ગુજરાતમાં ઠગોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં બીજો એક ઠગ સુરત ખાતેથી ઝડપાયો છે. આરોપી ઠગ મોહમ્મદ સમરેઝ નકલી IPS અધિકારી બનીને રસ્તાઓ પર વાહનોનું ચેકિંગ કરતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. IPSનો યુનિફોર્મ, વર્દી પર ત્રણ સ્ટાર અને સાથે પ્લાસ્ટિકનું વૉકીટોકી રાખીને પૈસા પડાવતા આ મોહમ્મદ સમરેઝને પોલીસની ટીમે ઝડપી પાડ્યો પાડ્યો હતો. આ ઘટના જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.
સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં થયેલા એક એક્સિડેન્ટના સિલસિલામાં ઉધના પોલીસની ટીમ ત્યાં ફૂટેજ ચેક કરવા માટે જઈ રહી હતી. જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી-કરતી ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પર પહોંચી તો ત્યાં ટીમે એક વ્યક્તિને પોલીસનો યુનિફોર્મ પહેરીને ઉભેલો જોયો હતો. IPS લગાવે તેવા ત્રણ સ્ટાર તેની વર્દી પર ચમકતા હતા, સાથે પ્લાસ્ટિકની વૉકીટોકી પણ રાખી હતી. પરંતુ આ વ્યક્તિ હાથમાં બેગ લઈને ઊભો હતો અને માથા પર ટોપી કોન્સ્ટેબલની પહેરી હતી. એટલું જ નહીં પણ તેણે દાઢી પણ વધારેલી હતી. જે બાદ પોલીસને આ મામલો થોડો શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસની ટીમ વધુ તપાસ માટે તે વ્યક્તિ પાસે પહોંચી હતી.
પોલીસે આઈકાર્ડ માંગતા ફૂટ્યો ભાંડો
આ પછી પોલીસે નકલી IPS ઓફિસર પાસે જઈને પૂછ્યું હતું કે તમે કઈ જગ્યા પર નોકરી કરો છો. પોલીસે આવું પૂછતાં આરોપી કઈ બોલી શક્યો નહોતો. જે બાદ પોલીસે તેની પાસેથી આઈકાર્ડની માંગણી કરી હતી. આઈકાર્ડ માંગવા પર નકલી IPSએ આધાર કાર્ડ આપ્યું હતું. જે બાદ મામલો સ્પષ્ટ થઈ ગયો હતો અને નકલી IPSનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ સુરત પોલીસે તેની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. દેસાઈએ તેની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તે મૂળ બિહારનો છે અને તેનું નામ મોહમ્મદ સમરેઝ છે. તે માત્ર 10 ધોરણ પાસ છે. તે બિહારથી સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં સિલાઈ મશીનનું કામ કરવા માટે આવ્યો હતો.
સાથે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, તેને પોલીસ બનવાનો શોખ હતો, તેથી તેણે યુનિફોર્મ સિવડાવીને સામાન્ય લોકોને ઠગવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે હજુ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી મોહમ્મદ સમરેઝ (અમુક રિપોર્ટ્સમાં તેનું નામ મોહમ્મદ શરમન તો અમુકમાં શર્માઝ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.) વિરુદ્ધ નકલી સરકારી કર્મચારી બનવા બદલ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.