Wednesday, May 8, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરજ્યારે ઉતર્યું હતું ચંદ્રયાન, ત્યારે ચંદ્રમાની સપાટી પર 2 ટન ધૂળ ઉડીને...

    જ્યારે ઉતર્યું હતું ચંદ્રયાન, ત્યારે ચંદ્રમાની સપાટી પર 2 ટન ધૂળ ઉડીને આસપાસના 108 વર્ગ મીટરમાં ફેલાઈ હતી: સરળ શબ્દોમાં જાણો કઈ રીતે બની હતી આ ઘટના, શું છે ‘ઈજેક્ટા હેલો’

    NRSCના વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, જ્યારે વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટી પર ડગ માંડ્યાં ત્યારે 2.06 ટન ચંદ્ર ધૂળ ઉડી હતી અને આસપાસના 108.4 મીટર વર્ગ વિસ્તારમાં ફેલાઈને પથરાઈ ગઈ હતી. ઈસરોએ અહીં ‘લુનાર એપિરેગોલિથ’ શબ્દ વાપર્યો છે. જેનો અર્થ થાય છે. ચંદ્રમાની ધરતીની ઉચ્ચતમ સપાટી.

    - Advertisement -

    ભારતના અવકાશ ક્ષેત્રના આ દાયકાના સૌથી મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ને લઈને ઇસરોએ અમુક નવી અને રોચક જાણકારી આપી છે. શુક્રવારે (27 ઓક્ટોબર, 2023) ઈસરોએ કહ્યું કે જ્યારે ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટી પર લેન્ડ થયું હતું ત્યારે ચંદ્ર પર 2.06 ટન ધૂળ ઉડી હતી અને આસપાસના 108.4 વર્ગ મીટર વિસ્તારમાં ફેલાઇ ગઈ હતી. 

    આ જાણકારી ઈસરો દ્વારા X પર પોસ્ટ કરીને આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, જ્યારે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સપાટી પર ઉતરી રહ્યું હતું ત્યારે તેણે ચંદ્ર પર એક ‘ઈજેક્ટા હેલો’ બનાવ્યો. આ ઘટનાનું મોનિટરીંગ અને ત્યારબાદ તેનો અભ્યાસ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો. નોંધનીય છે કે NRSC ઈસરોનો જ એક ભાગ છે. 

    ઈસરોએ જણાવ્યા અનુસાર, NRSCના વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટી પર ઊતર્યું ત્યારે 2.06 ટન ચંદ્ર ધૂળ ઉડી હતી અને આસપાસના 108.4 મીટર વર્ગ વિસ્તારમાં ફેલાઈને પથરાઈ ગઈ હતી. ઈસરોએ અહીં ‘લુનાર એપિરેગોલિથ’ શબ્દ વાપર્યો છે. જેનો અર્થ થાય છે. ચંદ્રમાની ધરતીની ઉચ્ચતમ સપાટી. જેમાં ધૂળ અને અન્ય કણો સામેલ હોય છે. 

    - Advertisement -

    આ ઘટના કઈ રીતે બની હતી?

    આ ઘટનાને થોડી વિગતે સમજીએ તો લેન્ડિંગ સમયે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર તેજ ગતિએ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું હતું. તેનું ક્રેશ લેન્ડિંગ ન થઈ જાય તે માટે તેની ઝડપમાં ઘટાડો કરવો જરૂરી હતો. આ માટે તેમાં લગાવવામાં આવેલા રૉકેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ફાયર કરવાથી તે લેન્ડરને એક ખાસ ગતિથી ઉપર ધકેલતું હતું અને બીજી તરફ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચતું હતું. આ આકર્ષણ-અપાકર્ષણ બળે લેન્ડરની ગતિમાં ઘટાડો કરવાનું કામ કર્યું. 

    અહીં ગુરૂત્વાકર્ષણ બળ વધુ લાગતું હોવાના કારણે લેન્ડર ઉપરની તરફ ગયું નહીં પરંતુ તેની ઝડપમાં ઘટાડો જરૂર થયો અને ધીમે-ધીમે ઘટતી ગઈ. આ પ્રક્રિયા એ રીતે કરવામાં આવી હતી કે લેન્ડરની ગતિ શૂન્ય થઈ ગઈ. પરંતુ આ પ્રક્રિયામાં જેટલો સમય લાગ્યો તેટલા સમય સુધી ચંદ્રની ધૂળ ઉપર ઊડતી રહી અને ધીમે-ધીમે સપાટી પર પડતી રહી અને આસપાસના વિસ્તારમાં પથરાતી રહી. ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર ગુરૂત્વાકર્ષણ પૃથ્વી જેટલું તીવ્ર હોતું નથી કે ઉપર ગયેલી વસ્તુ એટલી ઝડપે નીચે આવી જાય. એ જ કારણે ધૂળને ઠરવામાં પ્રમાણમાં વધુ સમય લાગ્યો હશે. એ જ કારણ છે કે વિક્રમ લેન્ડર ઉતર્યા બાદ તરત પરીક્ષણ શરૂ કરવામાં આવ્યાં ન હતાં અને ધૂળ બેસી જાય તેની રાહ જોવામાં આવી હતી. 

    જે હિસ્સાની જમીન ઉડી હતી તેટલા વિસ્તારમાં એક ગોળાકાર ખાડો બની ગયો હતો, જેને ઈજેક્ટા હેલો કહેવામાં આવે છે. આ બાબતો ઇન્ડિયન સોસાયટી ઑફ રિમોટ સેન્સિંગની એક જર્નલમાં પ્રકાશિત એક આર્ટિકલમાં જણાવવામાં આવી છે. 

    જેમાં આગળ કહેવામાં આવ્યું કે, સંશોધનકર્તાઓએ લેન્ડિંગ પહેલાં અને પછીના હાઇ-રિઝોલ્યુશન ફોટોગ્રાફનો અભ્યાસ કરતાં તેમાં સ્પષ્ટપણે આ ઘટનાની સાબિતી જોવા મળી હતી. આ ફોટો ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઇરિઝોલ્યુશન કેમેરાથી લેવામાં આવ્યા હતા. તેણે ચંદ્રયાનના લેન્ડિંગ પહેલાં અને પછી બંને વખતના ફોટોગ્રાફ લઈને ધરતી પર મોકલ્યા હતા.

    મિશન ચંદ્રયાન-3

    મિશન ચંદ્રયાનની વાત કરવામાં આવે તો તે જુલાઈ મહિનામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. યાનના સફળ પ્રક્ષેપણ બાદ લગભગ એક મહિનાની યાત્રા કરીને 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રમાની સપાટી પર પહોંચ્યું હતું અને સફળ લેન્ડિંગ કર્યું હતું. જેની સાથે ચંદ્ર પર પહોંચનારો ભારત ચોથો અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો હતો. 

    લેન્ડિંગ બાદ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું હતું અને પરીક્ષણ શરૂ કર્યાં હતાં. બંને સાધનોએ 14 દિવસ સક્રિય રહીને અનેક પરીક્ષણો કરીને મહત્વપૂર્ણ માહિતી પૃથ્વી સુધી પહોંચાડી હતી. અહીં લેન્ડર એ સાધન છે જે ચંદ્રમા પર ઉતર્યું હતું, જ્યારે રોવર એક રોબોટિક વાહન હોય છે, જેને વ્હીલ હોય છે, જેની મદદથી તે ફરી શકે છે. તે ભ્રમણ કરીને માહિતી એકઠી કરીને લેન્ડરને મોકલાવે છે અને લેન્ડર પૃથ્વીને. 

    14 દિવસ સુધી સક્રિય રહ્યા બાદ બંને ઉપકરણોને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યાં હતાં, કારણ કે ચંદ્રમા પર દિવસ આથમ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચંદ્રમા પર એક દિવસ પૃથ્વીના 28 દિવસ બરાબર હોય છે. એટલે કે 14 દિવસ રાત્રિ હોય છે અને 14 દિવસ અજવાળું. જ્યારે લેન્ડર ઉતર્યું હતું ત્યારે દિવસ થયો હતો. ત્યારબાદ 4 સપ્ટેમ્બર સુધી ઉપકરણોએ વિવિધ પરીક્ષણો કર્યાં હતાં. આખરે તેમને સ્લીપ મોડમાં મૂકી દેવાયાં હતાં. 

    14 દિવસ બાદ જ્યારે ફરીથી ચંદ્ર પર દિવસ ઊગ્યો ત્યારે બંને ઉપકરણો ફરી સક્રિય થવાની આશા હતી, પરંતુ તેમણે સિગ્નલ મોકલાવ્યાં નહીં. તેનું કારણ એ હોય શકે કે રાત્રિ દરમિયાન ચંદ્રમા પર તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એક ઉપકરણ માટે આ પરિસ્થિતિમાં ટકી રહેવું મુશ્કેલ કામ છે. એ જ કારણ છે કે ઈસરોએ મિશન એ રીતે જ નક્કી કર્યું હતું કે 14 દિવસમાં તમામ ટાસ્ક પૂર્ણ થઈ જાય અને તેમાં સંપૂર્ણ સફળતા પણ મળી. જેથી બંને ઉપકરણ ફરી જાગ્યાં હોત તોપણ તેમણે એ જ મિશન ફરીથી જુદાં ઠેકાણે કર્યાં હોત, પરંતુ નથી જાગ્યા તો તેનો અર્થ એ નથી કે મિશનમાં કોઇ વાંધો આવ્યો. મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં