1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો હોવાના કારણે ગુજરાતને લાભ પણ અનેક મળે છે, પરંતુ સાથોસાથ ડ્રગ્સ તસ્કરી અને એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ વધારે જોવા મળે છે. જોકે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ATS, NCB અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે તસ્કરોના મનસૂબા પર પાણી ફરી વળે છે. તેવામાં ફરી એક વાર પોરબંદરના દરિયામાં ₹600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો પાકિસ્તાની બોટમાં સવાર હતા અને કાંઠા વિસ્તારથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ફિરાકમાં હતા.
મળતી માહિતી અનુસાર, આ આખા ઑપરેશનમાં ગુજરાત ATS, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને પોરબંદર SOGએ સક્રિય ભૂમિકા નિભાવી હતી. સુરક્ષા એજન્સીઓએ આપેલી માહિતી અનુસાર ઝડપાયેલું ડ્રગ્સ હેરોઈન છે અને તેની માર્કેટ વેલ્યુ ₹602 કરોડ જેટલી થાય છે. આ ઑપરેશન દરમિયાન અધિકારીઓએ પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.
Anti #narcotics #Operations @IndiaCoastGuard ship Rajratan with ATS #Gujarat & @narcoticsbureau in Joint Ops apprehended #Pakistani boat in Arabian Sea, West of Porbandar with 14 crew & 86 Kg contraband apprx ₹ 600 Cr
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) April 28, 2024
In succession to interception last month of 80 kgs drugs pic.twitter.com/WlEu4IpT4t
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ ઑપરેશનને સફળ બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એરક્રાફટ મિશન પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા. આ અધિકારીઓએ શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સ ભરેલી બોટમાં સવાર પાકિસ્તાનીઓ દ્વારા એક અધિકારી પર બોટ ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બોટને કબજામાં લીધા બાદ તેની તપાસ કરતા તેમાંથી 86 કિલો હેરોઈન મળી આવ્યું હતું.
આ સમગ્ર ઓપરેશન મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “અધિકારોએ ખૂબ જ બહાદુરીથી પાકિસ્તાની બોટ સુધી પહોંચ્યા, આ દરમિયાન એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી. આ સમગ્ર ઘટના દરમિયાન અધિકારીઓ પાકિસ્તાની બોટ પર પહોંચ્યા ત્યારે તેમાં 14 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. તે તમામને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે. બોટમાં સર્ચ દરમિયાન 78 પેકેટ હેરોઈન મળી આવ્યું છે. તેનું કુલ વજન 86 કિલો છે, તેની બજાર કિંમત ₹602 કરોડ છે. આ તપાસ NCBને સોંપવામાં આવશે.”
સુરક્ષા એજન્સીઓએ આ કાર્યવાહીમાં ડ્રગ્સ સાથે ઝડપેલા પાકિસ્તાની નાગરિકોમાં નાઝીર હુસૈન, મહોમ્મદ સિદ્દીક, સમીર હુસૈન, સનલ ગુલામ નબી, અમન ગુકમ નબી, ફઝલ અમીર, અબ્દુલ રશીદ, લાલ બક્ષ, યાકર ખાન, નાદિર બક્ષ, અબ્દુલ સમદ, એમ હકીમ મુસા, નૂર મહોમ્મદ, મહોમ્મદ ખાન હુસૈનનો સમાવેશ થાય છે. આ તમામ બલોચિસ્તાન પાકિસ્તાનના રહેવાસી છે.