Tuesday, July 23, 2024
More
  હોમપેજદેશરાજસ્થાનમાં મહિલા સાથે હેવાનિયત: નિર્વસ્ત્ર કરીને માર માર્યો, ગામમાં પરેડ કરાવાઈ; વિડીયો...

  રાજસ્થાનમાં મહિલા સાથે હેવાનિયત: નિર્વસ્ત્ર કરીને માર માર્યો, ગામમાં પરેડ કરાવાઈ; વિડીયો વાયરલ થયા બાદ તપાસ શરૂ, ગેહલોત સરકાર પર સવાલ

  ઘટના રાજસ્થાનમાં સ્થિત પ્રતાપગઢના એક ગામની છે. અહીં એક 21 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી.

  - Advertisement -

  રાજસ્થાનમાં મહિલા સાથે અમાનવીયતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઘટના સામે આવ્યા બાદ ફરી એક વખત અશોક ગેહલોત સરકાર મહિલા સુરક્ષા મુદ્દે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. 

  આ ઘટના રાજસ્થાનમાં સ્થિત પ્રતાપગઢના એક ગામની છે. અહીં એક 21 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. જેમાં તેનો પતિ જ સામેલ હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં એક વ્યક્તિ લોકોની સામે જ એક મહિલાને કપડાં ઉતારીને તેને નગ્ન અવસ્થામાં ફેરવતો જોવા મળે છે. દરમ્યાન, મહિલા પોતાને બક્ષી દેવાની વિનંતી કરતી જોવા મળે છે. 

  પ્રાથમિક વિગતો અનુસાર, આ ઘટનાને અંજામ આપનારા પીડિતાના પતિ અને સાસરિયાં છે. તે કથિત રીતે અન્ય પુરૂષ સાથે રહેતી હતી, જેનાથી નારાજ પતિ અને તેના પરિવારના લોકો તેને પોતાની સાથે તેમના ગામ ખાતે લઇ ગયા હતા અને જ્યાં આ ઘટના બની.

  - Advertisement -

  આ વિડીયો સામે આવ્યા બાદ રાજસ્થાન પોલીસ પણ જાગી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. DGP ઉમેશ મિશ્રાએ આ અંગે જણાવ્યું કે, “આ ઘટના અંગે સ્થાનિક પોલીસને શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) સાંજે જાણવા મળ્યું. જેવું જાણવા મળ્યું કે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને સ્થળ પર પહોંચીને ઘટનાક્રમની જાણકારી મેળવી અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.” તેમણે આગળ જણાવ્યું કે, “જે તથ્ય સામે આવ્યાં છે તે અનુસાર પીડિતાના સાસરી પક્ષ દ્વારા આ ઘૃણિત કાર્ય કરવામાં આવ્યું છે. તેમાં જે કોઈ પણ સામેલ છે તેમજ સ્થળ પર જેઓ હાજર હતા, એ તમામને આરોપી ગણવામાં આવશે. તેમને ચિહ્નિત કરી લેવામાં આવ્યા છે. અમારી ટીમો સતત તપાસમાં લાગેલી છે.”

  પ્રતાપગઢના SP અમિત કુમારે જણાવ્યું હતું કે, “મામલો ધ્યાને આવ્યા બાદ ત્વરિત કાર્યવાહી કરવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારી સુધી જેઓ અહીં કામ કરી ચૂક્યા છે તેમને બોલાવવામાં આવ્યા છે, જેથી એક મજબૂત ટીમ બનાવી શકાય અને આરોપીઓને જલ્દીથી પકડી લેવામાં આવે.”

  ઘટનાને લઈને રાજસ્થાન CM અશોક ગેહલોતે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, પોલીસ મહાનિદેશક અને ADG ક્રાઇમને સ્થળ પર મોકલવાના અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે, સભ્ય સમાજમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ સજા નથી અને તેમને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સજા અપાવવામાં આવશે.

  ઘટના બાદ અશોક ગેહલોત સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. રાજસ્થાનના ડેપ્યુટી વિપક્ષ નેતા સતિષ પુનિયાએ કહ્યું કે, “આ ઘટના હૃદયવિદારક અને સભ્ય સમાજ માટે શરમજનક છે. રાજસ્થાનની કાનૂન વ્યવસ્થા બગડી છે અને ખાસ કરીને મહિલાઓ સાથે જે ઉત્પીડન અને ગુનાની ઘટનાઓ થઇ રહી છે, એ શૃંખલામાં આ એક ઘટના જોડાઈ ગઈ, જેની જેટલી નિંદા કરવામાં આવે એ ઓછી છે.” આગળ કહ્યું કે, “આ ઘટના રાજસ્થાન સરકારની આંખો ખોલનારી છે. તે કહે છે કે અશોક ગેહલોતજી, તમારી પૂરેપૂરી નિષ્ઠા રાજકારણમાં અને ખુરશી બચાવવામાં છે, પરંતુ કોઈ મહિલાની ગરિમા જળવાય તે માટેનું કમિટમેન્ટ ક્યારેય જોવા નહીં મળ્યું. આ પ્રકારની ઘટનાથી રાજસ્થાન ફરીથી શરમમાં મૂકાયું છે. ઝડપથી તેમને સજા અપાવવામાં આવે. મેં મુખ્યમંત્રીનું ટ્વિટ જોયું છે, પરંતુ આ તેમની પરંપરાગત રીત રહી છે. ગુનેગારોને સજા મળશે ત્યારે જ અમે માનીશું.”

  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મહિલા સુરક્ષાનો મુદ્દો કાયમ ઉઠતો રહ્યો છે. NCRBના ડેટા અનુસાર પણ રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓનું પ્રમાણ વધુ છે. તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારના જ મંત્રીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજેન્દ્રસિંહ ગુઢાએ ગૃહમાં મણિપુરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે આપણે પોતાની અંદર જોવાની જરૂર છે. જોકે, તેની કિંમત તેમણે મંત્રીપદ આપીને ચૂકવવી પડી હતી. તેમને મંત્રાલયમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં