નવા વર્ષની શરૂઆત એક મોટા આંદોલનથી થઇ છે. દેશનાં અનેક શહેરોમાં જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે જૈનોએ દિલ્હી સ્થિત ઇન્ડિયા ગેટ નજીક વિશાળ વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું હતું. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં જૈન સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન ઝારખંડ સ્થિત જૈનોના પવિત્ર સમ્મેદ શિખરજી તીર્થધામને લઈને થઇ રહ્યાં છે.
ઝારખંડની કોંગ્રેસ સરકારે રાજ્યના ગિરિડીહ જિલ્લામાં આવેલા જૈન સમુદાયના પવિત્ર સ્થળ ‘શ્રી સમ્મેદ શિખરજી’ને પર્યટન સ્થળ ઘોષિત કર્યું છે. જે નિર્ણયનો જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. જૈન સમુદાય અનુસાર, આ નિર્ણયથી સ્થળની પવિત્રતાને આંચ આવશે અને જેના કારણે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચે. જેથી નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે પ્રદર્શનો થઇ રહ્યાં છે.
Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare ‘sacred’ Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII
— ANI (@ANI) January 1, 2023
છેલ્લા થોડા દિવસોથી દેશના વિવિધ શહેરોમાં આ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યાં હતાં. ત્યારબાદ આજે રાજધાની દિલ્હીમાં વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ઝારખંડ સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળ્યું હતું અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જૈન ધર્મનું અત્યંત પવિત્ર તીર્થસ્થળ- સમ્મેદ શિખરજી
શ્રી સમ્મેદ શિખરજી જૈન ધર્મનું સર્વોચ્છ તીર્થસ્થળ છે. જેની સાથે કરોડો જૈનોની આસ્થા જોડાયેલી છે. આ સ્થળ ઝારખંડના ગિરિડીહના મધુબન વિસ્તારમાં સ્થિત છે. જૈન ધર્મની માન્યતા અનુસાર, અહીં 24માંથી 20 તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. 23મા તીર્થંકર ભગવાન પાશ્વનાથે પણ અહીં જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે. આ સમગ્ર તીર્થધામ 27 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
જૈન ધર્મશાસ્ત્રોની માન્યતાઓ અનુસાર, એક વખત અહીંની તીર્થયાત્રા કરવાથી મનુષ્ય મૃત્યુ બાદ પશુયોનિ કે નર્કને પ્રાપ્ત થતો નથી. ત્યાં એમ પણ લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અહીં આવીને પૂરેપૂરા મનોભાવથી ભક્તિ કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દર વર્ષે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે, 27 કિલોમીટરમાં ફેલાયેલાં મંદિરોમાં ફરીને દર્શન કરે છે. ત્યારબાદ જ તેઓ અન્ન ગ્રહણ કરે છે. અહીંની માન્યતા એવી પણ છે કે જેવી રીતે ગંગામાં ડૂબકી લગાવવાથી તમામ પાપો નષ્ટ થઇ જાય છે તે જ રીતે અહીં પ્રાર્થના-દર્શન કરવાથી પણ તમામ પાપ નાશ પામે છે.
શા માટે થઇ રહ્યો છે વિરોધ?
જૈન સમુદાય માટે અત્યંત પવિત્ર આ સ્થળને ઝારખંડ સરકારે ‘પર્યટન સ્થળ’ ઘોષિત કર્યા બાદ અહીં લોકો મોજમજા માટે આવીને સ્થળની પવિત્રતાનો ભંગ કરશે તેવી જૈન સમુદાયને ભીતિ છે.
જૈન સમાજનું કહેવું છે કે પર્યટન સ્થળ ઘોષિત કર્યા બાદ અહીં લોકો આધ્યાત્મિક કારણોસર નહીં પરંતુ મોજમજા કરવા માટે આવી રહ્યા છે અને લોકો માંસ-મદિરાનું પણ સેવન કરે છે તો કેટલાક લોકો પગરખાં સાથે મંદિરમાં પહોંચી જાય છે. જેના કારણે સ્થળની પવિત્રતા ભંગ થશે અને જૈન સમુદાયના લોકોની આસ્થાને ઠેસ પહોંચશે.
આ સ્થળને વર્ષ 2019માં કેન્દ્ર સરકારે ઇકો સેન્સેટિવ ઝૉન જાહેર કર્યું હતું. પરંતુ હવે જિલ્લા તંત્રની ભલામણ પર ઝારખંડ રાજ્ય સરકારે તીર્થધામને ‘પર્યટન સ્થળ’ ઘોષિત કરવામાં આવતાં વિરોધ થઇ રહ્યો છે.
વિશ્વ હિંદુ પરિષદનું પણ સમર્થન મળ્યું
જૈન સમુદાયના આ વિરોધ પ્રદર્શનને હિંદુ સંગઠનોનું પણ સમર્થન મળ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે, સમ્મેદ શિખરજીની પવિત્રતાની રક્ષા માટે જૈન સમાજની ચિંતાથી વિહિપ સહમત છે અને સંગઠન સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ તીર્થસ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવવું ન જોઈએ.
વીએચપીએ એવી પણ માંગ કરી કે, સંપૂર્ણ ક્ષેત્રને ‘પવિત્ર ક્ષેત્ર’ ઘોષિત કરવામાં આવે અને ત્યાં એવી કોઈ પણ ગતિવિધિ ન થાય જેનાથી જૈન સમાજની આસ્થાને ઠેસ પહોંચે. તેમજ તીર્થ ક્ષેત્રની સરહદમાં માંસાહાર અને નશાખોરીને પરવાનગી ન આપવા માટેની પણ માંગ કરવામાં આવી છે.