Friday, October 18, 2024
More
    હોમપેજદુનિયાભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટને લઈને થઈ ડીલ: જાણો કેમ મહત્વનું...

    ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટને લઈને થઈ ડીલ: જાણો કેમ મહત્વનું છે આ પોર્ટ, શું થશે લાભ; એ પણ જાણો કે અમેરિકા-ચાઈના અને પાકિસ્તાન શા માટે છે ચિંતિત

    ચાબહાર પોર્ટ ભારતની આ વ્યૂહરચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેથી જ ભારત અને ઈરાન વચ્ચે થયેલી ચાબહાર પોર્ટ ડીલ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    - Advertisement -

    ભારત અને ઈરાને સંયુકત રીતે સાથે મળીને ઈરાન સ્થિત ચાબહારના શાહિદ બેહશ્તી પોર્ટના ટર્મિનલને સંચાલિત કરવા માટે એક ડીલ કરી છે. આ ડીલ હેઠળ આવનારા 10 વર્ષ માટે ચાબહાર પોર્ટનું સંચાલન ભારત કરશે. બંને દેશોના પ્રતિનિધિઓએ કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. આ એક ડીલથી દુનિયાના ઘણા દેશોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. આ ડીલને લઈને અમેરિકા-ચીન અને પાકિસ્તાન પણ પરેશાન થઈ ગયા છે. અમેરિકા તો એવું રઘવાયું થયું છે કે, આ ડીલ બાદ તેણે આડકતરી રીતે ભારત પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી દીધી હતી. હવે આવી સ્થિતિમાં તે જાણવું આવશ્યક છે કે, ભારત માટે ચાબહાર પોર્ટ આટલું મહત્વનું કેમ છે?

    ઈરાનમાં સ્થિત ચાબહાર પોર્ટ સમુદ્રનો ખૂબ નાનો ભાગ છે. પરંતુ તે ભૂભાગ ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. તેથી જ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ ડીલને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. વાત જો ચાબહારની કરવામાં આવે તો તેનો શાબ્દિક અર્થ થાય છે કે, એક એવું સ્થળ જ્યાં વર્ષ દરમિયાનની ચારેય ઋતુ વસંત સમાન હોય છે. તો હવે જાણીએ ચાબહાર પોર્ટના મહત્વ વિશે.

    ભારતને વેપારમાં શું થશે લાભ?

    આ પ્રથમ વખત છે જ્યારે ભારત વિદેશમાં સ્થિત પોર્ટનું સંચાલન સંભાળશે. ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. ભારત અને ઈરાન સંયુક્ત રીતે આ બંદરનો વિકાસ કરી રહ્યા છે. વિદેશી બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, પહેલાં ભારતે મધ્ય એશિયાના દેશો સાથે વેપાર કરવા માટે પાકિસ્તાનના માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. અફઘાનિસ્તાનમાં સામાન મોકલવા માટે પણ ભારતને પાકિસ્તાનના માર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ ચાબહારને લઈને ભારત અને ઈરાન વચ્ચે ડીલ થઈ હોવાથી હવે ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં વેપાર માટે નવો માર્ગ મળી જશે. અત્યાર સુધી આ દેશોમાં પહોંચવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતું. કૂટનીતિની દૃષ્ટિએ પણ આ બંદર ભારત માટે મહત્ત્વનું છે.

    - Advertisement -

    આ બંદર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે મહત્વપૂર્ણ દ્વાર તરીકેનું કામ કરશે. તેનાથી ભારતે પાકિસ્તાનના રસ્તાનો ઉપયોગ કરવો પડશે નહીં. ભારત દ્વારા ચાબહાર પોર્ટના વિકાસને વ્યાપકપણે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચાબહાર પોર્ટ એગ્રીમેન્ટ ભારતને પોર્ટના વિસ્તરણમાં નાણાકીય રોકાણને પગલે ઓપરેશન કંટ્રોલ આપે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી વચ્ચે આ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    વિદેશમાં પોર્ટનું સંચાલન કરવાની આ ભારતની પ્રથમ ઘટના છે. આ બંદર ભારત માટે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને બહોળા યુરેશિયન પ્રદેશ સાથે એક નિર્ણાયક કનેક્ટિવિટી લિંક તરીકે સેવા આપે છે, જે પાકિસ્તાનના ગ્વાદર બંદર અને ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલનો સામનો કરે છે. તેથી જ ચીન અને પાકિસ્તાન પણ આ ડીલથી ઉકળી ઉઠયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

    ચાબહાર પોર્ટનું ભારત માટે શું છે મહત્વ?

    ચાબહાર બંદર ભારત માટે આટલું મહત્વનું કેમ છે જો આ પ્રશ્નનો જવાબ શોધવામાં આવે તો ખ્યાલ આવશે કે, આ બંદર તેના સ્થાનના કારણે ભારત માટે ખૂબ જ મહતપૂર્ણ છે. ચાબહાર બંદર ઈરાનમાં ઓમાનની ખાડીમાં આવેલું છે. તે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 72 કિમી દૂર છે. ચાબહાર ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)નો પણ એક ભાગ છે, જે એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશનલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ થઈને ઈરાન અને ઉત્તરી યુરોપ થઈને કેસ્પિયન સમુદ્ર સાથે જોડે છે. જેનાથી વેપારમાં પણ સાનુકૂળતા મળી શકે છે.

    ચાબહાર પોર્ટનો લાભ લઈને, ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને તેનાથી આગળ મધ્ય એશિયામાં સીધો પ્રવેશ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

    ગુજરાતમાં કંડલા બંદર ચાબહાર બંદરની સૌથી નજીક 550 નોટિકલ માઈલ છે. જ્યારે ચાબહાર અને મુંબઈ વચ્ચેનું અંતર 786 નોટિકલ માઈલ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, ચાબહાર બંદર માત્ર ભારતનું સૌથી નજીકનું ઈરાની બંદર નથી પરંતુ તે દરિયાઈ દૃષ્ટિકોણથી પણ એક ઉત્તમ બંદર છે.

    અમેરિકા-ચીન અને પાકિસ્તાન શા માટે ચિંતિત?

    ઈરાન સાથે ભારતની ડીલના સમાચાર બહાર આવતા જ અમેરિકા ચિંતામાં મુકાયું છે. તેથી જ તેણે ચેતવણી આપી હતી કે, તેહરાન સાથેના વેપાર સોદાને ધ્યાનમાં લેતા “કોઈ પણ” પ્રતિબંધોના સંભવિત જોખમોથી વાકેફ હોવા જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હું એટલું જ કહીશ… ઈરાન પર યુએસ પ્રતિબંધો અમલમાં રહેશે અને ચાલુ રહેશે.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતીય કંપનીઓ પણ આ પ્રતિબંધોના દાયરામાં આવી શકે છે, ત્યારે વેદાંત પટેલે જણાવ્યું હતું કે, જે કોઈ પણ ઈરાન સાથે બિઝનેસ ડીલ પર વિચાર કરી રહ્યું છે તે સંભવિત જોખમોના દાયરામાં રહેશે.

    ભારત અને ઈરાન વચ્ચે વધી રહેલી નિકટતાથી અમેરિકા અત્યંત પરેશાન છે. જો આપણે પડદા પાછળની વાત કરીએ તો અમેરિકા ક્યારેય ઇચ્છતું નથી કે દુનિયાનો કોઈ પણ દેશ ઈરાન સાથે કોઈપણ પ્રકારના વેપારી સંબંધો રાખે. સાથે જ અમેરિકા એ પણ નથી ઈચ્છતું કે ભારતને ઈરાન સાથેની મિત્રતાનો કોઈ લાભ મળે. તેની પાછળનું કારણ એ છે કે, અમેરિકાને લાગે છે કે, જો આવું થશે તો ભારત અમેરિકાના દુશ્મન દેશોની નજીક જશે. આ જ કારણ છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકાએ ઈરાન પર એક પછી એક અનેક પ્રતિબંધો લગાવ્યા છે.

    ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાન વચ્ચે થયેલી ડીલનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, તેને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવને ભારતના જવાબ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ પોર્ટના ઉપયોગને કારણે ભારત હવે પાકિસ્તાનને દૂર રાખીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના અન્ય દેશો સાથે સીધો વેપાર કરી શકશે. જેના કારણે આ વિસ્તારમાં પાકિસ્તાનનું મહત્વ પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું છે. તેથી પાકિસ્તાન પણ આ ડીલથી ચિંતિત છે.

    નેકલેસ ઓફ ડાયમંડ

    જો ચીનની વાત કરીએ તો ભારતની આ ડીલ ચીન માટે પણ યોગ્ય જવાબ છે. ભારત છેલ્લા ઘણા સમયથી તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નેકલેસ ઓફ ડાયમંડ પર કામ કરી રહ્યું છે. અને આ પ્રોજેક્ટ માટે ચાબહાર પોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતનો આ પ્રોજેક્ટ કૂટનીતિક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ચીનને ચારે બાજુથી ઘેરવાનો છે. આ વ્યૂહરચના હેઠળ, ભારત ચીનની વ્યૂહરચનાનો સામનો કરવા માટે તેના નૌકાદળના થાણાઓનું વિસ્તરણ કરી રહ્યું છે અને વ્યૂહાત્મક રીતે મજબૂત દેશો સાથે સંબંધો પણ સુધારી રહ્યું છે. ચાબહાર પણ ભારતની આ વ્યૂહરચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેથી જ ભારત અને ઈરાન વચ્ચે થયેલી ચાબહાર પોર્ટ ડીલ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં