રવિવારે (17 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે. તેઓ અહીં વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઑફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ ખુલ્લું મૂકશે, ઉપરાંત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદઘાટન કરશે.
Gujarat | Tomorrow, on 17th December, Prime Minister Narendra Modi will inaugurate Surat Diamond Bourse. It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading of both rough and polished diamonds… pic.twitter.com/VBYsLk1fMc
— ANI (@ANI) December 16, 2023
સુરત ડાયમંડ બુર્સ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ઑફિસ બિલ્ડીંગ છે. અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઇમારતનું ટાઈટલ અમેરિકાના ‘પેન્ટાગોન’ પાસે હતું. પેન્ટાગોન એ અમેરિકાનું સૈન્ય મુખ્યમથક છે, જે તેના પંચકોણીય આકારના કારણે આ નામે ઓળખાય છે. આ ઈમારત 65 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. હવે 67 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ તેનું સ્થાન લેશે.
વિશ્વની સર્વશ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ
9 ટાવરમાં પથરાયેલું આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ અને ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ આ ઈમારતમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ પણ છે. અહીં 4500થી વધુ ઑફિસો એકબીજા સાથે જોડાયેલી છે. તેમનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે તમામ ઑફિસને સૂર્યપ્રકાશ મળી રહેશે. બે ટાવર વચ્ચેનું અંતર પણ તે રીતે જ રાખવામાં આવ્યું છે કે દરેક ઑફિસને પૂરતો હવાઉજાસ મળી રહે.
અહીં 131 હાઇસ્પીડ લિફ્ટ મૂકવામાં આવી છે, જેની ઝડપ પ્રતિ સેકન્ડ 3 મીટરની હશે. લિફ્ટ મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટિનેશન કંટ્રોલ સિસ્ટમ વડે થશે, જેના થકી કોઇ પણ વ્યક્તિને 16મા માળ સુધી પહોંચવા માટે માત્ર 3 મિનીટનો સમય લાગશે. નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે કોઇ પણ વ્યક્તિ 9 ટાવરમાં કોઈપણમાંથી પ્રવેશ મેળવશે તો કોઇ પણ ઑફિસમાં પહોંચવા માટે માત્ર 3 મિનીટનો સમય લાગશે.
35.54 એકરના સમગ્ર પરિસરમાં 15 એકર વિસ્તારમાં પંચતત્વ થીમ આધારિત ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયો છે અને નવ ગ્રહોને આધિન છે.
65 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઑફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ઓક્શન હાઉસ, સિકયોરીટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
અહીં 300 સ્કવેર ફિટથી 1 લાખ સ્કવેર ફિટ સુધીની અલગ-અલગ કદની ઑફિસો નિર્માણ પામી છે. બૂર્સમાં કુલ 9 ટાવર + ગ્રાઉન્ડ + 15 માળ + 2 બેઝમેન્ટ છે. વિશાળ કેમ્પસમાં 11,000 ટુ-વ્હીલ અને 5,100 ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને 400થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરવામાં આવ્યું છે.
આ સિવાય અન્ય કેટલીક વિશેષતાઓ પર નજર નાખીએ તો-
-67,000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
-હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
-67 લાખ સ્કવેર ફિટ બાંધકામ અને 4500થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઑફિસ
-બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
સિસ્ટમ (BMS)
-દરેક ટાવરને દરેક ફલોરથી જોડતા સ્ટ્રકચર ‘સ્પાઈન’ની લંબાઈ 1407 ફીટ અને પહોળાઈ ઓછામાં ઓછી 24 ફીટ
-ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની સુવિધા
-સ્પાઈનમાં 4 અલગ-અલગ સેફ (લૉકર) વોલ્ટની સુવિધા
-દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
-સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ (3,40,000 રનીંગ મીટર પાઈપ)
-ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેન્ક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
-સંપુર્ણ એલિવેશન, ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
-ફલોર હાઈટ, ગ્રાઉન્ડ ફલોર-21 ફુટ, ઓફિસ-13 ફીટ
-મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: 229 ફીટ
-ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
-યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
-સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
-પ્રત્યેક બે ટાવર વચ્ચે 6,૦૦૦ સ્કવેર મીટર (3 વીઘાં) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
-દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
-એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
-54,000 મેટ્રિક ટન લોખંડના સળિયાનો ઉપયોગ
-5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
-11.25 લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
-12 લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, 5.50 લાખ રનીંગ મીટર -HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
-5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ
સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા વ્યાપાર માટેનું વિશ્વનું સૌથી મોટું અને અત્યાધુનિક સેન્ટર હશે. આ ઈમારત જ્વેલરી ઉપરાંત રફ અને પોલિશ્ડ ડાયમંડના ખરીદ-વેચાણ માટેનું એક ગ્લોબલ સેન્ટર બની રહેશે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે 2 લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે. બીજી તરફ, આ બુર્સ દોઢ લાખ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડશે.