જમીનને વક્ફ મિલકત તરીકે નોંધવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, આ જમીનનો વક્ફ મિલકત તરીકે દાવો કરવામાં આવ્યો હતો અને તેના અતિક્રમણ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. કેરળ વક્ફ બોર્ડે જમીન માલિકોને તેમના લેખિત જવાબો રજૂ કરવા અને 16 નવેમ્બર, 2024 સુધીમાં તમામ દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું હતું.   

    - Advertisement -

    ઉપરાંત કેસની ઓનલાઈન સુનાવણી 19 નવેમ્બર 2024ના રોજ થવાની હતી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો માલિકો જવાબ ન આપે અથવા સુનાવણીમાં હાજર ન થાય, તો તેમની ગેરહાજરીમાં કેસનો નિકાલ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ હતો કે વક્ફ બોર્ડ પોતાના સ્તરે નિર્ણય લેશે અને તેનો અમલ કરાવશે.

    (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    જમીન માલિકોએ નોટિસનો કર્યો વિરોધ

    આ નોટિસના કારણે જમીન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અસમંજસની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ લોકોએ તેમની કાયદેસર માલિકી સાબિત કરવા માટે દાયકાઓ જૂના કાનૂની દસ્તાવેજો અને કબજાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે હિંદુ અને મુસ્લિમ બંને પરિવારોએ પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. તેઓ માને છે કે વક્ફ દ્વારા મળેલી આ નોટિસ તેમના જમીન અધિકારો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવાનો પ્રયાસ છે.

    નોટિસ મેળવનારાઓમાં તુશારા અજીત કુમાર નામની મહિલાનો પણ સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે, આ જમીન 1949થી તેમનો પરિવાર સાંભળી રહ્યો છે. તેમના સસરા હવાલદાર કુંજરમને આ જમીન 1940માં એક ખ્રિસ્તી પરિવાર પાસેથી ખરીદી હતી અને જમીન માટેના તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કર્યા હતા. કુંજરમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોને સારી રીતે સંભાળ્યા હતા, જેમાં 1949થી 1960ના દાયકાના અંત સુધીના તમામ રેકોર્ડનો સમાવેશ થાય છે.

    બાદમાં તુષારાના પતિ અજીત કુમાર સહિત તેમના છ બાળકોમાં જમીન વહેંચવામાં આવી હતી. તુષારાએ તાજેતરમાં જમીનનો એક ભાગ વેચવાનો પ્રયાસ કર્યો હતો અને તેને લાગે છે કે આને કારણે જ વિવાદ થયો હતો. ત્રણ સભ્યોની થલાપુઝા હયાતુલ ઇસ્લામ જમાત મસ્જિદ સમિતિએ વેચાણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે જમીન વક્ફ બોર્ડની છે. તુષારાનું માનવું છે કે, મસ્જિદ સમિતિના આ સભ્યો જ આ મામલાને વક્ફ બોર્ડમાં લઈ ગયા હતા.

    ગૃહિણી તરીકે ઘરની સંભાળ રાખતી તુષારાએ કહ્યું કે, તે કેરળ વક્ફ બોર્ડે કરેલ દાવા સામે મજબૂત રીતે ઊભા રહેશે. તેમનું કહેવું છે કે, આ જમીન ત્યારે જ લઈ શકાય છે જયારે તેઓ જીવિત ન રહે. તેમના પુત્ર જીતુલે વક્ફ એક્ટ અને તેના સુધારાનો અભ્યાસ શરૂ કરી દીધો છે અને પરિવાર વકીલ સાથે મળીને કાનૂની લડાઈ લડી રહ્યો છે.

    હિંદુઓ જ નહીં મુસ્લિમ પરિવારોને પણ મળી છે નોટિસ

    આ નોટિસથી માત્ર બિન-મુસ્લિમ પરિવારો જ નહીં પરંતુ મુસ્લિમ પરિવારોને પણ આંચકો લાગ્યો છે. 70 વર્ષીય હમઝા ફૈઝી પણ નોટિસ મેળવનારાઓમાંના એક છે. હમઝા ફૈઝીએ જણાવ્યું હતું કે, તેમણે આ જમીન 1998માં ₹50,000 પ્રતિ સેન્ટના દરે ખરીદી હતી અને ત્યારથી તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને ટેક્સ રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ જમીન કુનહુટ્ટી અલક્કંડીના બાળકો સુકીમરન અને કૃષ્ણનકુટ્ટી પાસેથી ખરીદવામાં આવી હતી.

    70 વર્ષીય હમઝા ફૈઝી ઘણા વર્ષોથી જમાત કમિટીના હોદ્દા પર છે. તેમણે કહ્યું હતું કે, “મારી પાસે જમીનના તમામ માન્ય દસ્તાવેજો છે, છતાં મને નોટિસ મોકલવામાં આવી છે.” ફૈઝીનું ઘર 1987માં કોઈ અન્ય વ્યક્તિએ બનાવડાવ્યું હતું જે તેમણે ખરીદી લીધું હતું. તેઓ દાયકાઓથી એક જ ઘરમાં રહે છે. તેમ છતાં તેઓ સ્થાનિક નેતાઓ પાસેથી સમર્થનની આશા રાખે છે, તેઓ તેમની જમીનના ભાવિ વિશે ચિંતિત છે.

    જમાલનો હેરાન કરનારો અનુભવ

    જમાલ પાસે 15 સેન્ટની જમીન છે. તેમણે આ કેરળ વક્ફ બોર્ડે મોકલેલી નોટિસને ‘ચોંકાવનારો અનુભવ’ ગણાવ્યો. તેઓ આ મિલકત પર છેલ્લા 14 વર્ષથી રહે છે અને તે જ જગ્યાએ પોતાની દુકાન પણ ચલાવે છે. તેમની પાસે તમામ માન્ય જમીનના રેકોર્ડ અને ટેક્સની રસીદો પણ છે. તેમણે કહ્યું કે, કેટલાક પરિવારો પાસે માત્ર 9 સેન્ટની જમીન છે, જે દર્શાવે છે કે આ સંપત્તિ વિવિધ માલિકો વચ્ચે નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવી હતી.

    થલાપુઝા પોલીસ સ્ટેશનની નજીક રોડ કિનારે આવેલી આ વિવાદિત જમીન પર સાત મકાનો અને દસ દુકાનો છે. રહેવાસીઓ ચિંતિત છે કે, વક્ફ બોર્ડના દાવાઓ તેમના જીવન અને રોજગારને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.

    જમીનો અને ઘરોના દસ્તાવેજો હાજર

    તલાપુઝામાં જમીન માલિકો તેમની માલિકી વિશેની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના દાવાને સાબિત કરવા માટે તેમની પાસે દાયકાઓ જૂના દસ્તાવેજી પુરાવા પણ છે. પંચાયતના રેકોર્ડ દર્શાવે છે કે વિવાદિત જમીન પર ઓછામાં ઓછી એક બિલ્ડીંગના દસ્તાવેજો 1948ના છે. મોટા ભાગના રહેવાસીઓ પાસે મસ્જિદ સમિતિ દ્વારા ટાંકવામાં આવેલા 1963ના દસ્તાવેજો પહેલાંના ટાઈટલ ડીડ છે. આમાંના ઘણા લોકો બીજી કે ત્રીજી પેઢીના માલિકો છે, જેમણે નિયમિતપણે જમીન વેરો ચૂકવ્યો છે અને મિલકતના રેકોર્ડમાં વક્ફના દાવાનો કોઈ ઉલ્લેખ નથી.

    જમીન પર રહેતા અન્ય લોકોમાં પણ ભય ફેલાયો

    જોકે, અત્યાર સુધી માત્ર પાંચ પરિવારોને જ નોટિસ મળી છે, પરંતુ 4.7 એકર વિવાદિત વિસ્તારમાં જમીનના નાના ટુકડા ધરાવતા લગભગ 50 અન્ય પરિવારોને પણ આશંકા છે કે, તેમને પણ ટૂંક સમયમાં આવી નોટિસ મળી શકે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, જો વક્ફ બોર્ડનો આ દાવો માન્ય ઠરશે તો તેની અસર આખા ગામ પર પડશે અને લોકો તેમના ઘર અને રોજગાર ગુમાવી શકે છે.

    NDA ઉમેદવારે આપ્યું સ્થાનિક લોકોને સમર્થન

    આ વિવાદે સ્થાનિક આગેવાનોનું પણ ધ્યાન દોર્યું છે. NDAના ઉમેદવાર નવ્યા હરિદાસે તલાપુઝાની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા અને તેમને સમર્થનની ખાતરી આપી. તેમણે વક્ફ બોર્ડને ચેતવણી આપી હતી કે, તે ખાનગી સંપત્તિને જપ્ત કરવા દેશે નહીં. ભાજપના સૂત્રોએ આક્ષેપ કર્યો હતો કે, વક્ફ બોર્ડ વક્ફ કાયદામાં સૂચિત સુધારાઓ પહેલાં ઉતાવળે જમીન પર દાવાઓ કરી રહ્યું છે.

    દરમ્યાન, સ્થાનિક સમુદાયે એક એક્શન કાઉન્સિલની રચના કરી અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને પ્રધાન ઓઆર કેલુને એક આવેદન સુપરત કર્યું. રહેવાસીઓએ તેમના જમીન અધિકારોના રક્ષણ માટે સરકારને હસ્તક્ષેપની હાકલ કરી છે.

    ‘વક્ફનો અર્થ વક્ફ જ થશે’

    વક્ફ શબ્દનો અર્થ થાય છે રોકવું, મર્યાદિત કરવું અને પ્રતિબંધિત કરવું. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, એકવાર મિલકતને જો વક્ફ તરીકે સમર્પિત કરવામાં આવે છે તો તેનો ઉપયોગ માત્ર મઝહબી અથવા સખાવતી કામો માટે જ કરવામાં આવે છે. શરિયત કાયદા અનુસાર, એકવાર કોઈ સંપત્તિ વક્ફ મિલકત જાહેર થઈ જાય પછી તેને હંમેશા વક્ફ મિલકત જ ગણવામાં આવે છે.

    વક્ફનો અર્થ એ છે કે મિલકતની માલિકી વ્યક્તિ પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવે છે. મિલકતની માલિકી વક્ફ કરનાર વ્યક્તિ પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવતી હોવાથી, આ કિસ્સામાં તેને ક્યારેય પાછી લઈ શકાતી નથી. મિલકતની દેખરેખ માટે ‘મુતવલ્લી’ની નિમણૂક કરવામાં આવે છે, જે વક્ફ મિલકતનું સંચાલન કરે છે. આ મિલકતો અલ્લાહની હોવાથી, એકવાર ‘વક્ફ’ થઈ જાય પછી તે હંમેશા વક્ફ જ રહેશે.

    ગુજરાતમાં પણ સામે આવ્યા છે આવા કિસ્સા

    થોડા સમય પહેલાં ગુજરાત વક્ફ બોર્ડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારત પર દાવો કર્યો હતો, કારણ કે દસ્તાવેજો અપડેટ કરવામાં આવ્યા ન હતા. વક્ફ અનુસાર, આ ઇમારત મુઘલકાળ દરમિયાન ધર્મશાળા હતી અને તેનો ઉપયોગ હજ યાત્રા માટે કરવામાં આવતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન, આ મિલકત બ્રિટિશ સામ્રાજ્યની હતી અને સ્વતંત્રતા પછી, તે ભારત સરકાર હેઠળ આવી. દસ્તાવેજો અપડેટ ન થવાને કારણે, વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે મિલકત હવે તેમની છે અને વક્ફ બોર્ડ કહે છે તેમ, “એકવાર વક્ફ, ​​હંમેશા વક્ફ .”

    બીજો એક કિસ્સો દ્વારકા, ગુજરાતનો છે. જ્યાં વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં આવેલા બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના ન્યાયાધીશે આ દાવો સાંભળવાનો ઇનકાર કર્યો અને વક્ફ બોર્ડને તેની અરજીમાં ફેરફાર કરવા કહ્યું હતું. કોર્ટે બોર્ડને પૂછ્યું કે, વક્ફ કૃષ્ણ નગરીની જમીન પર કેવી રીતે દાવો કરી શકે.

    તમારી સોસાયટીઓમાં પણ બની શકે છે મસ્જિદ

    વક્ફ પ્રોપર્ટીના સંદર્ભમાં અન્ય એક રસપ્રદ પાસું એ છે કે તમારી હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ માલિક તેની મિલકતને વક્ફ તરીકે રજીસ્ટર કરાવી શકે છે અને અન્ય સભ્યોની સંમતિ વિના ત્યાં મસ્જિદ બનાવી શકે છે. આવી જ એક ઘટના સુરતની શિવશક્તિ સોસાયટીમાં બની હતી, જ્યાં એક પ્લોટ માલિકે ગુજરાત વક્ફ બોર્ડમાં તેના પ્લોટની નોંધણી કરાવી હતી અને ત્યાં નમાજ પઢવાની શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં આ પ્રકારની સમસ્યા તમારી સોસાયટીમાં પણ આવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં