કર્ણાટકના મૈસૂરમાં રોહિત નામના એક હિંદુ યુટ્યુબરને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેમણે PM મોદીની પ્રશંસામાં એક ગીત બનાવ્યું હતું તો કેટલાક કટ્ટરપંથી મુસ્લિમ યુવાનોએ તેમને માર માર્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પર બિયર નાખવામાં આવ્યો અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવડાવવામાં આવ્યા હતા. યુવકનો આરોપ છે કે, તેની સાથે એવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે, તેમણે PM મોદીની પ્રશંસામાં એક વિડીયો ગીતની રચના કરી હતી.
મળતી માહિતી અનુસાર, યુટ્યુબર રોહિત કર્ણાટકના મૈસૂરમાં સ્થિત મેલ્લાહલ્લી ગામમાં રહે છે. તેમણે અઠવાડિયા પહેલાં PM મોદીની પ્રશંસા પર એક ગીત કમ્પોઝ કર્યું હતું. આ ગીતને તેમણે સરકારી ગેસ્ટહાઉસની પાસે એક યુવકને સંભળાવ્યું હતું. આ દરમિયાન જ કેટલાક મુસ્લિમ યુવાનોએ આ ગીત પર વાંધો ઉઠાવ્યો અને તે બાદ રોહિતને માર મારવામાં આવ્યો હતો. તેમના પર બીયર રેડવાની વાત પણ સામે આવી છે.
‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના લગાવડાવ્યા નારા
રોહિતે આરોપ લગાવ્યો છે કે, જે લોકોએ તેમની સાથે મારપીટ કરી છે, તેમણે તે દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવા માટે પણ દબાણ કર્યું હતું. આ ઘટના બાદ નઝરાબાદ પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને યુવકને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે, તેઓ આ ઘટનાની તપાસ કરશે.
‘હાથમાંથી ભગવાન રામનો ફોટો ખેંચી લઈને તેની સાથે કરી અભદ્રતા’
આ મામલે રોહિતે કહ્યું કે, “મેં ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીની પ્રશંસામાં એક ગીત જારી કર્યું હતું. હું મારી ચેનલની લિન્ક શેર કરી રહ્યો હતો અને દરેકને તેને સબ્સ્ક્રાઇબ કરવાનું કહી રહ્યો હતો. દરમિયાન સરકારી ગેસ્ટહાઉસ પાસેથી એક યુવક પસાર થયો. મને ખબર નહોતી કે તે મુસ્લિમ છે. મેં તેને ગીત જોવા, શેર કરવા અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માટે કહ્યું હતું.”
.@narendramodi ಪರ ಹಾಡು ಬರೆದಿದ್ದಕ್ಕೆ ಮುಸ್ಲಿಂ ಯುವಕರಿಂದ ಹಲ್ಲೆ! #Mysuru #LokSabhaElections2024 #News18Kannada pic.twitter.com/lB3YRBPcwC
— News18 Kannada (@News18Kannada) April 19, 2024
રોહિતે વધુમાં કહ્યું કે, “તેણે ગીત જોયું અને કહ્યું કે, સારું છે. તેણે મને કહ્યું કે, તે તેના દોસ્તો સાથે મુલાકાત કરાવવા માટે મને અંદર લઈ જશે. તેથી તે લોકોને પણ ગીત શેર કરી શકાય. જેવો મેં રૂમમાં પ્રવેશ કર્યો, તે દરમિયાન જ એક યુવકએ મારું મોં બંધ કરી દીધું અને પાછળથી હાથ પકડી લીધા.”
આરોપ લગાવતાં રોહિતે કહ્યું કે, “તે લોકોએ PM મોદી પર ગીત બનાવવા બદલ મને અપશબ્દો કહેવાના શરૂ કર્યા હતા. તેમણે મને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા માટે કહ્યું હતું. તેમણે મારા હાથમાંથી ભગવાન રામનો ફોટો ખેંચી લઈને તેની સાથે પણ અભદ્રતા કરી. તે બાદ મારા માથા પર બિયર રેડવામાં આવ્યો અને સીગરેટથી મારા હાથને દઝાડવામાં આવ્યા હતા. તે લોકોએ મને માર પણ માર્યો.”
મૈસૂરના પોલીસ કમિશનર રમેશે કહ્યું કે, “શખ્સે માત્ર દાવા કર્યા છે, અમે તેની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારી ગેસ્ટહાઉસમાં CCTV કેમેરા લાગેલા છે. તે CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ વધુ જાણકારી આપવામાં આવશે.”