ભરૂચ પાસે આવેલા થામ-દેરોલ હાઈવે પર વિહાર માટે નીકળેલા જૈન સાધ્વીઓ પર અલ્તાફ હુસૈન શેખે હુમલો કરી દીધો હતો. અલ્તાફ હુસૈન શેખે ભરૂચથી વિહાર માટે નીકળેલા સાધ્વીઓનો મહંમદપુરાથી પીછો કરી રહ્યો હતો. સંયમમાં જીવન નિર્વાહ કરીને રહેતા સાધ્વીજીએ તેને દૂર રહેવાનું કહેતા તેણે પટ્ટો કાઢીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ વચ્ચે પડીને અલ્તાફ હુસૈનને પોલીસ હવાલે કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર ભરૂચથી વહેલી સવારે 6 જેટલા શ્વેતાંબર જૈન સાધ્વીજી વિહાર અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે વિહાર સેવક પણ હતા, પરંતુ થોડા કિલોમીટર બાદ તેઓ પરત ફરી ગયા હતા. ત્યારે રસ્તામાં પડતા મહંમદપુરાથી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. પીછો કરનાર વ્યક્તિ થોડી જ વારમાં તેમની નજીક પહોંચી ગયો અને જોર-જોરથી બૂમો પાડીને સાધ્વીજીઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ભરૂચ: થામ-દેરોલ હાઈવે પર જૈન મુનિ અને સાધ્વીઓ પર હુમલો, સંતે તેમની નજીક ન આવવાનું કહેતા કર્યો હતો હુમલો | TV9Gujarati#bharuch #jainmuni #jainsaint #attacked #gujarat #tv9gujarati pic.twitter.com/NRWDo1C7RG
— Tv9 Gujarati (@tv9gujarati) May 27, 2024
નોંધનીય છે કે અન્ય સાધુઓની જેમ જ જૈન સાધુઓ પણ સંયમના નિયમમાં રહેતા હોય છે. ખાસ કરીને સાધ્વીઓ પુરુષોથી એક અંતર જાળવતા હોય છે. આવી સ્થિતિમાં મહંમદપૂરથી પીછો કરી રહેલા અલ્તાફ હુસૈન શેખ સતત તેમની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દરમિયાન તેઓ જંબુસર માર્ગ પર થામ ગામથી દેરોલ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અલ્તાફ એક દમ નજીક આવી ગયો હતો. આ જોઈ સાધ્વીએ તેને દૂર રહેવાનું કહ્યું હતું આ સાંભળી ઉશ્કેરાયેલા અલ્તાફે લાત મારીને એક સાધ્વીજીને નીચે પાડી દીધા અને પટ્ટો કાઢીને તમામને માર મારવા લાગ્યો.
ઉલ્લેખનીય છે કે જે સમયે અલ્તાફ સાધ્વીઓને માર મારી રહ્યો હતો, તે સમયે જ ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ તેમનો બચાવ કર્યો હતો. ઘટના બાદ ભરૂચ તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અલ્તાફ શેખની અટકાયત કરી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર સંપર્ક સાધી શકાયો નહતો. વધુ માહિતી મળતાની સાથે આ લેખને અપડેટ કરવામાં આવશે.