ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એક નવી સમસ્યામાં ફસાયેલા જણાય છે. ભારતના એક પૂર્વ રાજદ્વારીએ એવો દાવો કર્યો છે કે 9-10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં સંપન્ન થયેલા G20 શિખર સંમેલન દરમિયાન ટ્રુડો ડ્રગ્સના નશામાં હતા.
જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરના રોજ કેનેડાની સંસદમાં એવું કહ્યું હતું કે જૂનમાં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારત સામેલ હતું અને તેમની પાસે આના ‘વિશ્વસનીય પુરાવા’ પણ છે. ટ્રુડો આના એક અઠવાડિયા પહેલાં જ નવી દિલ્હીમાં હતા.
સોશિયલ મીડિયામાં પર અફવા તરીકે વહેતા ઘણા સમાચાર અંગે પોલેન્ડ અને સુદાનમાં ભારતના રાજદૂત રહેલા ભૂતપૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ કહ્યું છે કે એ વાતના ‘વિશ્વસનીય સ્ત્રોત’ છે કે ટ્રુડોના વિમાનમાં સ્નિફર ડોગને કોકેન મળી આવ્યું હતું. પૂર્વ રાજદ્વારી વોહરાએ એ પણ કહ્યું હતું કે ટ્રુડો એટલા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા G20 દેશોના રાષ્ટ્રપ્રમુખો માટે આયોજિત રાત્રિભોજનમાં નહોતા ગયા કારણ કે તેઓ ડ્રગ્સના નશામાં હતા.
"Credible sources say, @JustinTrudeau was high on cocaine, sniffer dogs found some traces from his plane as well & hence he didn't attend the G20 dinner – Former Indian diplomat Deepak Vohra" pic.twitter.com/OkXo15iM4b
— Mr Sinha (@MrSinha_) September 26, 2023
પૂર્વ રાજદ્વારી દીપક વહોરાએ ટીવી ચેનલ ઝી ન્યૂઝ પર વાતચીત દરમિયાન પત્રકાર દીપક ચૌરસિયાને આ તમામ દાવા કર્યા હતા. નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હીમાં ખરાબ થઈ ગયું હતું જેના કારણે તેમને વધુ બે દિવસ રોકાવું પડ્યું હતું. પ્લેનને લઈને સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અંદર ડ્રગ્સ જપ્ત કર્યું છે અને તેથી તેને રોકવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ વિમાન અંગે પ્રશ્નો પૂછાતા કહ્યું હતું કે ટ્રુડોનું પ્લેન ખરાબ થવાથી તેમને તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી અને ટેકનિકલ ખામીને કારણે પ્લેન બે દિવસ સુધી ઉડી શક્યું નહોતું. ભારતીય એજન્સીઓ પર હત્યાનો આરોપ લગાવ્યા બાદ ટ્રુડોની છબી સતત ખરાબ થઈ રહી છે. ડ્રગ્સના આરોપો ઉપરાંત કેનેડાની સંસદમાં પૂર્વ નાઝી સૈનિકનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે વિશેષ સન્માન કરવા બદલ પણ તેમની સરકારની ઘણી ટીકા કરવામાં આવી હતી.