અમદાવાદમાં બેફામ ગાડી હંકારીને 9 જણાનો જીવ લેનાર તથ્ય પટેલનો કેસ હજુ ચાલી જ રહ્યો છે, તેવામાં સુરતના રસ્તાઓ પર બે નબીરાઓએ જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોક્મમાં મૂકવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બેદરકારી ભરેલું ડ્રાઈવિંગ અને સ્ટન્ટ કરી રહેલા આ બંને યુવકો સગા ભાઈ છે, જેમાંથી એક બેફામ ગાડી ચલાવી રહ્યો હતો જ્યારે બીજો ચાલુ ગાડીએ બહાર નીકળીને સ્ટન્ટ કરી રહ્યો હતો. જોકે, આ વિડીયો વાયરલ થઈ જતાં પોલીસે સુરતના ડુમસ પિપલોદ રોડ પર ગાડીના સનરૂફમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરનાર અઝહર શેખ અને એઝાઝ શેખની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક ભરેલા એક રસ્તા પર એક મોંઘીદાટ ગાડી પૂરપાટ જઈ રહી છે. આ દરમિયાન ગાડીના સનરૂફમાંથી સફેદ કપડાં અને માથા પર ટોપી પહેરેલો એક યુવક બહાર આવે છે અને બેસી જાય છે, જ્યારે કારચાલક રાહદારીઓનો જીવ જોખમમાં મૂકાય તે પ્રકારે ગાડી ચલાવતો જોવા મળે છે.
ચાલુ કારમાં સનરૂફમાંથી બહાર નિકળી સ્ટંટ કરતા યુવકને સુરત પોલીસે ભણાવ્યો પાઠ #Surat #Gujarat #ViralVideo pic.twitter.com/tnl2MtrVRq
— Zee 24 Kalak (@Zee24Kalak) July 29, 2023
આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને ગાડીની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વિડીયો સુરતના ડુમસ પિપલોદ રોડનો છે અને આ ગાડીમાં અઝહર શેખ અને એઝાઝ શેખ નામના બે ભાઈઓ સવાર હતા. પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને સગા ભાઈઓને કસ્ટડીમાં લઈને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેમની ગાડી પણ ડિટેઇન કરી હતી.
સુરતઃ પીપલોદ રોડ પર લક્ઝરિયસ કારના રૂફ પર બેસી સ્ટન્ટ કરનારાઓ સામે પોલીસે કરી કાર્યવાહી pic.twitter.com/OamGrbxrc9
— Samna digital (@DigitalSamna) July 29, 2023
સુરતના ડુમસ પિપલોદ રોડ પર ગાડીના સનરૂફમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરનાર અઝહર શેખ અને એજાઝ શેખની ધરપકડ કર્યા બાદ પોલીસે બંને સગા ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ તેમની ગાડી જમા કરીને પોલીસ આ બન્ને સ્ટંટબાજોને લઈને તે સ્થળે પણ પહોંચી હતી જ્યાં તેમણે બેફામ રીતે ગાડી હંકારી સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન પોલીસે બંને પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. હાલ સોશિયલ મીડિયામાં આ સ્ટંટબાજો ઉપરાંત પોલીસ કાર્યવાહીના પણ વિડીયો વાઈરલ થઇ રહ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લીધા બાદ ગુજરાત પોલીસ સતત આ પ્રકારના કારસ્તાનો પર ચાંપતી નજર રાખી રહી છે અને કડક કાર્યવાહી કરી રહી છે.