અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એન્થ્રોપિક કંપનીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ અમેરિકી સંઘીય એજન્સીઓને તુરંત જ એન્થ્રોપિકની ટેક્નોલોજીનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકી સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન) ઈચ્છતું હતું કે એન્થ્રોપિકની AI ટેકનોલોજીનો ઉપયોગ સૈન્ય કામગીરીમાં કોઈ પણ મર્યાદા વગર કરવામાં આવે. એન્થ્રોપિક કંપનીએ ‘નૈતિકતા’ના કારણો આપીને આ માંગ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
કંપનીના ઇનકાર બાદ સરકારે તેને ‘સપ્લાય ચેઇન જોખમ’ તરીકે જાહેર કરી દીધી છે. સામાન્ય રીતે આ ટેગ ચીન કે રશિયા જેવી દુશ્મન દેશોની કંપનીઓને આપવામાં આવે છે, પણ આ વખતે અમેરિકાએ પોતાની જ કંપની સામે આ પગલું ભર્યું છે. આના કારણે 27 ફેબ્રુઆરીથી તમામ સરકારી ઑફિસો અને એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ એન્થ્રોપિકના ‘Claude’ (ક્લાઉડ) AI મોડલનો ઉપયોગ તાત્કાલિક બંધ કરે.
નિર્ણયની વિગતો
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ આદેશ જારી કર્યો હતો. ટ્રમ્પે તેમની પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું કે અમેરિકી સરકારની તમામ એજન્સીઓએ એન્થ્રોપિકની ટેકનોલોજી વાપરવાનું તુરંત બંધ કરવું પડશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું, “અમને તેની જરૂર નથી અને ભવિષ્યમાં અમે તેમની સાથે કોઈ વ્યવહાર નહીં કરીએ.” વધુમાં, સંરક્ષણ વિભાગ (જેને ટ્રમ્પે ‘ડિપાર્ટમેન્ટ ઑફ વોર’ ગણાવ્યું છે) જ્યાં એન્થ્રોપિકના ઉત્પાદનો વપરાય છે, તેમને આ ટેકનોલોજી હટાવવા માટે 6 મહિનાનો સમય અપાયો છે.
"THE UNITED STATES OF AMERICA WILL NEVER ALLOW A RADICAL LEFT, WOKE COMPANY TO DICTATE HOW OUR GREAT MILITARY FIGHTS AND WINS WARS! That decision belongs to YOUR COMMANDER-IN-CHIEF, and the tremendous leaders I appoint to run our Military.
— The White House (@WhiteHouse) February 27, 2026
The Leftwing nut jobs at Anthropic… pic.twitter.com/aIEx92nnyx
જો એન્થ્રોપિક આ 6 મહિનામાં સહયોગ નહીં આપે તો ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેની શક્તિનો ઉપયોગ કરીને કંપની પર સિવિલ અને ક્રિમિનલ (ફોજદારી) કેસ કરવાની ધમકી આપી છે. આ આદેશ ‘ડિફેન્સ પ્રોડક્શન એક્ટ’ (શીત યુદ્ધ સમયનો કાયદો) હેઠળ અપાયો છે. આ કાયદો સરકારને સત્તા આપે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે તે ખાનગી કંપનીઓને આદેશ આપી શકે છે.
બીજી તરફ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એન્થ્રોપિક પર ‘વિશ્વાસઘાત’ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સૈન્યને ટેકનોલોજીનો ‘સંપૂર્ણ અને કોઈપણ નિયંત્રણ વગરનો’ ઉપયોગ કરવાની જરૂર છે, જે આપવા કંપનીએ ના પાડી હતી. હવેથી અમેરિકી સૈન્ય સાથે કામ કરતા કોઈપણ કોન્ટ્રાક્ટર, સપ્લાયર કે પાર્ટનર એન્થ્રોપિક કંપની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકશે નહીં.
કારણો અને પૃષ્ઠભૂમિ
એન્થ્રોપિક અને ટ્રમ્પ સરકાર વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ ‘નૈતિકતા વિરુદ્ધ સૈન્ય શક્તિ’ છે. પેન્ટાગોને કંપની પાસેથી ‘કોઈપણ કાયદેસર ઉપયોગ’ માટે અનિયંત્રિત ઍક્સેસ માંગ્યો હતો, જેમાં અમેરિકી નાગરિકોના ડેટાનો ઉપયોગ કરીને તેમની વ્યક્તિગત પ્રોફાઇલ્સ બનાવવી અને તેમના પર નજર રાખવી અને એવા હથિયારો બનાવવા જે માનવીની મદદ વગર પોતે જ લક્ષ્ય નક્કી કરે અને હુમલો કરે આ બે બાબતો સામેલ હતી.
એન્થ્રોપિકે આ માંગને નકારી કાઢી, કારણ કે તે તેમની નૈતિક મર્યાદાઓના વિરોધમાં છે. કંપનીના CEO ડારિયો અમોડેઈએ જણાવ્યું કે લોકોના ડેટા પર નજર રાખવી એ તેમની પાયાની સ્વતંત્રતા પર તરાપ સમાન છે. તેમણે જણાવ્યું કે AI હજુ એટલું સચોટ નથી કે તે માનવીય દેખરેખ વગર હથિયારો ચલાવી શકે. જો AI ભૂલ કરે તો વિનાશક પરિણામો આવી શકે છે. કંપનીએ કહ્યું કે તેઓ સંરક્ષણ માટે ડેટા એનાલિસિસ અને સાયબર સુરક્ષામાં મદદ કરવા તૈયાર છે, પરંતુ હિંસક કે જાસૂસી કાર્યોમાં નહીં.
એન્થ્રોપિકે બચાવમાં જણાવ્યું છે કે તેઓ પહેલેથી જ સરકારને મદદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ક્લાઉડ AIનો ઉપયોગ રક્ષા વિભાગમાં ઇન્ટેલિજન્સ વિશ્લેષણ, મોડેલિંગ, સિમ્યુલેશન, ઑપરેશનલ પ્લાનિંગ અને સાયબર ઑપરેશન્સમાં થાય છે અને તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી કંપનીઓ પર પ્રતિબંધ લગાવીને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને સાથ આપ્યો જ છે.
એન્થ્રોપિકે સરકારના આ પ્રતિબંધને અદાલતમાં પડકારવાની તૈયારી કરી છે. તેમનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય કાયદાકીય રીતે ખોટો છે. એન્થ્રોપિકના અસ્વીકારનું કારણ એ છે કે સામૂહિક નિરીક્ષણ મૂળભૂત સ્વતંત્રતાઓને જોખમમાં મૂકે છે, કારણ કે AI ડેટાને જોડીને વ્યક્તિઓના વ્યાપક પ્રોફાઇલ્સ બનાવી શકે છે. તેમજ હથિયારો હજુ વિશ્વસનીય નથી અને તેમાં માનવીય નિરીક્ષણ વગર ભૂલોના કારણે વિનાશક પરિણામો આવી શકે છે. કંપનીએ ઓફર કરી છે કે જો સરકાર તેમની સેવાઓ બંધ કરવા માંગતી હોય તો તેઓ બીજી કંપનીના AI પર શિફ્ટ થવામાં મદદ કરશે.
અમેરિકા સાથે OpenAIની ડીલ
એન્થ્રોપિક અને ટ્રમ્પ સરકાર વચ્ચેના આ વિવાદ વચ્ચે જ OpenAIના CEO સેમ ઓલ્ટમેનએ જાહેર કર્યું કે તેમની કંપનીએ પેન્ટાગોન સાથે ડીલ કરી છે, જેમાં તેમના AI મોડલ્સને સૈન્યના ક્લાસિફાઇડ (classified) નેટવર્ક પર ઉપયોગમાં લેવાની મંજૂરી મળી છે. ઓલ્ટમેનએ X પર પોસ્ટ કરીને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.
તેમણે લખ્યું હતું કે, “આજે રાત્રે અમે સંરક્ષણ વિભાગ સાથે અમારા મોડલ્સને તેમના ક્લાસિફાઇડ નેટવર્ક પર તહેનાત કરવા માટે એક સમજૂતી પર પહોંચ્યા છીએ. અમારી તમામ વાતચીત દરમિયાન સંરક્ષણ વિભાગે સુરક્ષા પ્રત્યે ઊંડો આદર અને શ્રેષ્ઠ સંભવિત પરિણામ મેળવવા માટે ભાગીદારી કરવાની ઈચ્છા દર્શાવી છે.” વધુમાં લખ્યું હતું કે AI સુરક્ષા અને તેના લાભોનું વ્યાપક વિતરણ એ અમારા મિશનના મુખ્ય ઉદ્દેશ્યો છે.
Tonight, we reached an agreement with the Department of War to deploy our models in their classified network.
— Sam Altman (@sama) February 28, 2026
In all of our interactions, the DoW displayed a deep respect for safety and a desire to partner to achieve the best possible outcome.
AI safety and wide distribution of…
વધુમાં ઓલ્ટમેનએ કંપનીના સિદ્ધાંતો અંગે લખ્યું કે, “અમારા બે સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા સિદ્ધાંતોમાં – ‘ઘરેલું સામૂહિક નિરીક્ષણ’ પર પ્રતિબંધ અને ‘બળના ઉપયોગ’ માટે માનવીય જવાબદારી નક્કી કરવી – આ બાબતો સામેલ છે. સંરક્ષણ વિભાગ આ સિદ્ધાંતો સાથે સહમત છે, જે તેમના કાયદા અને નીતિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે અને અમે તેને અમારી સમજૂતીમાં પણ સામેલ કર્યા છે.”
CEOએ જણાવ્યું કે, “અમે ટેકનિકલ સેફ ગાર્ડ પણ બનાવીશું જેથી ખાતરી કરી શકાય કે અમારા મોડલ્સ યોગ્ય રીતે કાર્ય કરે, જે સંરક્ષણ વિભાગ પણ ઈચ્છતું હતું. અમે અમારા મોડલ્સમાં મદદ કરવા માટે FDEs તહેનાત કરીશું અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે તેને માત્ર ક્લાઉડ નેટવર્ક પર જ તહેનાત કરીશું.” ઓપન AIએ જણાવ્યું કે તેઓ સંરક્ષણ વિભાગને વિનંતી કરી રહ્યા છે કે વિભાગ તમામ AI કંપનીઓને આ જ શરતો ઓફર કરે. કંપનીએ કાયદાકીય અને સરકારી કાર્યવાહીઓથી દૂર રહીને વાજબી સમજૂતીઓ તરફ આગળ વધવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે.
ટ્રમ્પ પ્રશાસન સખત નિયંત્રણો વગર AI કેમ વાપરવા માંગે છે?
સરકારનું માનવું છે કે યુદ્ધના મેદાનમાં સેના પાસે તમામ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ‘અવરોધરહિત’ (Unrestricted) છૂટ હોવી જોઈએ. જો AI મોડલ્સ પર નૈતિકતા કે સુરક્ષાના નામે મર્યાદાઓ લાદવામાં આવે તો તે અમેરિકી સૈન્યને નબળું પાડી શકે છે. ચીન અને રશિયા જેવા દેશો AIના ઉપયોગમાં કોઈ નૈતિક મર્યાદા રાખતા નથી. જો અમેરિકાની કંપનીઓ જ પોતાની સરકારને શરતોને આધીન ટેક્નોલોજી આપશે તો અમેરિકા ટેકનોલોજીની રેસમાં ચીનથી પાછળ રહી જશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ છે.
ટ્રમ્પ અધિકારીઓની દલીલ છે કે જ્યારે કોઈ ખાનગી કંપની (જેમ કે એન્થ્રોપિક) સરકાર પાસેથી કરોડોના કોન્ટ્રાક્ટ લે છે, ત્યારે તે સરકારને એમ ન કહી શકે કે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે નહીં. તેમના મતે ‘કાયદેસરની સૈન્ય જરૂરિયાતો’ માટે કંપનીએ કોઈ શરત રાખવી જોઈએ નહીં.
સરકાર AIનો ઉપયોગ મોટાપાયે ડેટા ભેગો કરવા અને શંકાસ્પદ લોકોની પ્રોફાઇલ્સ બનાવવા માટે કરવા માંગે છે. તેઓ તેને દેશની આંતરિક સુરક્ષા માટે જરૂરી માને છે. પેન્ટાગોન એવા હથિયારો વિકસાવવા માંગે છે જે માનવીય દખલ વગર દુશ્મનને ઓળખીને તેના પર હુમલો કરી શકે. સરકાર માને છે કે ભવિષ્યના યુદ્ધોમાં ઝડપથી નિર્ણય લેવા માટે આ ટેક્નોલોજી અનિવાર્ય છે.


