વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે. તેઓ આ દરમિયાન બંને દેશોના સંબંધો મજબૂત કરવાના ઉદ્દેશથી ઘણાં મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને દરેક ક્ષેત્રની હસ્તીઓને મળવાના છે. આના ભાગરૂપે તેમણે જાણીતી કંપની ટેસ્લા અને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. ઈલોન મસ્કે પીએમ મોદીની પ્રશંસા કરતાં એવું જણાવ્યું હતું કે, તેઓ પીએમ મોદીના ફેન છે.
‘પીએમ મોદી ભારત માટે હંમેશા યોગ્ય નિર્ણયો લે છે’
ન્યુયોર્કમાં પીએમ મોદી સાથે બેઠક બાદ ઈલોન મસ્કે મીડિયા સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે, “પીએમ મોદી સાથેની મીટિંગ અદ્બુત રહી. પીએમ મોદી ખરેખર ભારતની બહુ ચિંતા કરે છે અને તેઓ હંમેશા ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માગે છે.” ઈલોન મસ્કે એવું પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ટેસ્લાને ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે. રોઈટર્સના અહેવાલ મુજબ, મસ્કે પીએમ મોદીને ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનનો પાયો નાખવા અંગે પણ વાતચીત કરી હતી.
#WATCH | Twitter and SpaceX CEO Elon Musk after meeting PM Modi in New York, says "I am planning to visit India next year. I am confident that Tesla will be in India and we will do so as soon as humanly possible. I would like to thank PM Modi for his support and hopefully, we… pic.twitter.com/JhuPXsSPD1
— ANI (@ANI) June 21, 2023
ટેસ્લા સીઈઓએ કહ્યું- ‘હું પીએમ મોદીનો ચાહક છું’
અબજોપતિ ઈલોન મસ્કે પીએમ મોદીની દૂરંદેશીના વખાણ કરતાં કહ્યું કે, “પીએમ મોદી નવી કંપનીઓનું સ્વાગત કરવા માગે છે અને તેમને સમર્થન પૂરું પાડવા માગે છે. તેઓ હંમેશા ભારતને ફાયદો થાય એની ખાતરી કરવા માગે છે. હું તેમનો ચાહક છું. તેમની સાથેની મીટિંગ અદ્ભુત રહી અને હું તેમને બહુ પસંદ કરું છું.” ઈલોન મસ્કના જણાવ્યા અનુસાર તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે.
ઈલોન મસ્કે કહ્યું કે, “ભારતમાં સ્થાયી ઊર્જાના ભવિષ્ય માટે તમામ ત્રણ સ્તંભો માટેની ક્ષમતા છે. ત્રણ સ્તંભ મુખ્યત્વે સૌર અને પવનના માધ્યમથી સ્થાયી ઊર્જા ઉત્પાદન કરે છે. દેખીતી રીતે ભારત સોલાર માટે શ્રેષ્ઠ છે. અમે ભારતમાં સ્ટારલિંક લાવવાની પણ શક્યતાઓ જોઈ રહ્યા છીએ. આનાથી ભારતના ગ્રામીણ ક્ષેત્રોને અવિશ્વસનીય મદદ મળશે, જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી.”
Great meeting you today @elonmusk! We had multifaceted conversations on issues ranging from energy to spirituality. https://t.co/r0mzwNbTyN pic.twitter.com/IVwOy5SlMV
— Narendra Modi (@narendramodi) June 21, 2023
ઈલોન મસ્કે કહ્યું કે કોઇપણ મોટા દેશની સરખામણીમાં ભારત પાસે વધારે સંભાવનાઓ રહેલી છે. ટેસ્લા સીઈઓએ આ દરમિયાન પીએમ મોદી સાથે 2015ની મુલાકાતને પણ યાદ કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થશે પીએમ મોદી
આજે (21 જૂન, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થવાના છે. તો સાંજે તેઓ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ જો બાયડનના મહેમાન બનશે. 22 જૂનના વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદી અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે અને સાંજે સ્ટેટ ડિનરના ભવ્ય આયોજનમાં પણ સામેલ થવાના છે.