7 માર્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના (CM Siddharamaiah) નેતૃત્વ હેઠળની કર્ણાટકની કોંગ્રેસ સરકારે (Karnataka Congress Government) નાણાકીય વર્ષ 2025-26 માટેનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મુસ્લિમો પ્રત્યે સરકારનો વિશેષ પ્રેમ જોવા મળ્યો હતો. ઑપઇન્ડિયાએ CM સિદ્ધારમૈયાના 149 પાનાના બજેટ ભાષણની (Budget Speech) સમીક્ષા કરી તો તેમાં જાણવા મળ્યું હતું કે, તેમાં લઘુમતીઓ (ખાસ કરીને મુસ્લિમ સમુદાય) પ્રત્યે તુષ્ટિકરણ અને પસંદગીના વર્તનના સ્પષ્ટ ઉદાહરણો છે.
કોંગ્રેસ સરકારે કર્ણાટક પબ્લિક સ્કૂલ મોડેલ પર 250 ‘મૌલાના આઝાદ મોડેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો’માં પ્રી-પ્રાયમરીથી લઈને પીયુ (પ્રી-યુનિવર્સિટી) સુધીના વર્ગો શરૂ કરવા માટે ₹500 કરોડની જાહેરાત કરી છે. (બજેટ ભાષણ– પાના નંબર 60)
ઉર્દૂ માધ્યમની શાળાઓ પ્રત્યે વિશેષ પ્રેમ
આ ઉપરાંત, કર્ણાટકમાં 100 ઉર્દૂ માધ્યમ શાળાઓને મજબૂત બનાવવા માટે ₹400 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વિડંબના એ છે કે, એક તરફ કોંગ્રેસ સરકારે હિન્દી વિરુદ્ધ કન્નડનું ભાષાકીય વિભાજનનું વાતાવરણ ઊભું કર્યું છે અને બીજી તરફ ઉર્દૂ માધ્યમની શાળાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે.
“શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સૌથી વધુ નોંધણી ધરાવતી, પસંદ કરાયેલી 100 ઉર્દૂ માધ્યમની શાળાઓને કર્ણાટકની પબ્લિક સ્કૂલો જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ચાલુ વર્ષમાં કુલ ₹400 કરોડના અપગ્રેડેશન ખર્ચમાંથી ₹100 કરોડ ફાળવીને મજબૂત બનાવવામાં આવશે, જેથી શિક્ષણના ધોરણોમાં સુધારો થાય અને આ શાળાઓને મૌલાના આઝાદ પબ્લિક સ્કૂલો તરીકે અપગ્રેડ કરી શકાય” (બજેટ ભાષણ – પાનાં નંબર 60)
વક્ફ મિલકતોનું સમારકામ અને નવીનીકરણ
કર્ણાટક કોંગ્રેસ સરકારે વક્ફ મિલકતોના સમારકામ અને નવીનીકરણ માટે પણ જોગવાઈઓ કરી છે. આ હેતુ માટે ₹150 કરોડની રકમ અલગથી ફાળવવામાં આવી છે. “વક્ફ મિલકતોના સમારકામ અને નવીનીકરણ માટે તથા મુસ્લિમ કબ્રસ્તાનો માટે માળખાગત સુવિધાઓ અને સુરક્ષા પૂરી પાડવા માટે ₹150 કરોડની રકમ આપવામાં આવી છે.” (બજેટ ભાષણ- પાનું 61)
ઉપરાંત, ચીફ મિનિસ્ટર માઈનોરીટી કોલોની ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરાયેલા એક્શન પ્લાન માટે ₹1000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
કોંગ્રેસ સરકાર દ્વારા હજ ભવનનો વિકાસ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણમાં હજ ભવનના વિકાસ પર ભાર મૂક્યો હતો. આમાં હજ યાત્રાળુઓ માટે નવી ઇમારતનું બાંધકામ અને ‘વંચિત’ મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે KSOUની સ્થાપનાનો સમાવેશ પણ છે.
“ડિગ્રી શિક્ષણથી વંચિત લઘુમતી વિદ્યાર્થીઓના લાભ માટે, કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટીનું (KSOU) એક પ્રાદેશિક કેન્દ્ર હજ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે અને વિવિધ ડિગ્રી/અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે.” (બજેટ ભાષ- પાનાં નંબર 62)
“હજ યાત્રાળુઓ અને તેમના સંબંધીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે બેંગ્લોરના હજ ભવનમાં એક વધારાનું મકાન બનાવવામાં આવશે.” (બજેટ ભાષણ- પાનાં નંબર 62)
મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે મફત ભેટો
કર્ણાટક કોંગ્રેસ સરકારે આર્થિક રીતે પછાત મુસ્લિમ સમુદાયના યુગલો માટે ₹50,000ની પણ જાહેરાત કરી છે. “આર્થિક રીતે પછાત લઘુમતી સમુદાયોમાં સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા માટે, આવા સમૂહ લગ્નોનું આયોજન કરતી NGOને પ્રતિ દંપત્તિ ₹50,000 ખર્ચ તરીકે આપવામાં આવશે.” (બજેટ ભાષણ- પાનાં નંબર 62)
સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, મુઅજ્જિનોનું માનદ વેતન વધારીને ₹5000 પ્રતિ માસ કરવામાં આવશે, જ્યારે મસ્જિદના ઈમામોનું માનદ વેતન ₹6000 પ્રતિ માસ કરવામાં આવશે. (બજેટ ભાષણ- પાનાં નંબર 63)
મુસ્લિમ વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ વ્યવહાર
કર્ણાટક સરકારે મુસ્લિમ વિદ્યાર્થીઓ પ્રત્યે પણ વિશેષ પ્રેમ દર્શાવ્યો છે. જેમાં વક્ફ સંસ્થાઓની જમીન પર મુસ્લિમ મહિલાઓ માટે કોલેજોનું નિર્માણ, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે માળખાગત સુવિધાઓનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. “વર્ષ 2024-25માં લઘુમતી મહિલાઓના ઉચ્ચ શિક્ષણને ટેકો આપવા માટે વક્ફ સંસ્થાઓના ખાલી પ્લોટમાં 15 મહિલા કોલેજો બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે” (બજેટ ભાષણ- પાનું 62)
“લઘુમતી સમુદાયો માટે સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે રાજ્યભરમાં મલ્ટી-પર્પઝ હૉલ બનાવવામાં આવશે. આ હૉલ ₹50 લાખના ખર્ચે હોબલી અને તાલુકા સ્તરે અને ₹1 કરોડના ખર્ચે જિલ્લા મુખ્યાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં બનાવવામાં આવશે. (બજેટ ભાષણ- પાનાં નંબર 63)
વધુમાં, કોંગ્રેસ સરકારે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે 50% ફી પરત કરવાની અને વિદેશી શિષ્યવૃત્તિ ₹20 લાખથી વધારીને ₹30 લાખ કરવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણના પાનાં નંબર 64 પર આ સ્પષ્ટ ઉલ્લેખ છે કે – “લઘુમતી વિદ્યાર્થીઓને KEA દ્વારા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફીની 50% રકમ પરત કરવામાં આવશે અને તેની સીમા ₹5 લાખ સુધીની રહેશે.”
“લઘુમતી વિદ્યાર્થીઓને આપવામાં આવતી નેશનલ ફોરેન સ્ટુડન્ટ સ્કોલરશીપની રકમ ₹20 લાખથી વધારીને ₹30 લાખ કરવામાં આવશે.”
નિષ્કર્ષ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણમાં મફત ભેટો, સિલેક્ટિવ ટ્રીટમેન્ટ, હજ ભવનનો વિકાસ, વક્ફ મિલકતોનું નવીનીકરણ અને ઉર્દૂ શાળાઓને મજબૂત કરવા જેવી જાહેરાતો કરીને મુસ્લિમ સમુદાયને ખુશ કરવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે. તેવામાં ઘણા નેટીઝન્સે કર્ણાટક સરકારના આ બજેટને ‘હલાલ બજેટ’ ગણાવ્યું છે.