મદરેસામાં ભણવા જતાં બાળકોનાં શોષણના કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે ચૂક્યા છે ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. મુઝફ્ફરનગરમાં એક 9 વર્ષની બાળકી સાથે મદરેસાના મૌલવીએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિજનોની ફરિયાદના આધારે પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપી મૌલવીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બુઢાના પોલીસ મથક વિસ્તારમાં આવેલી નૂરજહાં મસ્જિદમાં મદરેસા ચાલે છે, જ્યાં આસપાસનાં મુસ્લિમ બાળકો દીની તાલીમ મેળવવા માટે આવે છે. તેમને મઝહબી શિક્ષણ આપવાની જવાબદારી ઈરફાન નામના મૌલવી પાસે છે. શનિવારે (23 સપ્ટેમ્બરે) એક નવ વર્ષની બાળકી રાબેતા મુજબ મદરેસા પહોંચી હતી. અહીં થોડી વાર પછી મૌલવી ઈરફાને બાકીનાં બાળકોને પોતપોતાનાં ઘરે મોકલી દીધાં હતાં પરંતુ 9 વર્ષની બાળકીને મદરેસામાં જ રહેવા કહ્યું હતું.
આરોપ છે કે ત્યારબાદ મૌલવીએ મદરેસામાં બાળકી પર નિર્દયતાથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં સુધી કર્યું કે જ્યાં સુધી બાળકી લોહીમાં લથપથ થઈને બેભાન ન થઈ ગઈ. ત્યારબાદ બાળકી મૃત્યુ પામી છે એમ વિચારીને ઈરફાન ત્યાંથી ભાગી ગયો હતો. બાળકી ભાનમાં આવ્યા પછી જેમતેમ પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચીને તેણે પોતાની બહેનને આપવીતી જણાવી હતી.
પોલીસે POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
પીડિત બાળકીનો પરિવાર તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આરોપી મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મામલાને ગંભીરતાથી લઈને પોલીસે મદરેસાના આરોપી મૌલવી ઈરફાન વિરુદ્ધ કલમ 376 અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સારવાર માટે મેરઠ હાયર સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેકટર બ્રુજેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે મદરેસાના મૌલવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવશે.
બીજી તરફ સીઓ ફુગાના યતેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે, બુઢાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી, જે અંતર્ગત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે શહેરમાં એક મદરેસામાં અભ્યાસ કરતી તેમની સગીર બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સંપૂર્ણ ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે.