ભાવનગરના મહુવામાં એક યુવકનું અપહરણ કરી ક્રુરતાપૂર્વક માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પીડિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. પીડિતનો આરોપ છે કે તેઓ મોટરસાઈકલ પર તેમના મિત્ર સાથે સરકારી આરામ ગૃહ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે યુસુફ નામના વ્યક્તિ સાથે તેમનો અકસ્માત થતાં-થતાં રહી ગયો હતો. આ દરમિયાન બોલાચાલી થતાં યુસુફના સહયોગીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા મેહુલ સોલંકીએ પોલીસમાં 7 જણના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 10 ઓગસ્ટ, 2023ની સાંજે જ્યારે તેઓ પોતાના એક મિત્ર સાથે સરકારી આરામગૃહ પાસે આવેલા રેહાન મોબાઈલ શોપ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે યુસુફ મોહમ્મદ વાકાત તેની એક્ટિવા લઇ અચાનક સામે આવી ગયો હતો અને અકસ્માત થતાં-થતાં રહી ગયો હતો. આ દરમિયાન યુસુફે પોતાનું સ્કુટર ઉભું રાખી પીડીતને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. પીડીતે યુસુફને ગાળો ન બોલવાનું કહેતાં તે વધુ ઉશ્કેરાયો અને તેમને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો.
આ દરમિયાન યુસુફના સહયોગીઓ અબ્દુલ અહેમદ, ઈબ્રાહીમ મોહમ્મદ અને હસન મોહમ્મદ ત્યાં આવી ચડતાં તેમણે પણ લાકડીઓ વડે પીડિત યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ફારુક અને ઈબ્રાહીમ લોડીયા પણ તેમને માર મારવામાં જોતરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ મેહુલનું અપહરણ કરીને તેને શહેરના અલગ-અલગ રસ્તાઓ પર લઇ જઈ માર માર્યો હતો. આ ટોળું આટલે ન અટકતાં તેઓ મેહુલને બુલેટ પર બેસાડી નૂતન નગર, આંબાવાડીના ઉમણીયાવદરના ગરનાળા, ત્યાંથી બાયપાસ રોડ અને ત્યાંથી ફરી તેને માર્કેટિંગ યાર્ડના રસ્તે થઇ હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટના ડેલા સામે લઇ જઈ ટોળામાં વચ્ચે રાખી ફરી ગડદા પાટુનો માર માર્યો હતો.
વધુ પડતા મારથી પીડિત યુવક બેભાન થઇ જતાં આરોપીઓએ તેને તે જ અવસ્થામાં બાઈક પર નાંખીને બાયપાસ રોડ પર આવેલા રેલ્વે ટ્રેક પર બેભાન હાલતમાં મૂકીને ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન પીડિત યુવકના પરિવારને તેના વિશે જાણ થતાં જ તેઓ રેલ્વે ટ્રેક પાસે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મેહુલને દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાંથી તેણે પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના મહુવામાં યુવકનું અપહરણ અને માર મારવાની ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ થતા મહુવા પોલીસે યુસુફ, અબ્દુલ, ઇબ્રાહિમ, હસન, ફારૂક, અબ્દુલ અને ફારૂક વિરુદ્ધ IPCની કલમ 365, 504, 323, 143, 147, 149 ઉપરાંત GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આ તમામ આરોપીઓને સાથે રાખી યુવકના અપહરણ બાદ જે જે જગ્યાઓ પર લઇ જઈ માર માર્યો તે જગ્યાઓ પર જઈને આખી ઘટનાનું રીકન્ટ્રકશન પણ કર્યું હતું. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.