કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા આરોપોને લઈને ચાલતા વિવાદ વચ્ચે અમેરિકાના એક પૂર્વ સૈન્ય અધિકારીએ અગત્યની વાત કહી છે. તેમણે ટ્રુડોના આ કારસ્તાનને મોટી ભૂલ ગણાવી અને કહ્યું કે, કેનેડા માટે કીડી હાથી સાથે લડાઇ કરવા માંગતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે અને નુકસાન તેમને જ છે, ભારતને નહીં.
અમેરિકાના પૂર્વ સૈન્ય અધિકારી માઇકલ રૂબિને ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, “કેનેડા PM જસ્ટિન ટ્રુડોએ બહુ મોટી ભૂલ કરી નાખી છે. તેમણે એવી રીતે આરોપો લગાવ્યા છે કે તેને સમર્થન આપી શકતા નથી. અહીં બે શક્યતાઓ છે. કાં તો તેમણે હવામાં ગોળીબાર કર્યો છે અને ભારત સરકાર સામે તેમણે જે આરોપો લગાવ્યા છે તેને સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી, અથવા તો કાંઈ હોય તોપણ તે કિસ્સામાં તેમણે સાબિત કરવું પડશે કે કેમ તેમની સરકાર આતંકવાદીને આશ્રય આપી રહી હતી?”
#WATCH | Washington, DC | On allegations by Canada, Michael Rubin, former Pentagon official and a senior fellow at the American Enterprise Institute says "Well, frankly, there's a much greater danger for Canada than India. If Canada wants to pick a fight, frankly, at this point,… pic.twitter.com/7erf160mN8
— ANI (@ANI) September 23, 2023
આગળ તેમણે કહ્યું કે, “ભારત કરતાં કેનેડાને જ વધુ જોખમ છે. આ સમયે જો કેનેડા સંઘર્ષમાં ઉતરતું હોય તો એ કીડી હાથી સામે લડાઈ કરવા માંગતી હોય તેવો ઘાટ થશે. અને વાસ્તવિકતા એ છે કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. રણનીતિની રીતે કેનેડા કરતાં તેનું મહત્વ અનેકગણું વધારે છે.”
‘અમેરિકાએ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો ભારતની જ કરશે’
તેમણે કહ્યું કે, “મને લાગે છે કે બે મિત્રોમાંથી એકની પસંદગી કરીને અમેરિકા એકતરફી જશે નહીં પરંતુ તેમ છતાં પણ જો અમારે 2માંથી એકની પસંદગી કરવાની હોય તો અમે ભારતની પસંદગી કરીશું, કારણ કે નિજ્જર આતંકવાદી હતો અને ભારત પણ ઘણું મહત્વ ધરાવે છે. અમારા સંબંધો પણ મહત્વના છે. જસ્ટિન ટ્રુડો કદાચ કેનેડાના વડા તરીકે લાંબો સમય નહીં રહે અને તેમના ગયા બાદ અમે ફરીથી સંબંધો સુધારી શકીશું.”
#WATCH | Washington, DC | On allegations by Canada, Michael Rubin, former Pentagon official and a senior fellow at the American Enterprise Institute says, "… I suspect that the United States doesn't want to be pinned in the corner to choose between 2 friends, but if we have to… pic.twitter.com/tlWr6C6p7e
— ANI (@ANI) September 23, 2023
આતંકવાદી હરદીપ નિજ્જરને લઈને તેમણે કહ્યું કે, “આપણે પોતાને મૂરખ બનાવવાનું બંધ કરીએ. હરદીપ સિંઘ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો, એ જ રીતે જેમ ઓસામા બિન લાદેન કન્સ્ટ્રક્શન એન્જિનિયર ન હતો. તેના હાથ લોહીથી રંગાયેલા હતા. આગળ કહ્યું કે, આપણે ‘ટ્રાન્સનેશનલ રિપ્રેશન’ની નહીં પણ ‘ટ્રાન્સનેશનલ ટેરેરિઝમ’ની વાત કરી રહ્યા છીએ અને અમેરિકાએ જે કાસિમ સુલેમાની કે ઓસામા બિન લાદેનના કિસ્સામાં કર્યું હતું એ અને ભારત પર જે આરોપો લાગી રહ્યા છે તે, તેમાં કોઇ અંતર નથી.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં બોલતી વખતે થોડા મહિના પહેલાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને કહ્યું કે, તેમની એજન્સીઓને ભારતીય એજન્ટો સામેલ હોવાના પુરાવા મળ્યા છે. જોકે, તેમણે એ પુરાવા ભારતને આપ્યા ન હતા. ત્યારબાદ ભારતે પણ આરોપો ફગાવી દઈને કડક પગલાં ઉઠાવ્યાં, જે મુદ્દો હાલ વિશ્વભરમાં ચર્ચામાં છે.