વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ મામલે શાહી ઇદગાહ મસ્જિદનો પણ સરવે અને વીડિયોગ્રાફી કરવાની ઉઠતી માંગ વચ્ચે અલાહાબાદ હાઇકોર્ટે અગત્યનો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે મથુરા જિલ્લા કોર્ટને ચાર મહિનાની અંદર આ મામલે નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરાની જિલ્લા કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને વિવાદિત શાહી ઇદગાહ મસ્જિદના પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવા માટેની માંગ કરી હતી તેમજ તેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની નિયુક્તિની પણ માંગ કરવામાં આવી હતી. આ અરજી છેલ્લા એક વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે, જેના કારણે તેની ઉપર ઝડપથી સુનાવણી કરવામાં આવે તેવી માંગ સાથે અરજદારે અલાહાબાદ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, કેસનાં તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતાં સબંધિત કોર્ટને આ આદેશના ચાર મહિનાની અંદર અરજી પર કાયદા મુજબ નિર્ણય લેવા માટે આદેશ કરવામાં આવે છે. ઉપરાંત, કોર્ટે તમામ પક્ષોને પોતાની વાત રાખવાની પૂરતી તકો આપવામાં આવે તેમજ કાયદાકીય અડચણ ન હોય ત્યાં સુધી બિનજરૂરી કારણોસર કેસ પાછળ ઠેલવામાં નહીં આવે તેવો આદેશ પણ કર્યો હતો.
Allahabad High Court Directs Mathura Court To Decide Plea For Survey Of Shahi Idgah Mosque Premises Within 4 Months @ISparshUpadhyay https://t.co/R74rIbqj1x
— Live Law (@LiveLawIndia) August 29, 2022
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, મથુરા સ્થિત શાહી ઇદગાહ મસ્જિદની અંદર હજુ પણ હિંદુ ધર્મને લગતાં ધાર્મિક પ્રતીકો છે, જે એ સાબિત કરી શકે છે કે ત્યાં મૂળભૂત રીતે ઠાકુર કેશવ દેવ મંદિર સ્થિત હતું, જેને તોડીને મસ્જિદ બાંધવામાં આવી હતી. અરજીમાં ઉમેરવામાં આવ્યું છે કે, શાહી ઇદગાહ મસ્જિદનું સંચાલન કરનારાઓ આ હિંદુ પ્રતીકોને નષ્ટ કરી શકે છે. જેના કારણે મસ્જિદનો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે સરવે કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે મથુરા સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના મંદિરની બાજુમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માંગ સાથે કરવામાં આવેલી અરજી પર હાલ મથુરાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અરજીમાં મસ્જિદને હટાવીને 13.37 એકર જમીન મંદિરને પરત આપવાની માંગ કરવામાં આવી છે.
હાઇકોર્ટના નિર્ણય બાદ અરજદાર મનિષ યાદવે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે આજે આદેશ આપ્યો છે. આવતીકાલે અમે તેને જિલ્લા કોર્ટમાં દાખલ કરીશું. જે બાદ ચાર મહિનાની અંદર સરવે અને વીડિયોગ્રાફી પૂર્ણ કરવાની રહેશે. સરવે દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત મે-જૂન મહિનામાં વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલ વિવાદિત માળખા જ્ઞાનવાપીનો સરવે અને વીડિયોગ્રાફી કરવામાં આવ્યાં હતાં, જે દરમિયાન મસ્જિદના વઝૂખાનામાંથી એક શિવલિંગ પણ મળી આવ્યું હતું. જે બાદ કોર્ટે આ જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ પણ હાલ વારાણસીની કોર્ટમાં ચાલી રહ્યો છે.