ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહી છે. તે અંતર્ગત પોલીસ અને અન્ય એજન્સીઓએ મળીને ગુજરાતના દરિયા કિનારેથી રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપી પણ પાડ્યું છે. પોલીસનું આ અભિયાન અનેક શહેરોમાં પણ ચાલી રહ્યું છે. સરકારની સતર્કતા અને પોલીસની સખત કાર્યવાહી હોવા છતાં અનેક શહેરોમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થતો રહ્યો છે. જેમાં સૌથી પહેલું નામ સુરતનું આવે છે. સુરત પોલીસે અનેક ઓપરેશનો પાર પાડીને ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેવામાં હવે સારોલી પોલીસે ₹20 લાખના ડ્રગ્સના મામલે આરોપી રઈસ કાલિયા સિદ્દિકીને પણ ઝડપી પાડ્યો છે. તે સુરતમાં ડ્રગ્સનો ધંધો કરતો હતો.
સંદેશના અહેવાલ અનુસાર, સુરતમાં સારોલી પોલીસ સ્ટેશનની હદમાંથી ₹20 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. તે જ મામલે હવે MD ડ્રગ્સ મંગાવનાર પેડલરને શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે પકડેલા આરોપીની ઓળખ રઈસ કાલિયા સિદ્દીક ખાન તરીકે થઈ છે. તે સુરતમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હતો. સારોલી પોલીસે તેને સહારા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો. તે ડ્રગ્સ મંગાવીને સુરત શહેરમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધવું જોઈએ કે, તાજેતરમાં જ સારોલી પોલીસની હદમાંથી ₹20 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. જે મામલે સુરત પોલીસ તપાસ કરી રહી હતી અને આરોપીની શોધખોળ કરી રહી હતી. આ કેસમાં જ પોલીસે કાર્યવાહી તેજ કરીને રઈસ કાલિયાને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કાલિયા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો ધંધો કરતો હતો અને સુરતના લોકોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ઊંચી કિંમતે વેચતો હતો. પોલીસે ઓપરેશન પાર પાડીને આખરે તેને ઝડપી પાડ્યો છે. ઑપઇન્ડિયાએ સારોલી PIનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહીં.
સુરત બની રહ્યું છે ગુજરાતનું MD કેપિટલ
ઉલ્લેખનીય છે કે, સુરતમાં આ પહેલાં પણ ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો હતો. ગત માર્ચ મહિનામાં જ પોલીસે સુરતના કોસંબામાંથી 2 મુસ્લિમ ભાઈઓને ઝડપી પાડ્યા હતા, જે સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતાં હતા. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે ગામની સીમમાં આવેલા લબ્બૈક ફ્લેટમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓ ડ્રગ્સ વેચે છે. આ બાતમીના આધારે પોલીસ અને SOGએ વોચ ગોઠવીને લબ્બૈક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને બંને આરોપીઓ ડ્રગ્સ સાથે મળી આવ્યા હતા.
આ દરોડામાં પોલીસે બંને આરોપી સગા ભાઈઓ પાસેથી અંદાજિત એક લાખ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલે 23 વર્ષીય શહેઝાદખાન ઉર્ફે સૈજુ એઝાઝખાન પઠાણ અને 22 વર્ષીય સાહિલ એઝાઝખાન પઠાણની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસે બંને આરોપીઓ પાસેથી ₹40 હજારના બે મોબાઇલ ફોન, 11 હજારની 200 ચલણી નોટો અને ડ્રગ્સ એમ મળીને કૂલ ₹1,50,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતના રહેવાસી માવીયા કુરેશી નામના ડિલર પાસેથી લાવીને રિટેઈલમાં વેચતા હતા. પોલીસે માવીયા કુરેશીને વોન્ટેડ જાહેર કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. ત્યારબાદ તે પણ પકડાઈ ગયો.
તે પહેલાં ફેબ્રુઆરી મહીનામાં સુરતના ભેસ્તાનમાં આવેલા આવાસમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ₹35 લાખનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. જે મામલે મુખ્ય આરોપી ફરાર હતો, ત્યારે શહેરમાં MD ડ્રગ્સનો ધંધો કરતા વોન્ટેડ આરોપી મોબિન શાને સુરત પોલીસે મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપી પોલીસનો જ બાતમીદાર છે, જે પહેલાં ગેરકાનૂની કામોની પોલીસને બાતમી આપતો હતો, અને આ પહેલાં શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. સુરત શહેરમાં આ પહેલાં પણ અનેકવાર પોલીસે ડ્રગ્સની સાથે આરોપીઓની ધરપકડ કરી હતી.