મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના દેવપુર જિલ્લામાંથી એક લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. અહીં એક હિંદુ મહિલાને ખોટું નામ ધારણ કરીને ફસાવી લગભગ 2 વર્ષ સુધી તેનું યૌન શોષણ કરવા બદલ પોલીસે અર્શદ મલિક અને તેના પિતા સલીમ મલિક સામે FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
પીડિતાએ ગત 1 ડિસેમ્બર 2022ના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે અર્શદે પોતાનું નામ હર્ષદ માળી જણાવ્યું હતું અને તેને લગ્ન માટે મનાવી લીધી હતી. ફરિયાદમાં પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો છે કે અર્શદના અબ્બુ સલીમ મલિકે પણ તેની પર રેપ કર્યો હતો, જેને પણ FIRમાં આરોપી બનાવવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, આરોપી જાન્યુઆરી 2021થી હિંદુ મહિલાને ફસાવી તેનું શોષણ કરી રહ્યો હતો. આ મામલો 2016થી શરૂ થયો, જ્યારે મહિલાનાં લગ્ન એક હિંદુ યુવક સાથે થયાં હતાં. બંનેનું બાળક પણ થયું હતું, પરંતુ વર્ષ 2019માં તેનો પતિ એક માર્ગ અકસ્માતમાં માર્યો ગયો હતો. તે પહેલાં જ તેણે તેમનું મકાન વેચી દીધું હતું અને મહિલાને 2.5 લાખ રૂપિયા આપીને છોડી દીધી હતી.
ત્યારબાદ મહિલાએ સરકારી નોકરી માટે તૈયારી કરવાનું નક્કી કર્યું અને 2020માં મહારાષ્ટ્ર પોલીસ ભરતી માટે ક્લાસમાં જોડાઈ હતી. જ્યાં તેની મુલાકાત અર્શદ મલિક સાથે થઇ હતી, જેણે પોતાનું નામ હર્ષદ માળી જણાવ્યું હતું. ત્યારબાદ બંને મિત્રો બન્યાં અને એકબીજાના ફોન નંબરની પણ આપ-લે થઇ હતી. તેઓ રોજ મળતાં પણ હતાં.
ફરિયાદ અનુસાર, આરોપી હિંદુ મહિલાને ફસાવી એક દિવસ તેને નજીકના જંગલમાં લઇ ગયો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. જેનો તેણે વિડીયો પણ ઉતારી લીધો હતો અને ત્યારબાદ બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું.
જોકે, યુવતીએ ત્યારબાદ વાત કરવાનું બંધ કરી દેતાં આરોપીએ તેને વિડીયો સાર્વજનિક કરી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તે તેને પ્રેમ કરે છે અને સાથે રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરશે પરંતુ પછીથી લિવ-ઈન રિલેશનશિપ માટે પ્રપોઝ કર્યું હતું. યુવતીએ જણાવ્યું છે કે, તે ફરી બ્લેકમેલ કરશે તેના ડરે તે તૈયાર થઇ ગઈ હતી.
યુવતી ફરિયાદમાં જણાવે છે કે, લિવ-ઈન દરમિયાન જુલાઈ 2021માં તેણે જાણવા મળ્યું હતું કે તેનો પાર્ટનર ખરેખર મુસ્લિમ છે અને તેનું સાચું નામ અર્શદ મલિક છે. યુવતીએ પૂછતાં આરોપીએ તેને ‘પ્રેમસબંધોમાં આ બધી બાબતોનું મહત્વ નથી હોતું’ કહીને ચૂપ કરી દીધી હતી. યુવતીએ કહ્યું કે, તે મને સાચો પ્રેમ કરતો હોવાનું લાગતાં મેં તેની વાત માની લીધી હતી. ત્યારબાદ તેઓ ઉલ્હાસનગર અને અન્ય એક શહેરમાં શિફ્ટ થયાં હતાં. તેમની સાથે તેનો પહેલાં લગ્નનો પુત્ર વિવેક પણ સાથે જ રહેતો હતો.
મહિલાએ જણાવ્યું છે કે, તેણે અર્શદને 2.5 લાખ રૂપિયા આપી દીધા હતા છતાં અર્શદે સોનાની ચેન માંગી હતી, જે તેને તેનાં પહેલાં લગ્નમાં ભેટ મળી હતી. મહિલાએ જણાવ્યું કે, ઇનકાર કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને ધુળેમાં રહેતાં તેના માતા-પિતાને તેમના વિશે જાણ કરી હતી.
પીડિત મહિલા અને આરોપી ઉલ્હાસનગરના એક એપાર્ટમેન્ટમાં લગભગ 4 મહિના સુધી ભાડે રહ્યાં હતાં. દરમિયાન, અર્શદના અબ્બુએ તેમના ઘરે આવીને તેની પરવાનગીથી યુવતી સાથે રેપ કર્યો હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે. મહિલાએ જણાવ્યું કે, અર્શદ અને તેના અબ્બુએ અનેક વખત તેનો રેપ કર્યો હતો અને જેના કારણે તેને ગર્ભ પણ રહી ગયો હતો.
ત્યારબાદ તેઓ યુવતીને તેમના ઘરે લઇ ગયા હતા અને જ્યાં ઇસ્લામિક પરંપરા અનુસાર નિકાહ કરી લીધાં હતાં. યુવતીએ જણાવ્યું કે, નિકાહ બાદ પણ અર્શદના પિતાએ તેનું યૌન શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું.
યુવતીએ એમ પણ જણાવ્યું કે, તેનું ઇસ્લામમાં ધર્માંતરણ કરી નાંખવામાં આવ્યું હતું અને નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અર્શદના પરિવારના સભ્યો તેના પુત્ર વિવેકનું સુન્નત કરી નાંખવા પણ દબાણ કરતા હતા. જેનો ઇનકાર કરતાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ તે તેના પુત્રને તેની દાદીના ઘરે મૂકી આવી હતી.
યુવતી આગળ જણાવે છે કે, તેણે તેનાં બીજા સંતાનને ગત ઓગસ્ટ મહિનામાં જન્મ આપ્યો હતો, પરંતુ યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ મળી ન હતી. ઉપરથી અર્શદ અને તેના અબ્બુએ તેની સાથે રેપ કરવાનો ચાલુ રાખ્યો હતો. ઉપરાંત, અર્શદની માતા તેને માનસિક ત્રાસ આપતી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, શ્રદ્ધા હત્યા કેસ બાદ અર્શદ અને તેના અબ્બુએ તેને મારી નાંખીને 70 ટુકડા કરવાની ધમકી આપી હતી. યુવતી અનુસાર, તેમણે કહ્યું હતું કે, “આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા, પણ અમે તારા 70 ટુકડા કરીશું.”
ગત 29 નવેમ્બરના રોજ જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ કોઈક રીતે તે ભાગી છૂટી હતી અને જ્યાં તેનાં પહેલાં લગ્ન થયાં હતાં તે ઘરે જતી રહી હતી અને મદદ માંગી હતી. હજુ પણ તેને અને તેના પરિજનોને અર્શદ અને તેના પરિજનો તરફથી ધમકીઓ મળી રહી હોવાનું જણાવ્યું છે.
મહિલાએ દેવપુર પોલીસ મથકે પહોંચી ગત 1 ડિસેમ્બરના રોજ અર્શદ અને સલીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 376(2)(n), 377, 327, 504, 506, 34 અને 323 હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.