Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણએ નિયમ વિશે જાણો, જેની મદદથી રાજકારણીઓ એક જ ચૂંટણીમાં 2 બેઠકો...

    એ નિયમ વિશે જાણો, જેની મદદથી રાજકારણીઓ એક જ ચૂંટણીમાં 2 બેઠકો પરથી કરી શકે છે ઉમેદવારી: ‘લાભાર્થી’ નેતાઓમાં ગાંધી પરિવારના 3 સભ્યો 

    આ નિયમ જાણવા માટે રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 જોવો પડે, જેમાં ચૂંટણીઓથી માંડીને ઉમેદવારો અને તેમની લાયકાત-ગેરલાયકાત બાબતની તમામ જોગવાઈઓ છે અને તેના આધારે જ દેશમાં ચૂંટણી યોજાય છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી હવે નજીક છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા તબક્કામાં 195 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને હવે ટૂંક સમયમાં ચૂંટણી પંચ અધિકારિક જાહેરાત પણ કરશે. કોંગ્રેસે હજુ કોઇ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ મીડિયા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટી રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારશે, જ્યારે અમેઠી બેઠક પરથી ફરી એક વખત રાહુલ ગાંધી ઉમેદવારી કરશે. જોકે, તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી કરશે તેવું જાણવા મળી રહ્યું છે. 

    રાયબરેલી અને અમેઠી બંને બેઠકો પર ગાંધી-નેહરુ પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. જોકે, 2019માં રાહુલ ગાંધીએ બાપ-દાદા તરફથી મળેલી બેઠક પર સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરતાં દાયકાઓ બાદ બેઠક ગાંધી પરિવાર પાસેથી છૂટી હતી. જ્યારે રાયબરેલી પર સોનિયા ગાંધી હાલ સાંસદ છે. તેઓ હવે રાજ્યસભા ગયાં હોવાથી અહીં પાર્ટી તેમની પુત્રી પ્રિયંકા ગાંધીને ઉતારવા વિચારી રહી હોવાનું કહેવાય છે. જોકે, હજુ કશું જ નક્કી નથી અને હાલ માત્ર ચર્ચાઓ ચાલે છે. 

    કોંગ્રેસ રાહુલ ગાંધીને 2 બેઠક પર લડાવવા માટે વિચારી રહી હોવાનું હાલના તબક્કે જણાય રહ્યું છે. જેથી પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું 2 બેઠકો પરથી ચૂંટણી લડી શકાય? કે તેનાથી વધુ બેઠકો પર પણ ઉમેદવારી થઈ શકે? 

    - Advertisement -

    આનો સરળ જવાબ છે- હા. કોઇ પણ ઉમેદવાર એકથી વધુ બેઠક પરથી લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડી શકે, પરંતુ આ માટે પણ મર્યાદા છે. 2 બેઠકોથી વધારે સીટો પર એક વ્યક્તિથી ઉમેદવારી કરી શકાય નહીં. પણ 2 બેઠકો પર એકસાથે એક જ ચૂંટણીમાં ઉમેદવારી થઈ શકે છે. 

    આ નિયમ જાણવા માટે રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 જોવો પડે, જેમાં ચૂંટણીઓથી માંડીને ઉમેદવારો અને તેમની લાયકાત-ગેરલાયકાત બાબતની તમામ જોગવાઈઓ છે અને તેના આધારે જ દેશમાં ચૂંટણી યોજાય છે. આ એક્ટની કલમ 33ની પેટાકલમ (7) જણાવે છે કે કોઇ પણ વ્યક્તિ 2થી વધુ લોકસભા બેઠકો પર ઉમેદવારી કરી શકશે નહીં. આ જ નિયમ વિધાનસભા માટે પણ લાગુ પડે છે. 

    જો એક જ વ્યક્તિ બંને બેઠકો પરથી ચૂંટાઈ આવે તો?

    જો કોઇ ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં (વિધાનસભા માટે પણ સમાન નિયમ લાગુ પડે છે) 2 બેઠકો પરથી ઉમેદવારી કરે અને બંને બેઠકો પર ચૂંટાઈ આવે તો પરિણામ ઘોષિત થયાના 14 દિવસની અંદર તેણે બેમાંથી એક બેઠક ખાલી કરી દેવી પડે છે. જો તેમ ન કરે તો બંને બેઠકો ખાલી થયેલી જાહેર કરી દેવામાં આવે છે. રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 70માં આ બાબતની જોગવાઈ છે.

    2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી લડ્યા હતા. વડોદરા અને વારાણસી. તેઓ આ બંને બેઠકો પરથી જંગી બહુમતીથી જીત્યા હતા. વડોદરા બેઠક પરથી તેઓ 5.70 લાખ મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે વારાણસી બેઠક પરથી 3.71 લાખ મતોથી જીત મેળવી હતી. પરિણામ બાદ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને જ્યાં પેટાચૂંટણી થતાં ભાજપે રંજનબેન ભટ્ટને ટીકીટ આપી હતી, જેઓ હાલ સાંસદ છે. 

    2019ની ચૂંટણીમાં અમેઠી બેઠક ગુમાવવાનો અણસાર આવી જતાં કોંગ્રેસે રાહુલ ગાંધી માટે સુરક્ષિત બેઠક શોધવા માંડી હતી અને કેરળની વાયનાડ બેઠક પર પણ ઉમેદવારી કરાવી હતી. જોકે, રાહુલ ગાંધીને પરિણામ બાદ કોઇ એક બેઠક ખાલી કરવાનો વારો આવ્યો ન હતો, કારણ કે અમેઠી બેઠક જનતાએ જ ખાલી કરી આપી હતી. 

    વાજપેયી, ઈન્દિરા, અડવાણી સહિતના નેતાઓ પણ યાદીમાં સામેલ 

    અહીં નોંધનીય છે કે 1951ના મૂળ કાયદામાં બેઠકોની મર્યાદાની જોગવાઇ ન હતી, એટલે એક વ્યક્તિ એક કરતાં વધુ બેઠકો પર ઉમેદવારી કરી શકતી. 1957ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીએ UPની બલરામપુર, મથુરા અને લખનૌ એમ ત્રણ બેઠકો પરથી ઉમેદવારી કરી હતી. જેમાંથી તેઓ બલરામપુરથી જીત્યા હતા. એકથી વધુ બેઠકો પર ચૂંટણી લડનારા નેતાઓમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું નામ પણ સામેલ છે. 

    કટોકટી બાદ થયેલી 1977ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ ત્યારે તેઓ રાયબરેલી પરથી તો લડ્યાં જ, પરંતુ સુરક્ષિત બેઠક મેદક (હાલ તેલંગાણામાં) પરથી પણ ઉમેદવારી કરી હતી. જોકે, તેઓ બંને બેઠકો પરથી જીતી ગયાં હતાં, પણ પછીથી દક્ષિણની બેઠક ખાલી કરી દીધી હતી. 

    ત્યારબાદ પણ અનેક નેતાઓએ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો. 1991માં વાજપેયી વિદિશા અને લખનૌ એમ બે બેઠકો પરથી લડ્યા હતા. (મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી આ વખતે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડશે) આ જ 1991ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી નવી દિલ્હી અને ગાંધીનગર બેઠક પરથી લડ્યા હતા. 1999માં સોનિયા અમેઠી અને કર્ણાટકની બેલારી બંને બેઠકો પર ઉમેદવાર હતાં. પછીથી બંને બેઠકો પરથી જીતતાં બેલારી બેઠક ખાલી કરી દીધી હતી. જ્યારે 2014માં સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરી એમ બે બેઠકો પરથી લડ્યા હતા. 2009માં લાલુ પ્રસાદ યાદવે પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. 

    યાદી જોતાં સ્પષ્ટ થાય છે કે આ નિયમ સૌથી વધુ ગાંધી પરિવારને જ આશીર્વાદ નીવડ્યો છે. કારણ કે પહેલાં ઈન્દિરા ગાંધી, પછી સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી 2-2 બેઠક પરથી લડ્યાં છે. 

    ઉલ્લેખનીય છે કે 1996માં રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું અને કોઇ પણ ઉમેદવાર વધુમાં વધુ 2 જ બેઠકો પરથી લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડી શકે તેવી જોગવાઈ કરવામાં આવી. જે આજ સુધી અમલમાં છે. 

    કોર્ટમાં પણ પડકારવામાં આવી ચૂક્યો છે આ નિયમ 

    કોઇ ઉમેદવાર એક કરતાં વધુ બેઠકો પર લડી શકે તેવી જોગવાઈ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવી ચૂક્યા છે. જાણીતા વકીલ અશ્વિની ઉપાધ્યાયે કોર્ટમાં અરજી કરીને રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 33(7) રદ કરવા માટે માગ કરી હતી, પરંતુ કોર્ટે આ કામ સંસદ પર છોડી દીધું હતું

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે સુનાવણી કરતાં કહ્યું હતું કે, “આ નીતિગત બાબત છે અને રાજકીય લોકશાહીને લગતો મુદ્દો છે. સંસદ આ મુદ્દે નિર્ણય લેશે.” 

    સરકારે વિરોધ કર્યો હતો, ચૂંટણી પંચ ‘એક બેઠક-એક ઉમેદવાર’ના સમર્થનમાં 

    વર્ષ 2018માં સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ‘એક ઉમેદવાર, એક મતવિસ્તાર’ લાગુ કરવું હોય તો સંશોધન કરવાની જરૂર પડશે, કારણ કે એક્ટની કલમ 33(7) હેઠળ 2 બેઠકો પર લડવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઇ ઉમેદવારનો ચૂંટણી લડવાનો અને લોકોનો તેમને ચૂંટવાનો અધિકાર બાધિત કરી શકાય નહીં. 

    જોકે, તે સમયે ચૂંટણી પંચે આ અરજીનું સમર્થન કર્યું હતું અને 2018માં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે સંસ્થાએ જુલાઈ, 2004માં 1951ના એક્ટની કલમ 33(7)માં સુધારો કરવા માટે ભલામણ કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, ઘણા કિસ્સાઓમાં બન્યું છે કે કોઇ વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડીને બંને પરથી જીતે. આ કિસ્સામાં તેમણે એક બેઠક ખાલી કરવી પડે છે અને ત્યાં પેટાચૂંટણી યોજવી પડે છે, જેના લીધે ફરીથી તમામ પ્રક્રિયા અને ખર્ચ થાય છે. 

    તે સમયે ચૂંટણી પંચે સૂચન કર્યું હતું કે ઉમેદવાર જો 2 બેઠકો પરથી લડવા માંગે તો તેમણે વિધાનસભા ચૂંટણીમાં ₹5 લાખ અને લોકસભા ચૂંટણીમાં ₹10 લાખ ડિપોઝિટ જમા કરવી પડે તેવી જોગવાઇ કરવામાં આવે, જેથી આ ખર્ચ પછીથી થતી પેટાચૂંટણી માટે વાપરી શકાય. જોકે, તેનો અમલ કરવામાં આવ્યો નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં