છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને અન્ય નશાખોરીને લઈને અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport) પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) ₹1.95 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરીને ફિઝા ખાન નામની મહિલા પ્રવાસીની ધરપકડ કરી છે. ચેમ્બુરના મુક્તિનગર ખાતે રહેતી ફિઝા મૂળ કચ્છની છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફિઝા ખાન શનિવારે રાતરે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બેંગકોકથી (Bangkok) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી. AIUને મળેલા ઈનપુટના આધારે અધિકારીઓને તેના પર શંકા જતા તેને અટકાવવામાં આવી હતી. તેની ઝડતી લેવામાં આવતા ગ્રે રંગની ટ્રોલી બેગમાં કપડાં અને અંગત વસ્તુ ઠાંસી ઠાંસીને ભર્યાં હોવાનું સામે આવ્યું હતું. ઝીણવટથી તપાસ કરતા અધિકરીઓને વેક્યુમ સિલ કરેલા 8 પેકેટ્સ મળી આવ્યાં હતાં. આ પેકેટમાં લીલા રંગનો પદાર્થ ભરેલો હતો. નાર્કોટિક્સ ડ્રગ ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી પરીક્ષણ કરાતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું.
ફિઝા પાસે ઝડપાયેલા આઠ પેકેટ્સમાંથી કુલ 4,273 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹1.9 કરોડ જેટલી છે. ઉલ્લેખનીય છે કે ફિઝા આ ધંધામાં ચબરાક ખેલાડી છે અને અગાઉ પણ પાંચથી વધુ વાર ડ્રગ્સની દાણચોરી કરવામાં પકડાઈ ચૂકી છે. આ દાણચોરી સામે તેને સારી એવી રકમ મળતી હતી. ફિઝા ગાંજો કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાની હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ફિઝા મૂળ તો કચ્છની રહેવાસી છે પણ છેલ્લા ઘણા વર્ષોથી તે મુંબઈમાં (Mumbai) સ્થાયી થઇ છે. હાલ તેના વિરુદ્ધ કાર્યવાહી કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. બીજી તરફ તે આ નશાનો સામાન ક્યાંથી લાવી અને કોને આપવાની હતી તેમ જ તેને આ કામના કેટલા પૈસા મળવાના હતા અને તે કોના માટે ક કરે છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ SOGએ ઈરફાન શેખ નામના વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી
બીજી તરફ અમદાવાદમાં પણ SOGએ બાતમીના આધારે છટકું ગોઠવીને ઈરફાન ઉર્ફે મચ્છી સુલતાન શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે શાહપુરના જુલાઈવાડાના નાકેથી પસાર થઈ રહેલા ઇમરાન પાસે એમડી ડ્રગ્સ છે. આ બાતમીના આધારે SOGના અધિકારીઓએ વોચ ગોઠવી હતી. તેવામાં આરોપી ત્યાંથી પસાર થતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
Team SOG Ahmedabad @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @dcpsog @jayrajsinh_ips pic.twitter.com/JWzaHQyrMx
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 15, 2024
SOGને તેની પાસેથી MD ડ્રગ્સ સહિત લગભગ 94 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ તેના વિરુદ્ધ NDPS 8 (C), 21 (B) અને કલમ 29 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ફિઝાની જેમ ઈરફાન પણ અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યો છે.