Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશમિશન ચંદ્રયાન: પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો...

    મિશન ચંદ્રયાન: પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ, ઈસરોએ આપી તાજા જાણકારી; જાણીએ હવે આગળ શું

    વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લગભગ 14 દિવસ સુધી સક્રિય રહ્યાં. આ સાધનો સૂર્યઊર્જાની મદદથી ચાલે છે. જેથી માત્ર ચંદ્ર પર દિવસ હોય એટલે કે સૂર્યપ્રકાશ આવતો હોય તેટલો જ સમય કામ કરી શકે છે. 

    - Advertisement -

    ચંદ્ર પર ફરીથી સૂર્યોદય થયો હોઈ લેન્ડર અને રોવર ફરીથી સક્રિય થવાની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ઈસરો દ્વારા અગત્યની જાણકારી આપવામાં આવી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, હાલ બંને સાધનો સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 

    ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘પુનઃ સક્રિય થયા બાદ તેમની સ્થિતિ જાણવા માટે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારની સ્થિતિ પ્રમાણે, તેમના તરફથી કોઇ સિગ્નલ મળ્યાં નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ ચાલુ રહેશે.’ ઈસરોએ આ ટ્વિટ શુક્રવારે (22 સપ્ટેમ્બર, 2023) 6:48 કલાકે કર્યું હતું. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ મિશન સાથે જોડાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકને ટાંકીને જણાવ્યું કે, હજુ સુધી કોઇ સંપર્ક થયો નથી, પરંતુ આપણે રાહ જોવી પડશે. હજુ પણ ઘણો સમય છે. બીજી તરફ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ TOIને જણાવ્યું હતું કે, બંને સાધનો શુક્રવારે મોડી રાત્રિ સુધી પણ સક્રિય થઈ શકે કે શનિવારે સવારે પણ થાય. ત્યાં સુધી રાહ જોવી પડશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3 મિશન માટે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર એક મહિનાની યાત્રા પૂર્ણ કરીને આખરે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રમાની સપાટી પર ઊતર્યું હતું. સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ લેન્ડરમાં રાખવામાં આવેલું પ્રજ્ઞાન રોવર પણ બહાર આવ્યું હતું અને પોતાનું કામ શરૂ કર્યું હતું. રોવર એક નાનકડું રોબોટિક વાહન છે, જે પોતાના વ્હીલની મદદથી ચંદ્રની સપાટી પર ફરી શકે છે. જ્યારે લેન્ડર એક જગ્યાએ સ્થિર રહે છે. 

    5 સપ્ટેમ્બરના રોજ સ્લીપ મોડમાં મૂકાયાં હતાં

    વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લગભગ 14 દિવસ સુધી સક્રિય રહ્યાં. રોવરે ચંદ્રની સપાટી પર લગભગ 100 મીટર સુધી ભ્રમણ કર્યું અને મહત્વપૂર્ણ માહિતી એકઠી કરીને લેન્ડરને મોકલાવી હતી, જેણે ત્યારબાદ પૃથ્વી સુધી આ ડેટા મોકલ્યો હતો. આ સાધનો સૂર્યઊર્જાની મદદથી ચાલે છે. જેથી માત્ર ચંદ્ર પર દિવસ હોય એટલે કે સૂર્યપ્રકાશ આવતો હોય તેટલો જ સમય કામ કરી શકે છે. 

    ચંદ્ર પર 14 દિવસ માટે પ્રકાશ હોય છે અને 14 માટે અંધારું. એટલે કે ત્યાંનો એક સંપૂર્ણ દિવસ પૃથ્વીના 28 દિવસ બરાબર થાય. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સૂર્યોદય થયા બાદ (પૃથ્વીના) 14 દિવસ બાદ 5 સપ્ટેમ્બરના રોજ રાત્રિ પડતાં ઈસરોએ આ બંને સાધનોને સ્લીપ મોડમાં મૂકી દીધાં હતાં. એટલે કે તેમની બેટરી ચાર્જ કરીને એક જગ્યાએ સલામત સ્થિતિમાં પાર્ક કરી દીધાં હતાં. કારણ કે બંને સૂર્યપ્રકાશ વગર કામ કરી શકતાં નથી અને ચંદ્ર પર રાત્રિ પડે ત્યારે તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે. 

    આ સ્થિતિમાં સાધનોનું ટકવું મુશ્કેલ છે. એ જ કારણ છે કે ઇસરોએ આ મિશન માત્ર 14 દિવસ જેટલું જ રાખ્યું હતું અને રોવર અને લેન્ડરે જે કામ પૂરાં કરવાનાં હતાં એ પહેલેથી જ પૂર્ણ કરી દીધાં છે. પરંતુ શક્યતા એવી પણ છે કે સૂર્યોદય થયા બાદ બંને ફરીથી ઊર્જા મેળવીને સક્રિય થઈ શકે. આ સાધનો સક્રિય થયાં છે કે નહીં તે જાણવા માટે હાલ ઈસરોએ સંપર્ક સ્થાપવાના પ્રયાસ શરૂ કર્યા છે. 

    જો બંને સક્રિય થઈ જાય તો આગળ કામ કરશે, અને કોઈક કારણોસર ન થાય તો કાયમ માટે ચંદ્રમા પર ભારતનાં રાજદૂત બનીને રહેશે. ચંદ્ર પર વાતાવરણ હોતું નથી, જેથી આવનારા દાયકાઓ સુધી યથાતથ સ્થિતિમાં રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં