તાજેતરમાં ભારતના એથ્લીટ અને રમતવીરો વિશ્વની અનેક રમત-ગમત સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આ સિવાય ભારત 2030માં કૉમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક્સનું આયોજન પણ કરવાનું છે. આ આયોજન ગુજરાતના અમદાવાદમાં થવાનું છે. ત્યારે એ નોંધવું રહ્યું કે રમત-ગમતમાં હવે ગુજરાતનો ફાળો પણ વધી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલ ડેટા અનુસાર રાજ્યના યુવાનો વિવિધ રમતોમાં હોંશભેર ભાગ લેતા હોય છે અને સિદ્ધિઓ પણ મેળવતા હોય છે.
તાજેતરમાં જ હર્ષ સંઘવીએ ઈકોનોમિક ફોરમ 2026માં ભાગ લીધા બાદ ઝી બિઝનેસને એક ઈન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અમે ઘણી મોટી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ગુજરાતમાં લાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે કૉમનવેલ્થ પહેલાં ગુજરાતમાં પોલીસ ફાયર એન્ડ સેફ્ટી ગેમ્સનું પણ આયોજન થવાનું છે. નોંધનીય છે કે 25 જૂન, 2025ના રોજ અલાબામા (બર્મિંગહામ) ખાતે કેલિફોર્નિયા પોલીસ એથ્લીટ ફેડરેશન (CPAF) સમક્ષ અંતિમ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
ગુજરાત તરફથી આ બિડ માટે 15 મહિનાની ટેક્નિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ અંતિમ પ્રેઝેન્ટેશન બાદ ‘CPAF’એ મંજૂરી આપી હતી. ‘CPAF’એ ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’નું ગવર્નિંગ બોડી છે. અર્થાત ઓલિમ્પિક્સ પહેલાં 2029માં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા) ખાતે ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ અંતર્ગત રમતગમત સ્પર્ધાઓ યોજાશે. આ ગેમ્સમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આમાં પોલીસ, ફાયર, કસ્ટમ્સ સહીતની અન્ય સર્વિસીસના ખેલાડીઓ પણ સામેલ રહેશે.
Proud Moment for Gujarat!
— Harsh Sanghavi (@sanghaviharsh) June 26, 2025
We're thrilled to announce that India has won the bid to host the 2029 World Police & Fire Games in Ahmedabad, Gandhinagar, and Ekta Nagar!
A huge thank you to Hon'ble PM Shri @narendramodi ji and Hon'ble Union Home Minister Shri @AmitShah ji for…
ત્યારબાદ હર્ષ સંઘવીએ PM મોદી તરફ સંકેત કરતા કહ્યું હતું કે પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 12,000 ખેલાડીઓ ભાગ લેશે, કૉમનવેલ્થ આવી રહી છે, ઓલિમ્પિક્સનું આયોજન થાવનું છે, આ બધું ત્યારે જ થઈ શકે છે જ્યારે વર્ષો પહેલાં કોઈએ આ વિઝનનો પાયો નાખ્યો હોય, તે સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય, એ દિશામાં લેગસી પ્લાનિંગ કર્યું હોય.
નોંધનીય છે કે અમદાવાદને 2030ની સેન્ટનરી કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન મળી ગયું છે. નવેમ્બર 2025માં તે ઔપચારિક રીતે કન્ફર્મ થયું હતું. જેમાં અમદાવાદને મુખ્ય હોસ્ટ સિટી તરીકે પસંદ કરવામાં આવ્યું છે અને આને ભારતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે. આને 2036 ઓલિમ્પિક્સ માટેના સ્ટેપિંગ સ્ટોન તરીકે જોવામાં આવે છે.
આ ઉપરાંત ભારત 2036 સમર ઓલિમ્પિક્સ માટે બિડ કરી રહ્યું છે અને અમદાવાદને મુખ્ય બિડ સિટી તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. જોકે હજુ ફાઇનલ નથી થયું, IOCની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સ્પોર્ટ્સ એન્ક્લેવ વગેરેના વિકાસને તેની તૈયારી તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદમાં સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે.
खेल के मैदान से वैश्विक मंच तक: गुजरात की खेल क्रांति की एक झलक!#GujaratAtDavos #WEF2026 #GujaratGoesGlobal pic.twitter.com/DMzd1cdlDT
— Harsh Sanghavi (@sanghaviharsh) January 23, 2026
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે નેશનલ ગેમ્સ યોજાવાની બંધ થઈ ગઈ હતી, પણ વર્ષો પછી ગુજરાતને તેના આયોજનનો અવસર મળ્યો અને માત્ર 100 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ જ રીતે અમે ઘણી ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ગુજરાતમાં લાવી રહ્યા છીએ અને તેમાં સફળતા પણ મળી રહી છે. સંઘવીએ આગળ કહ્યું કે આ દિશામાં અમારું વિઝન માત્ર ગેમ્સનું આયોજન કરવા પૂરતું સીમિત નથી, અમારું વિઝન છે અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે રમત-ગમત એ એક કલ્ચર બને.
તેમણે કહ્યું કે, “PM મોદીએ તેમના સમયમાં એક સારો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના યુવા ખેલાડીઓ જ્યારે અલગ-અલગ ટૂર્નામેન્ટ અને નેશનલ ગેમ્સમાં જતા હતા, ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓને ખમણ-ઢોકળા અને ફાફડા-જલેબી કહીને ચીડવવામાં આવતા હતા. હવે તમે જોવો કેટલું મોટું પરિવર્તન આવ્યું છે, PM મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી.”
વધુમાં સંઘવીએ કહ્યું કે, “ખેલ મહાકુંભમાં ગુજરાતના દરેક ગામથી લઈને તાલુકા અને જિલ્લા સ્તર સુધી અને રાજ્ય સ્તરે તેની રમતો યોજાય છે. ખેલ મહાકુંભમાં આ વર્ષે 7.3 મિલિયન લોકોએ ભાગ લીધો એટલે કે 73 લાખ લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે ખૂબ મોટી સફળતા છે અને તેના કારણે જ જે જમીની એક્ટિવેશનનું કામ છે એમાં પણ મોટી સફળતા મળી છે.” ઉલ્લેખનીય છે કે આ પ્રોગ્રામ 2010માં શરૂ થયો ત્યારે માત્ર 13 લાખ ખેલાડીઓની ભાગીદારી હતી.
તેમણે કહ્યું કે આને જ આગળ વધારીને અમે ટેલેન્ટ હન્ટ કરીએ છીએ અને એ જ ખેલાડીઓને ટેલેન્ટ હન્ટના માધ્યમથી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં મોકલીએ છીએ અને એમાં જે સારું પરફોર્મન્સ કરે છે તેને અમે હાઈ પરફોર્મન્સ સેન્ટર સુધી લઇ જઈએ છીએ. તેમણે કહ્યું કે આ જ રીતે સરકાર પ્રયાસ કરી રહી છે કે સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે વિકસાવી શકાય.


