Friday, May 17, 2024
More
    હોમપેજદેશવિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી સક્રિય થવાની આશા હજુ જીવંત: ઈસરો...

    વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી સક્રિય થવાની આશા હજુ જીવંત: ઈસરો ચેરમેને જણાવ્યું- ક્યાં સુધીમાં બંને બીજી ઈનિંગ માટે તૈયાર થઈ શકે

    જ્યાં સુધી તાપમાન વધે ત્યાં સુધી સાધનોની અંદરની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેથી સિસ્ટમ 14મા દિવસે પણ સક્રિય થઈ શકે: ISRO ચેરમેન

    - Advertisement -

    ચંદ્રમા પર ફરી સૂર્યોદય થયા બાદ મિશન ચંદ્રયાન માટે મોકલવામાં આવેલાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના પ્રયાસ ચાલુ છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને સાધનો તરફથી કોઇ સંકેત મળ્યા નથી. જોકે, સ્પેસ એજન્સીનું કહેવું છે કે હજુ પણ બંને સક્રિય થવાની આશા છે અને 6 ઓક્ટોબરે ફરી સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે સિગ્નલ મોકલાવી શકે છે. 

    ચંદ્રમા પર બુધવારે (20 સ્પ્ટેમ્બર) સૂર્યોદય થયો હતો. ત્યારબાદ ગુરૂવારે ઈસરોએ લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. શુક્રવારે એજન્સીએ જણાવ્યું હતું કે, તેઓ આ પ્રયાસો ચાલુ રાખશે. બીજી તરફ, શનિવારે ઇસરો ચેરમેને જણાવ્યું કે, 14 દિવસમાં આ સાધનો ગમે ત્યારે સક્રિય થઈ શકે છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયા ઈસરો ચેરમેન એસ સોમનાથને ટાંકીને લખે છે કે, “અત્યાર સુધી (શનિવારે સાંજ સુધી) કોઇ સિગ્નલ મળ્યાં નથી, પરંતુ હું એમ ન કહી શકું કે હવે સિગ્નલ ક્યારેય મળશે જ નહીં. આપણે દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી (ચંદ્રનો 1 દિવસ=પૃથ્વીના 14 દિવસ) રાહ જોવી પડશે, કારણ કે ત્યાં સુધી સતત સૂર્યપ્રકાશ પડતો રહેશે અને તાપમાન વધતું જશે.” 

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, “જ્યાં સુધી તાપમાન વધે ત્યાં સુધી સાધનોની અંદરની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેથી સિસ્ટમ 14મા દિવસે પણ સક્રિય થઈ શકે છે. તે ચોક્કસ ક્યારે થશે તેનું અનુમાન લગાવવાનો કોઈ રસ્તો નથી.” અહીં નોંધવું જોઈએ કે લેન્ડર અને વિક્રમ પોતાની જાતે સક્રિય થઈને પૃથ્વી પર સિગ્નલ મોકલે એ જ એકમાત્ર રસ્તો છે, અહીંથી તેમને સક્રિય કરી શકાતાં નથી. સિગ્નલ મોકલ્યા બાદ સંપર્ક સ્થાપિત થઈ શકે છે. 

    બંને કામો પૂર્ણ કરી ચૂક્યાં છે, બીજી બોનસ ઇનિંગ માટે સક્રિય થવાની રાહ જોવાઈ રહી છે

    અહીં ઉલ્લેખનીય છે કે બંને સાધનો લેન્ડર અને રોવર પહેલેથી જ પોતાનાં કામો પૂર્ણ કરી ચૂક્યાં છે, પરંતુ તેમને ફરીથી સક્રિય કરવાના પ્રયાસો એટલા માટે થઈ રહ્યા છે જેથી વધુ પ્રયોગો કરીને વધુ માહિતી મેળવી શકાય. ઈસરો ચેરમેને કહ્યું કે, બંને સિસ્ટમ ફરીથી સક્રિય થાય તો તેના ઘણા ફાયદાઓ છે અને જે પ્રયોગો થઈ ચૂક્યા છે તેને ફરીથી જુદા સ્થળે કરી શકાશે. 

    ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું કે, “ChaSTEને (ચંદ્રની સપાટી અને પેટાળનું તાપમાન માપવા માટે વપરાય છે) જુદા લોકેશન પર મૂકી શકાશે અને વધુ એક પ્રયોગ થકી અન્ય સ્થળનો ડેટા મળી શકશે. જેટલાં વધુ લોકેશન પર પ્રયોગો થશે તેટલો જ ડેટા વધુ મળશે. આ સિવાય પ્રજ્ઞાન રોવર પણ વધુ સ્થળોએ ફરીને ડેટા એકઠો કરી શકશે.” 

    23 ઓગસ્ટે ચંદ્રમાની સપાટી પર ઉતર્યું હતું લેન્ડર

    23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રમાની સપાટી પર લેન્ડ કર્યા બાદ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલા પ્રજ્ઞાન રોવરે પોતાનું કામ શરૂ કર્યું હતું અને એક પછી એક પ્રયોગો કરીને માહિતી પૃથ્વીને મોકલાવી હતી. લેન્ડર એ સાધન છે જે ચંદ્ર પર ઊતર્યું હતું, જ્યારે રોવર તેમાં રાખવામાં આવેલું એક રોબોટિક વાહન છે, જે પોતાના વ્હીલની મદદથી ફરીને ડેટા એકઠો કરી શકે છે. આ બંને સાધનો સૂર્યઊર્જાની મદદથી ચાલે છે. 

    ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના 28 દિવસ બરાબર હોય છે, એટલે કે 14 દિવસ માટે ત્યાં અજવાળું હોય છે અને 14 દિવસ અંધારું. જ્યારે રાત્રિ પડે ત્યારે તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેમાં લેન્ડર-રોવર કામ કરી શકતાં નથી. જેથી જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત્રિ પડી ત્યારે બંનેને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યાં હતાં. 

    નોંધવું જોઈએ કે આમ તો બંને સાધનોની આવરદા 14 દિવસની જ છે, કારણ કે આટલા નીચા તાપમાનમાંથી ફરી સૂર્યઊર્જા મેળવીને સક્રિય થવું કઠિન કામ છે. પરંતુ અશક્ય પણ નથી, જેથી ઈસરો દ્વારા ફરીથી સંપર્ક સ્થાપવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો સક્રિય થાય તો ફરી કામ કરશે અને ન થાય તોપણ ઇસરોને કોઇ નુકસાન નથી કારણ કે બંનેને મિશન ચંદ્રયાનમાં જે-જે ટાસ્ક સોંપવામાં આવ્યાં હતાં, તે તેઓ પૂર્ણ કરી ચૂક્યાં છે. બંને 6 ઓક્ટોબર સુધીમાં ગમે ત્યારે સક્રિય થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં