Tuesday, September 10, 2024
More
    હોમપેજગુજરાત‘5-10 સેકન્ડની ક્લિપ ભ્રમિત કરવા બનાવાઇ, રાજકીય રોટલા શેકવા જાતિવાદી નેતાઓનું કાવતરું’:...

    ‘5-10 સેકન્ડની ક્લિપ ભ્રમિત કરવા બનાવાઇ, રાજકીય રોટલા શેકવા જાતિવાદી નેતાઓનું કાવતરું’: વિવાદને લઈને બોલ્યાં કાજલ હિંદુસ્તાની, કહ્યું- હું ધર્મ માટે લડતી રહીશ

    કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, "એડિટ કરીને નાની શોર્ટ ક્લિપ ચલાવવામાં આવી રહી છે. તે પણ ઈરાદાપૂર્વક 11 મહિના પછી, જ્યારે ચૂંટણી આવી છે અને આ પણ કોંગ્રેસી નેતાઓ કરે છે. કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે, રામના નામે હિંદુ સમાજ એક થઈ ગયો છે."

    - Advertisement -

    ‘લવ જેહાદ’ વિષય પર એક સભામાં કરેલા ભાષણમાંથી અમુક સેકન્ડોની ક્લિપ ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી વિવાદ સર્જવા મામલે હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વિડીયો બાઈટ મારફતે કહ્યું કે રાજનીતિક લાભો મેળવવા માટે અમુક જાતિવાદી તત્વો દ્વારા આમ કરવામાં આવી રહ્યું છે. સાથે સમર્થનમાં આવનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે તેઓ ધર્મ માટે સતત કામ કરતાં રહેશે.

    બુધવારે (20 માર્ચ) કાજલ હિંદુસ્તાનીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે તેમણે લખ્યું કે, ‘શક્તિને બદનામ કરનારા સનાતન ધર્મના અંતનું સ્વપ્ન જોનાર કોંગ્રેસના રામદ્રોહી, સનાતનવિરોધી, તકવાદી અને જાતિવાદી ઠગ નેતાઓએ મારી પર લગાવેલા ખોટા આરોપોનું ખંડન કરું છું.’

    વિડીયોમાં તેમણે કહ્યું કે, તેઓ વિવાદથી ન તો ડર્યાં છે કે ન પીછેહઠ કરી છે અને પોતાનામાં એટલી શક્તિ છે કે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. આગળ કહ્યું કે, “આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા પર ખૂબ હુમલા કર્યા. પરંતુ શ્રીકૃષ્ણ જેવા મારા પાટીદાર સમાજના અને હિંદુ સમાજના ભાઈઓ મારા રક્ષણ માટે આવી ચડ્યા હતા.” આ સાથે તેમણે સમર્થન કરનાર હિંદુઓનો આભાર પણ વ્યક્ત કર્યો.

    - Advertisement -

    વાયરલ વિડીયો વિશે બોલ્યાં કાજલ હિન્દુસ્તાની

    કાજલ હિન્દુસ્તાનીએ વાયરલ થઈ રહેલા વિડીયો વિશે પણ કહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “આજથી 11 મહિના પહેલાં મારી એક સભા હતી. જે પાટીદાર સ્નેહમિલન સમારોહ હતો. મંચ પર મને પાટીદાર સમાજ તરફથી આમંત્રિત કરવામાં આવી હતી. ઓડિયન્સ પણ 100% પાટીદાર સમાજની હતી. સભામાં મને જે વિષય આપ્યો હતો તે લવ જેહાદનો વિષય હતો. જે-તે સમયે જે ઘટનાક્રમ થયા હતા. જે મેં સમાજમાં સામે મૂક્યા હતા. તેમ બધા જ સમાજ આવી ગયા છે. આ 5-7 સેકન્ડની ક્લિપ ભ્રમિત કરવા માટે જ બનાવવામાં આવી છે. જેમાં એવું લાગે છે કે, હું કોઇ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરું છું.”

    તેમણે ઉમેર્યું કે, “પરંતુ તમે 50 મિનિટનો આખો વિડીયો સાંભળો, તો જોશો કે, તેમાં મેં દરેક સમાજના દાખલા મૂક્યા છે. સમાજમાં શું બની રહ્યું છે, તે કહેવા માટે મારે ઉદાહરણો મૂકવાં પડે. મારે એ કહેવું પડે કે, જુઓ આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે. હવે તેને એડિટ કરીને નાની શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે, તે પણ ઈરાદાપૂર્વક 11 મહિના પછી, જ્યારે ચૂંટણી આવી છે અને આ પણ કોંગ્રેસી નેતાઓ કરે છે….. કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે, રામના નામે હિંદુ સમાજ એક થઈ ગયો છે. તે પોતાના જાતિવાદી રાજકીય રોટલા શેકવા માટે આ કરે છે.”

    ‘સત્યની સાથે હંમેશા ભગવાન હોય’

    તેમણે કહ્યું, “જે સત્ય હોય તેની સાથે હંમેશા ભગવાન હોય જ છે. જો ભગવાન ના આવી શકે તો તેઓ નિમિત્ત બનાવીને મોકલે છે. જે નિમિત્ત મારા હિંદુ ભાઈઓ-બહેનો કાલથી અત્યાર સુધી મારા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે મારી પહેલો પ્રશ્ન એ છે કે, હું સાચે કોઈ સમાજ વિરોધી લાગુ છું? હું કોઈ સમાજની નેતા છું? શું કોઈ પોલિટિકલ પાર્ટીથી જોડાયેલી છું? શું મારા નામની પાછળ કોઈ જાતનો ટેગ લઈને ભડકાવવા નીકળી છું? મેં હંમેશા હિંદુ સમાજની વાત કરી છે. આપણાં હિંદુ છોકરાઓને બચાવવામાં મે ક્યારેય નાત-જાત કે તેનું સ્ટેટ્સ નથી પૂછ્યું. હું હિંદુ સમાજ સાથે છું અને હંમેશા ઊભી જ રહીશ.”

    આ ઉપરાંત તેમણે કેટલાક કોંગ્રેસી ઠગ નેતાઓને પણ પ્રશ્ન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને અમુક ઠગ નેતાઓ ધમકી આપે છે કે, તેમની આંગળી કાપી નાંખશે, તથા મારી નાંખશે. તેમને તેવા નેતાઓને પ્રશ્ન કર્યા છે કે, શું તેઓ (કોંગ્રેસી નેતાઓ) જેહાદીઓને આવી ધમકી આપી શકે છે? આ ઉપરાંત તેમને આક્ષેપો કર્યા કે, આ લોકો (કોંગ્રેસના નેતાઓ) જેહાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને સાથે બેસીને બિરિયાની ખાય છે. તેમના એજન્ડા વચ્ચે તેઓ આવીને ઊભાં છે એટલે ધમકીઓ મળી રહી છે.

    કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં કહ્યું કે, “તે લોકોએ તો હદ કરી નાખી છે. મારા મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યા છે. આવું કામ તો ક્યારેય જેહાદીઓ પણ ના કરે. શું આ સંસ્કાર છે આપણાં? આપણી જ દીકરીના નંબર વાયરલ કરવાના અને તેને જ મારી નાખવાની ધમકી આપવાના?”

    ‘મારુ મતસ્ક કોઈ સામે ઝૂકશે નહીં’

    સાથે તેમણે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ધર્મ માટે તમે સંઘર્ષ કરી રહ્યા હોય અને કોઈપણ સાથે ના હોય તો પણ માર્ગ બદલશો નહીં. તેમણે કહ્યું કે, “આ મસ્તક ચાર વ્યક્તિઓ સામે હંમેશા નમ્યું છે. એક ભગવા ધ્વજ, બીજા ભગવાન, ત્રીજા મારા માતા-પિતા અને ચોથા મારા ધર્મના ધર્મગુરુઓ અને હવે તેના પછી તો આ માથું મારા જીવતા કોઈની સામે ઝૂકશે જ નહીં. અમે હિંદુઓ માટે હંમેશા બલિદાન દેવા માટે તત્પર છીએ.”

    આ ઉપરાંત તેમણે વિડીયોના અંતમાં કહ્યું કે, “મારા પટેલ સમાજના લોકોને નમ્ર વિનંતી છે કે, આ જાતિવાદી ઠગ નેતાઓ નાતી-જાતિની રાજનીતિ કરીને આપણને અલગ કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે, તો મહેરબાની કરીને આવા લોકોના કાવતરાથી બચજો. બધાને સત્ય ખબર પડી જ ગયું છે. ધર્મ માટે કાલે પણ લડતી હતી, આજે પણ લડું છું અને આગળ પણ લડતી રહીશ. આ લોકો ભલે ગમે તેટલા પ્રયાસો કરે મારું મનોબળ તોડવા, પણ તે શક્ય નથી.

    શું હતી ઘટના?

    ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ કાજલ હિંદુસ્તાનીના નિવેદનની એક જૂની ક્લિપ સોશિયલ મીડિયામાં ફેરવીને તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પાટીદાર આગેવાનો એવો આરોપ લગાવ્યા હતા કે, કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજની દીકરીઓ વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે. જોકે, કાજલ હિન્દુસ્તાનીએ માત્ર ઉદાહરણ આપીને વાતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પટેલ સમાજના કેટલાક આગેવાનોએ તેમની વિરુદ્ધ મોરબીમાં ફરિયાદ નોંધાવી હતી.

    નોંધનીય છે કે વાસ્તવમાં જૂના વિડીયો કલીપમાં કાજલ હિંદુસ્તાનીનો ઈરાદો માત્ર ખોટા રસ્તા પર જઈ રહેલી હિંદુ દીકરીઓને જાગૃત કરવાનો હતો. જે તેમની વાત અને વિડીયો પરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ છતાં તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા અને મીડિયામાં ઘણું ચલાવવામાં આવ્યું. જોકે, પછીથી સોશિયલ મીડિયા પર અને ગ્રાઉન્ડ પર પણ ઘણાં હિંદુ સંગઠનો તેમના સમર્થનમાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં