ભારતના ‘ચંદ્રયાન 3’ (Chandrayaan 3) એ ચંદ્રમાની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધું છે તે મહત્વપૂર્ણ બાબત તો છે જ, પણ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ બાબત તે છે કે આ લેન્ડિંગ ચંદ્રનાના દક્ષિણ ધ્રુવ (South Pole) પર થયું છે. કારણ કે આજદિન સુધી વિશ્વનો એક પણ દેશ આમ કરવામાં સફળ થયો નથી. આ પ્રથમ વાર છે જયારે ભારતે, ISROએ આ ઉપલબ્ધિ મેળવી છે. હવે તેને લઈને આપના મનમાં તેવા પ્રશ્નો ચોક્કસથી આવતા હશે કે આખરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરવું આટલું કપરું કેમ હશે? ચાલો જાણીએ શા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.
ચંદ્રની સપાટીના મોટાભાગના ભાગોમાં સૂર્યનો પ્રકાશ નિયમિત આવે-જાય છે અને અંધકાર પણ તે પ્રમાણે આવે છે અને જાય છે. પરંતુ, જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવની વાત આવે ત્યારે સૂર્યપ્રકાશ અહીં એક અલગ જ એન્ગલથી પહોંચે છે. આનાથી ચંદ્ર પર રહેલા ખાડાઓનો લાંબો પડછાયો સર્જાય છે, જેને આપણે Lunar Craters તરીકે ઓળખીએ છીએ. આમાંથી કેટલાક ખાડા એવા છે કે જે હંમેશા અંધારામાં રહે છે. કારણ કે તેમની અંદર સૂર્યપ્રકાશ પહોંચી જ નથી શકતો.
સૂર્યનો પ્રકાશ ખાડાઓના તળ સુધી નથી પહોંચતો અને તેના કારણે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પરના આ મોટા ખાડાઓ હંમેશા અંધારામાં રહે છે. તેવું પણ જાણવા મળ્યું છે કે તેની અંદર લાખો વર્ષોથી કેદ થીજી ગયેલા બરફના મોટા ટુકડાઓ પણ હોઇ શકે છે. ‘ચંદ્રયાન 1’ અને ‘ચંદ્રયાન 2’ દ્વારા જાણવા મળ્યું હતું કે ચંદ્રની સપાટી પર હાઈડ્રોક્સીલ (OH) હાજર છે. સાથે જ ત્યાં પાણીના નિશાન પણ મળી આવ્યાં હતાં. બ્રહ્માંડમાં પાણી શોધવું એ સોનું શોધવા કરતાં વધુ કિંમતી માનવામાં આવે છે. બ્રહ્માંડના દરેક સંશોધનનોમાં આ વિષય ચોક્કસપણે હોય જ છે.
HISTORY HAS BEEN MADE#Chandrayaan3's successful landing means that India is now the 4th country to soft-land a spacecraft on the Moon, and we are now the ONLY country to land successfully near the south pole of the Moon! 🇮🇳🌖 #ISRO pic.twitter.com/1D8Bdo4r8F
— ISRO Spaceflight (@ISROSpaceflight) August 23, 2023
સરળ શબ્દોમાં કહીએ તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ ખૂબ જ કપરું છે. સોફ્ટ લેન્ડિંગ એટલે સ્પીડને કંટ્રોલમાં રાખીને ખૂબ જ ધીમી ગતિએ લેન્ડિંગ કરવું, જેથી સ્પેસક્રાફ્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આખા ચંદ્ર પર તેને સફળ બનાવવું મુશ્કેલ છે. નાસાના એપોલો અને સોવિયત રશિયાના ‘સર્વેયર’ ચંદ્રના વિષુવવૃત્ત નજીક ઉતર્યા હતા, કારણ કે ત્યાંની સપાટી સામાન્ય રીતે સપાટ છે. જ્યારે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ખૂબ ઉબડ-ખાબડ છે અને તેથી જ ત્યાં ઉતરવું અઘરું છે.
ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ખૂબ જ કપરો છે, ઉબડખાબડ છે, ત્યાં મોટા-મોટા ખાડાઓ છે, ત્યાંની જમીનમાં ઘણી જગ્યાએ ઊંડી ખીણ પણ છે, ત્યાં યોગ્ય રીતે સૂર્યપ્રકાશ પણ નથી આવતો. સાથે જ ત્યાંનું તાપમાન પણ -230 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. રશિયાનું ‘લૂના-25’ પણ અહીં ઉતરવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે તમારા મનમાં તેવો પ્રશ્ન પણ આવશે કે ચંદ્રના સરળ ભાગ પર ઉતારીને, ત્યાંથી રોવરને દક્ષિણ ધ્રુવ પર ન મોકલી શકાય? ના. વર્તમાન સમયમાં આ શક્ય નથી, કારણ કે રોવરમાં તેટલી બધી સેલ્ફલાઇફ નથી હોતી.
બીજું કારણ – ચંદ્રની સપાટી પણ એવી છે કે તેના પર સરખી રીતે ચાલી પણ ન શકાય. તેવી સપાટી પર વાહન ચલાવવું ખૂબ કપરું છે, તેથી ત્યાં રોવર કેવી રીતે ચાલી શકે તે સમજવું પણ જરૂરી છે. બીજું એક કારણ એ પણ છે કે બે ધ્રુવો વચ્ચેનું અંતર પણ ઘણું વધારે છે. શું પ્રાચીન સમયમાં લાખો વર્ષ પહેલાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના સમુદ્રો કયા હતા? અથવા તો ત્યાં એક સમયે જ્વાળામુખી હતા ખરા? ‘ચંદ્રયાન’ દ્વારા ત્યાં બરફના અણુઓ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે ‘ચંદ્રયાન 3’ ઘણી વધુ મોટી શોધો કરી શકે છે, જે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડશે.