Tuesday, November 5, 2024
More
    હોમપેજરાજકારણ2019માં પછડાટ ખાધી, પણ ફરી એક વખત અમેઠીથી સાહસ કરશે રાહુલ ગાંધી,...

    2019માં પછડાટ ખાધી, પણ ફરી એક વખત અમેઠીથી સાહસ કરશે રાહુલ ગાંધી, પરંતુ વાયનાડથી પણ લડશે: સોનિયા ગાંધીની બેઠક પર પ્રિયંકા ગાંધી કરશે ઉમેદવારી- અહેવાલોમાં દાવો

    કોંગ્રેસનો ગઢ ગણાતી સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર હવે પ્રિયંકા ગાંધી હાથ અજમાવશે. જ્યારે રાહુલ ગાંધી તેમની અમેઠી બેઠક પરથી જ ઉમેદવારી નોંધાવશે. સાથે તેઓ વાયનાડથી પણ ચૂંટણી લડશે. જોકે, અધિકારીક જાહેરાત હજુ થઈ નથી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી બેઠક પર અટકળોનો દોર પૂર્ણ થતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે હવે અહેવાલોમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાયબરેલીની બેઠક પર કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ઉતારશે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી વાયનાડ અને અમેઠી બંને બેઠકો પરથી ચૂંટણી લડશે. જોકે, આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

    અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર હવે પ્રિયંકા ગાંધી હાથ અજમાવશે. જ્યારે રાહુલ ગાંધી તેમની અમેઠી બેઠક પરથી જ ઉમેદવારી નોંધાવશે. સાથે તેઓ કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, કેરળની વાયનાડ બેઠક માટે ડાબેરી પક્ષો દ્વારા ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી અમેઠીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી.

    બંને બેઠકો ગાંધી-નેહરુ પરિવારનો ગઢ

    અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર દાયકાઓ સુધી ગાંધી-નેહરુ પરિવારનું જ વર્ચસ્વ રહ્યું છે. અહીંથી ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી અને અરુણ નેહરુ સુધીના નેતાઓ ચૂંટણી લડી ચૂક્યા છે. સૌથી પહેલી લોકસભા ચૂંટણીમાં (1952) અહીંથી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીએ ઉમેદવારી કરી હતી. ત્યારબાદ 1967 અને 1971, એમ 2 ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધી અહીંથી લડ્યાં અને જીત મેળવી. જોકે, 1971ની ચૂંટણીમાં ઈન્દિરાને મળેલી જીત સામે તેમના હરીફ ઉમેદવાર રાજ નારાયણ કોર્ટમાં ગયા હતા અને અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરાને ગેરલાયક ઠેરવ્યાં હતાં. ત્યારબાદ સુપ્રીમે પણ આદેશ યથાવત રાખ્યો હતો. આ જ કારણે પછીથી સત્તા બચાવવા ઈન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી હતી. 1980 અને 1984, એમ બે ચૂંટણીમાં અહીંથી અરુણ નેહરુએ પણ ઉમેદવારી કરીને જીત મેળવી હતી.

    - Advertisement -

    અમેઠી પણ આવી જ એક હાઈપ્રોફાઈલ બેઠક છે. જ્યાંથી સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લડી ચૂક્યાં છે. સૌપ્રથમ 1980માં સંજય ગાંધી અહીંથી લડ્યા હતા. પરંતુ જૂન, 1980માં તેમના નિધન બાદ 1981માં થયેલી પેટાચૂંટણીમાં રાજીવ ગાંધીએ અહીંથી લડીને જીત મેળવી. 1991માં તેમના નિધન સુધી તેઓ અહીંથી સાંસદ રહ્યા. 1999માં સોનિયા ગાંધી આ બેઠક પરથી લડ્યાં હતાં અને જીત મેળવી હતી. પરંતુ 2004માં રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ મેળવતાં સોનિયાએ સુરક્ષિત બેઠક ખાલી કરી આપી હતી અને પોતે બાજુની રાયબરેલી બેઠક પર ગયાં હતાં, જે પણ ગાંધી પરિવાર માટે સુરક્ષિત બેઠક હતી.

    સોનિયા ગાંધી રાજ્યસભા ગયાં, અમેઠી બેઠક પહેલેથી જ ગાંધી પરિવારના કબજામાંથી મુક્ત થઈ ચૂકી છે

    અહીં નોંધવું જોઈએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પર 2004થી જીત મેળવી રહ્યાં હતાં. 2019માં ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર તેઓ એકમાત્ર કોંગ્રેસી સાંસદ હતાં. પરંતુ આ વખતે કોંગ્રેસે સ્વાસ્થ્યનું બહાનું કાઢીને તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યાં છે. રાજ્યસભા બેઠક જીત્યા બાદ તેમણે રાયબરેલીની જનતાને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે સંકેત આપી દીધો હતો કે, ગાંધી પરિવારની કોઈ વ્યક્તિ જ રાયબરેલી સીટ પરથી લોકસભા ઉમેદવારી નોંધાવશે. જે બાદ હવે પ્રિયંકા ગાંધીનું નામ સામે આવી રહ્યું છે.

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી ચૂંટણીમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેમણે 2009 અને 2014માં પણ અમેઠી બેઠક પર જીત મેળવી હતી. જોકે, ગત લોકસભા ચૂંટણી વર્ષ 2019માં તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ આ બેઠક પર દાયકાઓથી ગાંધી પરિવારનો કબજો છૂટ્યો. BJP ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તેમને 50 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પરંતુ હવે રાહુલ ગાંધી ફરીથી નસીબ અજમાવી જોશે. જોકે, કોંગ્રેસે વાયનાડની સુરક્ષિત બેઠક પણ રાહુલ ગાંધી માટે રાખી હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.

    ભાજપ દ્વારા દેશભરમાં 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમેઠી બેઠકનો પણ સમાવેશ થયો છે. યાદી અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની સામે ફરી એકવાર સ્મૃતિ ઈરાની ટક્કર આપવા જઈ રહ્યાં છે. જોકે, હજુ સુધી રાયબરેલી પરથી હજુ ઉમેદવારના નામની જાહેરાત થઈ નથી. અટકળો ચાલી રહી છે કે, ભાજપ મનોજ પાંડેને આ બેઠક પરથી ચૂંટણી લડાવશે. આ સિવાય પૂર્વ કોંગ્રેસ નેતા અને રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહનું પણ નામ ચર્ચામાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં