અમદાવાદના નારોલમાં લુંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ લૂંટ ચોંકાવનારી એટલા માટે છે કે આમાં આરોપીઓએ યુવકને માર મારીને QR કૉડ સ્કેન કરાવી ડિજીટલ લૂંટ ચલાવી હતી. પીડિત વિદ્યાર્થી નારોલથી રિક્ષા કરીને ઘરે જઈ રહ્યો હતો, આ દરમિયાન રિક્ષાચાલક અને તેના અન્ય 2 સાગરીતોએ યુવકને અવાવરું જગ્યાએ લઈ જઈને માર મારીને આ લૂંટ ચલાવી હતી. વિદ્યાર્થીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે અજાણ્યા લૂંટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નારોલ વિસ્તારમાં એક વિદ્યાર્થી ક્લાસમાં જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન એક એવી રિક્ષામાં તે બેઠો જેમાં પહેલેથી જ 2 યાત્રીઓ બેઠેલા હતા. આ દરમિયાન રિક્ષામાં પહેલેથી બેઠેલા એક વ્યક્તિએ વિદ્યાર્થીને કહ્યું કે થોડે આગળ જ તેને કોઈ પાસે પૈસા લેવા જવું છે, બાદમાં તને ઉતારી દઈશું. આ સાંભળી પીડિત વિદ્યાર્થીએ પણ સહમતી દર્શાવતા રિક્ષા ચાલકે અવાવરુ જગ્યાએ રિક્ષા હંકારી મૂકી. થોડે આગળ જઈ રિક્ષા ઉભી રાખીને રિક્ષાચાલક અને અન્ય 2 જણાએ વિદ્યાર્થીને નીચે ઉતાર્યો.
શાહઆલમ દરગાહ પાસે જઈ ઓનલાઈન બીજા રૂપિયા પડાવ્યા
વિદ્યાર્થી હજુ કશું સમજે તે પહેલાં જ આ ત્રણે જણા તેની ઉપર તૂટી પડ્યા હતા. માર મારીને તેમણે વિદ્યાર્થી પાસે પૈસાની માંગણી કરી હતી, ડરેલા વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલા 3500 રૂપિયા રોકડા લૂંટારાઓને આપી દીધા હતા. પણ વિદ્યાર્થીને તે નહોતી ખબર કે આ બધું અહીં જ પૂરું નથી થવાનું. રૂપિયા પડાવી લીધા બાદ પણ આ ત્રણે જણાએ તેને માર મારવાનું ચાલુ રાખ્યું અને બીજા પૈસાની માંગણી કરી. જોકે, વિદ્યાર્થી પાસે બીજા પૈસા ન હોવાના કારણે લૂંટારૂ ટોળકીએ તેને એક QR કૉડ સ્કેન કરવા આપ્યો હતો. આ કૉડ દ્વારા આરોપીઓએ વિદ્યાર્થી પાસે બીજા 4580 રૂપિયા ઓનલાઈન પડાવી લીધા. આટલું જ નહીં, આ પછી પણ આરોપીઓએ રિક્ષા લઈને શાહઆલમ દરગાહની બાજુમાં આવેલી મેડીકલ સ્ટોરમાં અન્ય બીજા રૂપિયા 2000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ આ ટોળકીએ વિદ્યાર્થી પાસેથી કુલ 10 હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
આ ઘટના બાદ ડઘાયેલો અને ડરેલો વિદ્યાર્થી અન્ય એક રીક્ષા પકડીને પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે આવ્યા બાદ તેણે પોતાના પરિવારને સઘળી હકીકત જણાવી હતી. વિદ્યાર્થીએ ઘટના દરમિયાન રિક્ષાનો નંબર નોંધી લીધો હતો. જે બાદ પરિવાર સાથે તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા અમદાવાદની નારોલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી રિક્ષાના નંબરના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.