Tuesday, November 19, 2024
More
    હોમપેજદેશ404 એકર જમીન, જ્યાં વસે છે 600 હિંદુ-ખ્રિસ્તી પરિવારો... તેના પર વક્ફ...

    404 એકર જમીન, જ્યાં વસે છે 600 હિંદુ-ખ્રિસ્તી પરિવારો… તેના પર વક્ફ બોર્ડે કર્યો દાવો: જાણો શું છે કેરળનો ‘મુનામ્બમ જમીન વિવાદ’ જેને કેન્દ્રીય મંત્રીએ ગણાવી ‘બર્બરતા’

    વક્ફ બોર્ડનું કહેવું છે કે આ જમીન 1950માં વક્ફ પ્રોપર્ટી તરીકે રજીસ્ટર કરવામાં આવી હતી, જ્યારે અહીં રહેતા લોકો દાવો કરે છે કે તેમણે દાયકાઓ પહેલા જમીન કાયદેસર રીતે ખરીદી હતી.

    - Advertisement -

    કેરળના (Kerala) એર્નાકુલમ (Ernakulam) જિલ્લાના મુનામ્બમ (Munambam) ઉપનગરમાં 404 એકર જમીનના વક્ફ વિવાદને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ જમીન વિવાદને લઈને રાજકીય પક્ષોમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે. મુનામ્બમમાં લગભગ 600 હિંદુ અને ખ્રિસ્તી પરિવારો આ જમીન પર વક્ફ બોર્ડે કરેલ (Kerala State Waqf Board) દાવાનો વિરોધ કરી રહ્યા છે.

    વક્ફ બોર્ડનું કહેવું છે કે આ જમીન 1950માં વક્ફ પ્રોપર્ટી તરીકે રજીસ્ટર કરવામાં આવી હતી, જ્યારે અહીં રહેતા લોકો દાવો કરે છે કે તેમણે દાયકાઓ પહેલા જમીન કાયદેસર રીતે ખરીદી હતી. રાજ્યની પેટાચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે આ વિવાદ એક મહત્વનો મુદ્દો બની ગયો છે.

    વિવાદની ઐતિહાસિક જડ

    વક્ફ ભૂમિ વિવાદ એર્નાકુલમ જિલ્લાના મુનમ્બમના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ લગભગ 404 એકર જમીનનો છે. આ જમીનમાં મુખ્યત્વે લેટિન કેથોલિક સમુદાયના ખ્રિસ્તી પરિવારો અને પછાત વર્ગના હિંદુ પરિવારો વસે છે. આ પરિવારો દાયકાઓથી અહીં રહે છે. કેરળ રાજ્ય વક્ફ બોર્ડે 1950ના વક્ફ ડીડને ટાંકીને આ જમીનની માલિકીનો દાવો કર્યો છે. બીજી તરફ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, તેમણે આ જમીન કાયદેસર રીતે ફારૂક કોલેજ પાસેથી ખરીદી હતી, જેને એક સમયે આ મિલકતનું સંચાલન સોંપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આ વિવાદ 1902 સાથે જોડાયેલો છે, જ્યારે ત્રાવણકોરના રાજવી પરિવારે આ જમીન એક અગ્રણી ઉદ્યોગપતિ અબ્દુલ સત્તાર મોસેસ સૈતને લીઝ પર આપી હતી. 1950માં, મુસા સૈતના જમાઈ મોહમ્મદ સિદ્દીક સૈતે આ જમીનને વક્ફ મિલકત તરીકે રજીસ્ટર કરાવી અને તેનું સંચાલન ફારુક કોલેજ, કોઝિકોડની મેનેજિંગ કમિટીના અધ્યક્ષને સોંપ્યું. ડીડમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમીનનો ઉપયોગ ઈસ્લામિક કાયદા હેઠળ સખાવતી અને શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવશે.

    ફારુક કોલેજે 1960ના દાયકામાં જમીન પર વસેલા લોકોને હટાવવાના પ્રયાસો શરૂ કર્યા, જેના કારણે કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ રહેવાસીઓ પાસે તેમની માલિકીના નક્કર દસ્તાવેજો નહોતા, કારણ કે તેઓ ઘણી પેઢીઓથી આ જમીન પર રહેતા હતા. આખરે, કોલેજ મેનેજમેન્ટે લોકો સાથે કોર્ટની બહાર સમાધાન કરવાનો નિર્ણય કર્યો અને તેમને બજાર ભાવે જમીનના ટુકડા વેચી દીધા.

    કેન્દ્રીય મંત્રીએ વક્ફ પર લગાવ્યો વધુ પડતી દખલગીરીનો આરોપ

    એર્નાકુલમ ખાતે વક્ફ બોર્ડે કરેલ દાવાનો મામલો હવે મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. ભાજપના નેતાઓ ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ વક્ફ બોર્ડ પર વધુ પડતી દખલગીરીનો આરોપ લગાવ્યો હતો. એક ચૂંટણી રેલીમાં, ગોપીએ વક્ફના દાવાઓને “બર્બરતા” ગણાવ્યા અને તેને કાયદાકીય માધ્યમથી રોકવાનું વચન આપ્યું. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં આ બર્બરતા બંધ કરવામાં આવશે… સાચા બંધારણને જાળવી રાખવા માટે આ બિલ સંસદમાં પસાર કરવામાં આવશે.”

    બીજેપી નેતા બી ગોપાલકૃષ્ણને આ મામલાને આગળ વધારતા કહ્યું કે સબરીમાલા અને વેલંકન્ની જેવા ધાર્મિક સ્થળોને ભવિષ્યમાં સમાન દાવાઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે મતદારોને ભાજપને સમર્થન આપવા વિનંતી કરી જેથી આવા પરિણામોને અટકાવી શકાય.

    મુખ્યમંત્રીનું વલણ અને મુસ્લિમ આગેવાનોની પ્રતિક્રિયા

    કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેમની સરકારનો બચાવ કરતા કહ્યું કે તેઓ આ જમીન પર લાંબા સમયથી રહેવાસી એવા મુનામ્બમના રહેવાસીઓની સાથે છે. તેમણે ભાજપના અભિયાનને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

    તે જ સમયે, મુસ્લિમ નેતાઓ જેવા સમસથા સમૂહના સદસ્યોએ વક્ફ બોર્ડનું સમર્થન આપ્યું હતું. ઓ એમ થરુવાનાએ સિરાજ ડેલીમાં લેખ લખીને નિવાસીઓ માટે ન્યાય અને વક્ફન જમીન વેચવામાં સામેલ લોકો પાસેથી જવાબદારીની માંગ કરી હતી.

    ‘વક્ફનો અર્થ વક્ફ જ થશે’

    વક્ફ શબ્દનો અર્થ થાય છે રોકવું, મર્યાદિત કરવું અને પ્રતિબંધિત કરવું. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, એકવાર મિલકતને વક્ફ તરીકે સમર્પિત કરવામાં આવે છે, તેનો ઉપયોગ મજહબી અથવા સખાવતી કામો માટે કરવામાં આવે છે. શરિયત કાયદા અનુસાર, એકવાર કોઈ સંપત્તિ વક્ફ મિલકત જાહેર થઈ જાય પછી તેને હંમેશા વક્ફ મિલકત જ ગણવામાં આવે છે.

    વકફનો અર્થ એ છે કે મિલકતની માલિકી વ્યક્તિ પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવે છે. મિલકતની માલિકી વક્ફ કરનાર વ્યક્તિ પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવતી હોવાથી, આ કિસ્સામાં તેને ક્યારેય પાછી લઈ શકાતી નથી. મિલકતની દેખરેખ માટે ‘મુતવલ્લી’ની નિમણૂક કરવામાં આવે છે, જે વક્ફ મિલકતનું સંચાલન કરે છે. આ મિલકતો અલ્લાહની હોવાથી, એકવાર ‘વક્ફ’ થઈ જાય પછી તે હંમેશા વક્ફ જ રહેશે.

    ગુજરાતમાં પણ સામે આવ્યા છે આવા કિસ્સા

    થોડા સમય પહેલા ગુજરાત વક્ફ બોર્ડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારત પર દાવો કર્યો હતો, કારણ કે દસ્તાવેજો અપડેટ કરવામાં આવ્યા ન હતા. વક્ફ અનુસાર, આ ઇમારત મુઘલ કાળ દરમિયાન ધર્મશાળા હતી અને તેનો ઉપયોગ હજ યાત્રા માટે કરવામાં આવતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન, આ મિલકત બ્રિટિશ સામ્રાજ્યની હતી અને સ્વતંત્રતા પછી, તે ભારત સરકાર હેઠળ આવી. દસ્તાવેજો અપડેટ ન થવાને કારણે, વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે મિલકત હવે તેમની છે, અને વક્ફ બોર્ડ કહે છે તેમ, “એકવાર વકફ, ​​હંમેશા વકફ.”

    બીજો રસપ્રદ કિસ્સો દ્વારકા, ગુજરાતનો છે, જ્યાં વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના ન્યાયાધીશે આ દાવો સાંભળવાનો ઇનકાર કર્યો અને વક્ફ બોર્ડને તેની અરજીમાં ફેરફાર કરવા કહ્યું. કોર્ટે બોર્ડને પૂછ્યું કે વક્ફ કૃષ્ણ નગરીની જમીન પર કેવી રીતે દાવો કરી શકે. બીજી તરફ કેરળના કેટલાક ઘરો પર પણ વક્ફ બોર્ડે દાવો ઠોકી બેસાડ્યો હતો.

    તમારી સોસાયટીઓમાં પણ બની શકે છે મસ્જિદ

    વક્ફ પ્રોપર્ટીના સંદર્ભમાં અન્ય એક રસપ્રદ પાસું એ છે કે તમારી હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ માલિક તેની મિલકતને વક્ફ તરીકે રજીસ્ટર કરાવી શકે છે અને અન્ય સભ્યોની સંમતિ વિના ત્યાં મસ્જિદ બનાવી શકે છે. આવી જ એક ઘટના સુરતની શિવ શક્તિ સોસાયટીમાં બની હતી, જ્યાં એક પ્લોટ માલિકે ગુજરાત વક્ફ બોર્ડમાં તેના પ્લોટની નોંધણી કરાવી હતી અને ત્યાં નમાજ પઢવાની શરૂ થઇ ગઈ હતી. આવી સ્થિતિમાં આ પ્રકારની સમસ્યા તમારી સોસાયટીમાં પણ આવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં