Monday, April 22, 2024
More
  હોમપેજરાજકારણશિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી, સ્મૃતિ ઇરાની અમેઠીથી લડશે લોકસભા ચૂંટણી: મંત્રી રાજીવ ચંદ્રશેખર...

  શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી, સ્મૃતિ ઇરાની અમેઠીથી લડશે લોકસભા ચૂંટણી: મંત્રી રાજીવ ચંદ્રશેખર શશિ થરૂરને આપશે ટક્કર- ભાજપની પહેલી યાદીમાં આ ચર્ચાસ્પદ નામો-બેઠકોને સ્થાન

  કુલ 195 ઉમેદવારોની આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, મધ્ય પ્રદેશની 24, પશ્ચિમ બંગાળની 20, ગુજરાત અને રાજસ્થાનની 15-15, કેરળની 12, આસામ, ઝારખંડ અને છત્તીસગઢની 11, તેલંગાણાની 9, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરૂણાચલ પ્રદેશની 2 અને ગોવા, ત્રિપુરા, આંદામાન-નિકોબાર અને દીવ-દમણની 1 બેઠકોનો સમાવેશ થાય છે. 

  - Advertisement -

  ભારતીય જનતા પાર્ટીએ શનિવારે (2 માર્ચ, 2024) લોકસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં કુલ 195 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો આ યાદીમાં સામેલ છે, જેમાંથી 10 પર સાંસદો રિપીટ થયા છે અને બાકીની 5 પર નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. ભાજપની યાદીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી લઈને અનેક દિગ્ગજોનાં નામો સામેલ છે. 

  PM મોદી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ લડશે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પોતાની બેઠક લખનૌથી ઉમેદવારી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ફરી એક વખત અમેઠીથી લડવા જઈ રહ્યાં છે. 2019માં તેમણે રાહુલ ગાંધીને હરાવીને અહીં દાયકાઓથી ડેરો જમાવીને બેઠેલા ગાંધી પરિવારને વિદાય આપી હતી. ભાજપે તેમને જ ફરી ઉતાર્યાં છે. 

  આ સિવાય ચર્ચાસ્પદ ચહેરાઓની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ વખતે લોકસભા ચૂંટણી લડશે. તેઓ વિદિશા બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના બેઠક પરથી લોકસભા લડશે. 17મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને રાજસ્થાનના કોટાથી રીપીટ કરવામાં આવ્યા છે. 

  - Advertisement -

  નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, બંગાળ ભાજપ અધ્યક્ષ બેલુરઘાટથી લડશે 

  નવી દિલ્હી બેઠક પર મીનાક્ષી લેખીના સ્થાને બાંસુરી સ્વરાજને ટીકીટ આપવામાં આવી છે. તેઓ પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષમા સ્વરાજનાં પુત્રી છે. જ્યારે ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી મનોજ તિવારી રીપીટ થશે. ગોરખપુર બેઠક પરથી અભિનેતા રવિ કિશનને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર બેલૂરઘાટ બેઠક પરથી ચૂંટણી લડશે. અભિનેત્રી હેમા માલિની મથુરાથી લડી રહ્યાં છે. તેમને રિપીટ કરવામાં આવ્યાં છે. દિગ્ગજ નેતા નિશિકાંત દૂબે પણ ઝારખંડની ગોડ્ડા બેઠક પરથી રિપીટ થયા છે. 

  કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. અહીં બંને પાર્ટીઓ વચ્ચે ટક્કર થઈ શકે છે કારણ કે હાલ અહીં કોંગ્રેસના શશિ થરૂર સાંસદ છે. તેમને ફરી રિપીટ કરવામાં આવશે તેની શક્યતાઓ પૂરેપૂરી છે. 

  અનેક કેન્દ્રીય મંત્રીઓ રિપીટ 

  કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને રાજસ્થાનના અલવરથી ટીકીટ અપાઈ છે. આ બેઠક પર બાલકનાથ યોગી સાંસદ હતા, જેઓ વિધાનસભા ચૂંટણી લડીને જીતતાં સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું. ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુરથી લડી રહ્યા છે. જ્યારે રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સી. પી જોષી ચિત્તોડગઢથી લડશે. તેઓ પણ રીપીટ થયા છે. અર્જુનરામ મેઘવાલ બિકાનેરથી ચૂંટણી લડશે. 

  મંત્રી જિતેન્દ્રસિંઘ જમ્મુ-કાશ્મીરના ઉદ્યમપુરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જ્યારે જી. કિશન રેડ્ડી સિકંદરાબાદથી લડશે. કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા એ. કે એન્ટનીને કેરળની પત્તનમતિટ્ટા બેઠક પરથી ટીકીટ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ‘ટેની’ પણ રિપીટ થયા છે, જેઓ ખીરી બેઠક પરથી લડશે. કિરણ રિજિજુ પણ અરૂણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલને દિબ્રુગઢથી ટીકીટ અપાઈ છે. 

  ગુજરાતની 15 બેઠકોની વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારીથી સીઆર પાટીલ લડશે. પોરબંદરથી મનસુખ માંડવિયા અને રાજકોટથી પરષોત્તમ રૂપાલાને ટીકીટ અપાઈ છે. ભરૂચથી મનસુખ વસાવા અને જામનગરથી પૂનમ માડમ રિપીટ થયાં છે. ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને કચ્છથી વિનોદ ચાવડાને જ ટીકીટ આપીને રિપીટ કરવામાં આવ્યા છે.

  કુલ 195 ઉમેદવારોની આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, મધ્ય પ્રદેશની 24, પશ્ચિમ બંગાળની 20, ગુજરાત અને રાજસ્થાનની 15-15, કેરળની 12, આસામ, ઝારખંડ અને છત્તીસગઢની 11, તેલંગાણાની 9, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરૂણાચલ પ્રદેશની 2 અને ગોવા, ત્રિપુરા, આંદામાન-નિકોબાર અને દીવ-દમણની 1 બેઠકોનો સમાવેશ થાય છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં