ઑક્ટોબર 16 ના રોજ, મુંબઈ પોલીસે મહારાષ્ટ્રમાં રિયલ લાઈફ ‘બ્રેકિંગ બેડ’નો પર્દાફાશ કર્યો જ્યારે તેમણે એક મેફેડ્રોન (Drug) મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો, જે બે ધોરણ 10 નાપાસ ભાઈઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવવા બદલ બે ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના પરિસરમાંથી 8 કિલો ઉચ્ચ ગુણવત્તાનું ડ્રગ અને 50 કિલોથી વધુ પ્રતિબંધિત ડ્રગ બનાવવાની કાચી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે તેઓએ 14 ઓક્ટોબરે ખારના પશ્ચિમી ઉપનગરમાં રાહુલ કિસન ગવલી અને તેના ભાઈ અતુલની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ₹10.17 કરોડની કિંમતનો 5.09 કિલો મેફેડ્રોન ડ્રગનો જથ્થો પણ મળી આવ્યો હતો.
ત્યારબાદ, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફોલો-અપ ઓપરેશન હાથ ધર્યું હતું અને સોલાપુર જિલ્લાના ચિંચોલી MIDCમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો. અધિકારીએ કહ્યું કે તેમને જાણવા મળ્યું કે બંનેએ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ત્રણ લેબ સ્થાપી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન પોલીસે ₹16 કરોડની કિંમતનું ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન જપ્ત કર્યું છે, જ્યારે ડ્રગ બનાવવા માટેના કાચા માલની કિંમત ₹100 કરોડથી વધુ છે. તેમણે કહ્યું કે પોલીસને તેના પરિસરમાંથી એક ડાયરી પણ મળી જેમાં ડ્રગ બનાવવા માટે વપરાતા ફોર્મ્યુલા હતા.
એ નોંધવું અગત્યનું છે કે મેફેડ્રોન એક કૃત્રિમ ઉત્તેજક (psychotropic substance) છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. તેને ‘મ્યાઉ મ્યાઉ’ અથવા એમડી (MD), વ્હાઇટ મેજિક, એમ-કેટ અને ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને ગવલી ભાઈઓ 10માં નાપાસ થયા હતા અને તેઓ થોડા વર્ષોથી કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા. બાદમાં, તેઓએ 21,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ડ્રગલેબ સ્થાપવા માટે એક જગ્યા ભાડે લીધી અને છેલ્લા સાત મહિનાથી ઉત્પાદન એકમ ચલાવી રહ્યા છે.
અધિકારીએ કહ્યું કે આરોપી એક મહિના પહેલા મેફેડ્રોનનું વિતરણ કરવા માટે મુંબઈ આવ્યો હતો અને સ્થાનિક ડ્રગ સ્મગલરોને તેનો સપ્લાય કરતો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેના સહયોગીઓને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે.
અગાઉ 2016 માં, થાણે શહેર પોલીસે આ વિસ્તારની બીજી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી તેઓએ ₹2,000 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું.
થોડા દિવસો પહેલા, 13 ઓક્ટોબરના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ પુણેમાં બે જગ્યાએથી લગભગ 200 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી કરોડો રૂપિયાની કિંમતના મેફેડ્રોન ઘણા કેસોમાં જપ્ત કરવામાં આવ્યા છે.
ઓગસ્ટ 2022 માં, પાલઘર જિલ્લાના નાલાસોપારામાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા દરમિયાન ₹1,400 કરોડની કિંમતનું 700 કિલો મેફેડ્રોન જપ્ત કર્યા બાદ મુંબઈ સિટી પોલીસે મુંબઈમાં સૌથી મોટી જપ્તીઓમાંની એક કરી હતી.