Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતસુરતના ઉન વિસ્તારમાંથી મળી આવ્યો 300 કિલો ગૌમાંસનો જથ્થો: કપાતા હતા ગાયો...

    સુરતના ઉન વિસ્તારમાંથી મળી આવ્યો 300 કિલો ગૌમાંસનો જથ્થો: કપાતા હતા ગાયો સહિતના પશુઓ; ઝુબેર, ઈમરાન સહિત 5ની ધરપકડ, નઇમ કુરેશી વોન્ટેડ

    ભેસ્તાન પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, "આ સમગ્ર કેસ મામલે હાલ પણ તપાસ ચાલુ જ છે. કુલ 5 આરોપીઓની ધરપકડ આ કેસમાં થઈ છે અને નઇમ કુરેશી નામના એક વોન્ટેડ આરોપીની ધરપકડ બાકી છે. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ મામલે ગુનો પણ નોંધાયો છે."

    - Advertisement -

    સુરતના ઉન વિસ્તારમાંથી ગાયો કાપવાના આખા કારોબારનો પર્દાફાશ થયો છે. ઉન વિસ્તારના ખાડી કિનારે ગાયો સહિતના પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતાં 300 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેની ઓળખ ઝુબેર રહીમુદ્દીન શેખ, ઈમરાન ઈસ્માઈલ કુરેશી, મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ, રાજુ રાઠોડ અને સમીર નૂરખાન તરીકે થઈ છે. જ્યારે નઇમ સલીમ કુરેશી ઘટનાસ્થળેથી ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઑપઇન્ડિયાએ ભેસ્તાન પોલીસ સ્ટેશનના PI સાથે વાત કરીને આ કેસ વિશેની માહિતી મેળવી હતી.

    ભેસ્તાન પોલીસે ઑપઇન્ડિયાને આપેલી માહિતી અનુસાર, સુરતના ઉન વિસ્તારમાં ગુલઝાર વીલા, નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાની અને પશુઓને વાહનમાંથી ખાલી કરાતા હોવાની બાતમી તેમને મળી હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડો પાડીને તપાસ કરતાં ઘટનાસ્થળ પરથી 300 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પશુઓ બાંધેલા હતા. પોલીસે બાંધેલી 3 ગાયો, 2 ભેંસ અને 4 નાના પાડાને મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે એક ટેમ્પો, કુહાડી, છરા, 2 બાઇક અને મોપેડ સહિત 3.06 લાખનો સામાન કબજે કર્યો હતો.

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભેસ્તાન પોલીસે ઝુબેર, ઈમરાન, મુસ્તાક, સમીર અને રાજુની ધરપકડ કરી છે. જ્યારે નઇમ કુરેશી નામનો આરોપી ઘટનાસ્થળ પરથી ભાગી છૂટયો હતો. તેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. તેને પણ ટૂંક સમયમાં શોધીને ઝડપી પાડવામાં આવશે. આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ રાખતો હતો અને ત્યાં જ છૂટક કામ કરતો હતો. આરોપી ઝુબેરે પોલીસને જણાવ્યું હતું કે, તે પોતે ખેતીવાડી કરે છે અને શેડમાં બાંધેલા પશુઓ પણ તેના હતા. તેણે કહ્યું કે, જીવિત પશુઓમાં રહેલી એક ગાય તેણે ઈમરાન કુરેશી અને મુસ્તાક શેખને વેચી હતી. આ સાથે તેણે ગુનો પણ કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, નઇમ સલીમ અને સમીર નૂરખાન સાથે તેઓ ગાય કાપતા હતા.

    - Advertisement -

    ભેસ્તાન પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, “આ સમગ્ર કેસ મામલે હાલ પણ તપાસ ચાલુ જ છે. કુલ 5 આરોપીઓની ધરપકડ આ કેસમાં થઈ છે અને નઇમ કુરેશી નામના એક વોન્ટેડ આરોપીની ધરપકડ બાકી છે. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ મામલે ગુનો પણ નોંધાયો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઘટનાસ્થળ પરથી અમને 300 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું અને 9 જીવતા પશુઓ મળી આવ્યા હતા. આરોપીઓએ ઘટનાસ્થળે જ ગુનાની કબૂલાત કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”

    જૈન દેરાસર પાસે પણ મળી આવ્યું હતું મૃત પશુનું માથું

    નોંધનીય છે કે, 19 જૂનના રોજ સુરતના પાલ વિસ્તારમાં એક સોસાયટી પાસે મૃત પશુનું માથું મળી આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં જૈનોની વસતી છે અને આસપાસ ઘણાં દેરાસર પણ આવેલાં છે. જૈનોના રહેણાંક વિસ્તારમાં મૃત પશુનું માથું ફેંક્યા બાદ ભારે હોબાળો થયો હતો. જૈન સમાજના અગ્રણીઓ અને જૈન સન્યાસીઓએ આ મામલે પોલીસને પણ ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી.

    ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોમાં રોષ જોતાં પોલીસે જૈન અને હિંદુ સમાજના અગ્રણીઓને સમજાવીને મામલો થાળે પાડીને પશુના કપાયેલા માથાને કબજે લઇ FSLમાં મોકલી આપ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ પણ શરૂ કરી દીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં