Wednesday, July 9, 2025
More
    હોમપેજદેશ42+ લાખ KM ઓપ્ટિકલ ફાઇબર કેબલ, 10 વાર ચંદ્ર પર જઈ પરત...

    42+ લાખ KM ઓપ્ટિકલ ફાઇબર કેબલ, 10 વાર ચંદ્ર પર જઈ પરત અવાય એટલી લંબાઈ… પીએમ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 10 વર્ષ અને અગણિત સિદ્ધિઓ: શહેરથી લઈને છેવાડા સુધી પહોંચી કનેક્ટિવિટી

    42 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક, ગ્રામીણ કનેક્ટિવિટી અને ઈ-ગવર્નન્સની સફળતાએ દેશના દરેક ખૂણે ડિજિટલ ક્રાંતિનો પાયો નાખ્યો છે. આગામી દાયકામાં ડિજિટલ ઇન્ડિયા ભારતને વૈશ્વિક ડિજિટલ નેતૃત્વ તરફ લઈ જશે.

    - Advertisement -

    છેલ્લા એક દાયકામાં ભારતે અભૂતપૂર્વ પરિવર્તન જોયા છે. તે પૈકીનું એક પરિવર્તન છે ભારતની બદલાતી તસવીર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આજે ભારત અનેક સિદ્ધિઓને સર કરીને વિશ્વના વિકસિત દેશોની હરોળ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ડિજિટલ ક્રાંતિના કારણે જ આજે ભારત AI  ટેકનોલોજીમાં પણ વિશ્વના મહત્વપૂર્ણ દેશોમાં સામેલ છે. 1 જુલાઈ 2015થી પ્રારંભ થયેલા આ અભિયાનને હવે 10 વર્ષ પૂર્ણ થયા છે.

    એક દાયકાના અભૂતપૂર્વ પરિવર્તનની આખા દેશમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ 10 વર્ષની આ પહેલની સરાહના કરી છે અને તેને ‘જન આંદોલન ગણાવ્યું છે. પીએમ મોદીએ મંગળવારે (1 જુલાઈ, 2025) ડિજિટલ ઇન્ડિયાની એક દાયકાની યાત્રા પર વિગતવાર ચર્ચા કરી છે. તેમણે આ અભિયાનને એક એવું આંદોલન ગણાવ્યું છે કે, જેણે 140 કરોડ ભારતીયોને સશક્ત બનાવ્યા છે અને ભારતને વૈશ્વિક ડિજિટલ નેતૃત્વ તરફ અગ્રેસર કર્યું છે. 

    લિંક્ડઇન પર શેર કરેલા એક લેખમાં પીએમ મોદીએ લખ્યું છે કે, “દશકો સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાને લઈને ભારતીયો પર શંકા વ્યક્ત કરવામાં આવતી હતી, આપણે હવે આ દ્રષ્ટિકોણને જ બદલી નાખ્યો છે અને ભારતીયોની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા પર વિશ્વાસ કર્યો છે.” વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું છે કે, આજે ડિજિટલ ઇન્ડિયા દરેક જગ્યા પર છે. તમામ ક્ષેત્રોમાં આજે તેને જોઈ શકાય છે. આપણે એક દાયકામાં આવેલા પરિવર્તન અને અભિયાનની સફળતા તથા ધ્યેયો વિશે વિગતે ચર્ચા કરીશું.

    - Advertisement -

    ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ અને તેના ધ્યેયો

    1 જુલાઈ, 2015ના રોજ પીએમ મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો પાયો નાખ્યો હતો અને ભારતને ટેકનોલોજી તથા ડિજિટલ ક્ષેત્રે આગળ લઈ જવાના સ્વપ્ન જોયા હતા. ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મુખ્ય હેતુ ભારતને ડિજિટલ રીતે સશક્ત અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો હતો. આ અભિયાન ત્રણ મુખ્ય ઘટકો પર આધારિત છે. પહેલુ ઘટક છે – સુરક્ષિત અને સ્થિર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ, બીજું છે – સરકારી સેવાઓને ડિજિટલ કરવી અને ત્રીજું છે – સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા. આ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે મોદી સરકારે ભારતનેટ, આધાર, UPI, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલોને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડીને એક સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો હાતો. 

    ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરતા સમયે દેશના નાગરિકોને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિજિટલ ઉપકરણો વિશેની માહિતી આપવી પણ ખૂબ જરૂરી હતી. મોદી સરકારે તમામ ક્ષેત્રોને ડિજિટલ કરવા માટેની યોજના બનાવી હતી અને અશક્ત લાગતી વસ્તુઓ શક્ય કરવાના પ્રયાસો આરંભી દીધા હતા. સૌથી પહેલાં તો શહેરો અને ગામડાના અંતરિયાળ વિસ્તાર સુધી પણ નેટ કનેક્ટિવિટી મળી રહે તે માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોવિડ મહામારી સમયે ડિજિટલ ક્રાંતિને એક તક તરીકે અપનાવીને આગળ વધવાના પ્રયાસો આરંભી દેવામાં આવ્યા હતા. 

    એક દાયકો અને અગણિત સિદ્ધિઓ

    એક દાયકામાં મોદી સરકારે ડિજિટલ ક્ષેત્રે જે ક્રાંતિકારી વલણ અપનાવ્યું છે તે આજે ફળીભૂત થતું જોઈ શકાય છે. મોટા-મોટા શહેરોથી લઈને સામાન્ય અને અંતરિયાળ ગામડાઓમાં ડિજિટલ ક્રાંતિ પહોંચી ગઈ છે. અંતરિયાળ વિસ્તારમાં નાના-નાના વેપારીઓ પણ ડિજિટલ પેમેન્ટથી લઈને અન્ય પણ ઘણા કાર્યો ટેકનોલોજીની મદદથી કરી શકે છે. મોદી સરકારના 11 વર્ષના શાસનમાં સૌથી મોટું પરિવર્તન ટેકનોલોજીના સુવર્ણયુગ તરીકે જોવામાં આવી રહ્યું છે. આપણે વિગતે સિદ્ધિઓ વિશેની માહિતી મેળવીશું. 

    42 લાખ KMથી વધુ ઓપ્ટિકલ ફાઇબર કેબલ: 

    ડિજિટલ ઇન્ડિયાની સૌથી મોટી સિદ્ધિ છે 42 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઇબર કેબલનું વિસ્તરણ. આ લંબાઈ એટલી વિશાળ છે કે તે પૃથ્વીથી ચંદ્ર સુધીની દૂરીના (અંદાજે 3.84 લાખ કિલોમીટર) 10 ગણાથી પણ વધુ છે. આ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કે ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોને હાઈસ્પીડ ઈન્ટરનેટ સાથે જોડ્યા છે. જેના કારણે ડિજિટલ વિભાજનને ઘટાડવામાં પણ ખૂબ મદદ મળી છે. 

    ભારતનેટ પ્રોજેક્ટ અને મોટું પરિવર્તન 

    ભારતનેટ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયાનું મુખ્ય ઘટક છે. તેનો હેતુ 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ 6.92 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઇબરની જાળ પાથરવામાં આવી છે. તે સિવાય 12 લાખથી વધુ ઘરો ફાઇબર-ટૂ-હોમ કનેક્શનથી જોડાયા છે અને 2.18 લાખથી વધુ ગ્રામ પંચાયતો બ્રોડબેન્ડ સેવા માટે તૈયાર થઈ ચૂકી છે. 

    તેના કારણે ગામડાઓમાં ઈ-ગવર્નન્સ, ઈ-શિક્ષણ, ઈ-હેલ્થ અને ઈ-કોમર્સ જેવી સેવાઓ સુલભ બની છે. ઉદાહરણ તરીકે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો હવે ઓનલાઈન બજારો દ્વારા પોતાનું ઉત્પાદન વેચી શકે છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકે છે.

    ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વધારો

    2014માં ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 25 કરોડ જેટલી હતી, માત્ર દશ વર્ષમાં જ તે સંખ્યા વધીને 97 કરોડ થઈ ચૂકી છે અને સૌથી મહત્વનું તો તે છે કે, આમાં ગ્રામીણ કનેક્શનોની સંખ્યા 52 કરોડથી વધુ છે. તેનું મુખ્ય કારણ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું વિસ્તરણ અને 4G તથા 5G ટેકનોલોજીનો ઝડપી અમલ છે. તે સિવાય ડિઝિટલ ઇન્ડિયા અભિયાને ભારતના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. 

    ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓ: 

    આધાર- ભારતની વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક આઈડી સિસ્ટમ આધાર, 130 કરોડથી વધુ નાગરિકોને ડિજિટલ ઓળખ પૂરી પાડે છે. આનાથી સરકારી યોજનાઓની ડિલિવરીમાં પારદર્શિતા આવી છે.

    યુપીઆઈ (UPI)- યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસે ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવી છે. 2025 સુધીમાં UPI દ્વારા દર મહિને ₹24 લાખ કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થાય છે.

    ડિજિલોકર- આ ઓનલાઈન પ્લેટફોર્મ નાગરિકોને તેમના દસ્તાવેજો (જેમ કે ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર, પાન કાર્ડ) ડિજિટલ રીતે સ્ટોર કરવાની સુવિધા આપે છે.

    ઈ-ગવર્નન્સ પોર્ટલ્સ- સરકારી સેવાઓ જેમ કે પાસપોર્ટ અરજી, ટેક્સ ફાઈલિંગ અને રેશન કાર્ડની અરજી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે.

    ગ્રામીણ ડિજિટલ સશક્તિકરણ:

    ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનું વિસ્તરણ ડિજિટલ ઇન્ડિયાની સૌથી મોટી સફળતાઓમાંની એક છે. ડિજિટલ રિસોર્સ સેન્ટર્સ અને કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) દ્વારા ગ્રામીણ નાગરિકોને ઈન્ટરનેટ, શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે, રાજસ્થાનના સિરોહી જેવા ગામડાઓમાં ડિજિટલ રિસોર્સ સેન્ટર્સે યુવાનોને ઓનલાઈન શિક્ષણ અને રોજગારની તકો પૂરી પાડી છે.

    ઈન્ટરનેટ સ્પીડ અને 5G ટેકનોલોજી:


    2014માં ભારતમાં સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 1.3 Mbps હતી, જે 2024 સુધીમાં વધીને 75 Mbps થઈ ગઈ છે. 5G નેટવર્કના રોલઆઉટથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્પીડ કનેક્ટિવિટી વધુ સુલભ બની છે. તેનાથી ટેલિમેડિસિન, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ બિઝનેસમાં નવી તકો ખુલી છે.

    સ્ટાર્ટઅપ્સ અને નવીનતા: 

    ડિજિટલ ઇન્ડિયાએ ભારતને સ્ટાર્ટઅ હબ તરીકે સ્થાપિત કર્યું છે. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવે છે, જેમાં દર અઠવાડિયે નવા યુનિકોર્ન (1 બિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ) ઉભરી રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓએ યુવા ઉદ્યોગસાહસિકોને નવીનતા માટે પ્રોત્સાહન આપ્યું છે અને ડિજિટલ ક્રાંતિએ યુવાનોને સરળતાથી આગળ વધવા માટેની એક તક આપી છે.

    ડિજિટલ ઇન્ડિયાના પરિણામો: 

    ડિજિટલ ઇન્ડિયા અભિયાને ભારતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્યને બદલી નાખ્યું છે. હવે સામાન્યમાં સામાન્ય માણસ પણ ડિજિટલ ક્રાંતિની અસરમાં આવી ગયો છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યો છે. ન માત્ર શિક્ષણ અને અન્ય ઓનલાઈન ક્ષેત્રો, પણ ગ્રામીણ ક્ષેત્રોમાં અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રોમાં પણ ડિજિટલ ક્રાંતિ પહોંચી ચૂકી છે. 

    આર્થિક વિકાસ- ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ઈ-કોમર્સ, ફિનટેક અને આઈટી સેવાઓના વિકાસને વેગ આપ્યો છે. UPI જેવી સિસ્ટમે નાના વેપારીઓ અને ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સશક્ત બનાવ્યા છે.

    સામાજિક સશક્તિકરણ- ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન તકો દ્વારા આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં આવ્યા છે.

    કોવિડ-19 દરમિયાન સ્થિતિસ્થાપકતા- મહામારી દરમિયાન ડિજિટલ ઇન્ડિયાએ ઓનલાઈન શિક્ષણ, ટેલિમેડિસિન અને ડિજિટલ પેમેન્ટ દ્વારા દેશની સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. આ સમયગાળા દરમિયાન આખી દુનિયામાં આર્થિક સંકટ ઊભું થયું હતું પણ ભારત પોતાની રીતે સશક્ત અને આત્મનિર્ભર રહ્યું હતું. 

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)- AI-આધારિત સેવાઓ દ્વારા શાસન, હેલ્થકેર અને શિક્ષણમાં વધુ નવીનતા લાવવામાં આવી રહી છે અને તેનું સારું પરિણામ પણ સામે આવી રહ્યું છે.

    5G અને IoT-  5G નેટવર્કનું વિસ્તરણ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો (IoT) ઉપયોગ સ્માર્ટ સિટીઝ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા માટે થઈ રહ્યો છે.

    ડિજિટલ સાક્ષરતા- ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે લોકો ડિજિટલ ક્રાંતિમાં આગળ પણ વધી રહ્યા છે.

    સાયબર સુરક્ષા- ડિજિટલ વિસ્તરણ સાથે ડેટા સુરક્ષા અને સાઈબર સુરક્ષા પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ડિજિટલ ક્રાંતિ દ્વારા ભારતના સાયબર યોદ્ધાઓએ પાકિસ્તાનના એક લાખથી વધુ સાયબર અટેકને નિષ્ફળ બનાવી નાખ્યા હતા. 

    ડિજિટલ ઇન્ડિયા અભિયાને ભારતને એક ડિજિટલ વિભાજિત રાષ્ટ્રથી વિશ્વની ડિજિટલ રાજધાની તરફ લઈ જવાનું કામ કર્યું છે. 42 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક, ગ્રામીણ કનેક્ટિવિટી અને ઈ-ગવર્નન્સની સફળતાએ દેશના દરેક ખૂણે ડિજિટલ ક્રાંતિનો પાયો નાખ્યો છે. આગામી દાયકામાં ડિજિટલ ઇન્ડિયા ભારતને વૈશ્વિક ડિજિટલ નેતૃત્વ તરફ લઈ જશે, જેનાથી દરેક નાગરિકને સમાન તકો અને સશક્તિકરણનો લાભ મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં