મહારાષ્ટ્રના રાજકારણમાં પડેલી મડાગાંઠ છેવટે તેના ઉકેલના માર્ગે જઈ રહી છે. ગઈકાલે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પક્ષના દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીથી આવ્યા બાદ સીધા રાજભવન ગયા હતા અને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. ફડણવીસે રાજ્યપાલ સમક્ષ માંગણી કરી હતી કે શિવસેનાના 40 જેટલા ધારાસભ્યો હાલમાં આસામના ગુવાહાટીમાં છે જેથી સરકાર અલ્પમતમાં આવી ગઈ છે જેથી તેણે વિશ્વાસનો મત લેવો જોઈએ.
આમ તો ગઈકાલે રાત્રેજ કેટલીક ન્યૂઝ ચેનલોએ 30 તારીખે રાજ્યપાલ કોશિયારીએ ઉદ્ધવ ઠાકરેને પોતાનો બહુમત સાબિત કરવાનું કહ્યું હોવાના સમાચાર વહેતા કરી દીધા હતા, પરંતુ બાદમાં રાજભવને આ સમાચાર ફેક હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલમાં જ મળતાં સમાચાર અનુસાર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડીને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે.
Maharashtra Governor Bhagat Singh Koshyari has written to state Assembly secretary to convene a special session of the State Assembly on June 30, with the only agenda of a trust vote against CM Uddhav Thackeray pic.twitter.com/9M5htIIE9R
— ANI (@ANI) June 29, 2022
આમ, આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની એક્ઝામ થશે જેમાં તેમણે તેમના દાવા અનુસાર અત્યારે પણ તેમને બહુમતિ શિવસેના ધારાસભ્યો સમર્થન કરે છે તે સાબિત કરવું પડશે.
મહારાષ્ટ્રનું આ મહાનાટક ગયા અઠવાડિયે શરુ થયું હતું જ્યારે સરકારના સિનીયર મંત્રી એકનાથ શિંદે 20 જેટલા શિવસેનાના ધારાસભ્યોને લઈને સુરત પહોંચી ગયા હતા. અહીં એક દિવસના રોકાણ બાદ રાતોરાત શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોને આસામના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા હતા અને આજદિન સુધી આ તમામ અહીં જ છે.
આ સમગ્ર અઠવાડિયા દરમ્યાન ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે આરોપ-પ્રત્યારોપો ચાલુ રહ્યા હતા જેમાં શિંદે જૂથ પોતાને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વના સપનાને આગળ વધારી હોવાનો દાવો કરતા ઉદ્ધવને મહા વિકાસ આઘાડીમાંથી નીકળી જઈને ભાજપ સાથે સરકારમાં બેસવાનો અનુરોધ કરતું રહ્યું છે.
બીજા પક્ષે શિવસેનાના નેતા જેવા કે સંજય રાઉત શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્યોને સતત ધમકી આપતા રહ્યા છે. ડેપ્યુટી સ્પિકરના વ્યવહાર અંગે પણ શિંદે જૂથ સુપ્રિમ કોર્ટમાં ગયું હતું જ્યાં કોર્ટે આવતી 11 જુલાઈ સુધી ડેપ્યુટી સ્પિકરના કોઇપણ આદેશ વિરુદ્ધ સ્ટે મૂકી દીધો હતો.
જે પ્રમાણે અટકળો લગાવવામાં આવી રહી હતી તેને સાબિત કરતા શિવસેના રાજ્યપાલ કોશિયારીના આ આદેશ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં ગઈ છે. શિવસેનાના મુખ્ય દંડક સુનિલ પ્રભુએ રાજ્યપાલના આદેશને પડકારતી એક પીટીશન સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી દીધી છે.
#BREAKING Shiv Sena Chief Whip Sunil Prabhu files application in the Supreme Court challenging the Maharashtra Governor’s direction to the Chief Minister to prove majority of #MahaVikasAghadi Government by taking floor test in the Assembly tomorrow.#MaharashtraPolitcalCrisis
— Live Law (@LiveLawIndia) June 29, 2022
શિવસેના તરફથી અભિષેક મનુ સિંઘવી સુપ્રિમ કોર્ટમાં દલીલો કરશે. જો સુપ્રિમ કોર્ટ આ બાબતે દખલ કરવાથી મનાઈ કરી દેશે તો આવતીકાલનો ફ્લોર ટેસ્ટ કાયમી રહેશે.
એક અન્ય સમાચાર અનુસાર શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યો પોતાના નેતા એકનાથ શિંદે સાથે આજે ગુવાહાટીથી ગોવા જવા રવાના થશે અને અહીં તાજ ગોવામાં રોકાણ કરશે અને આવતીકાલે ફ્લોર ટેસ્ટ શરુ થાય એ અગાઉ મુંબઈ પહોંચશે.