મીડિયા અને સોશિયલ મીડિયામાં ગુજરાતના એક ગામમાં દલિત દુકાનદાર સાથે જાતિગત ભેદભાવ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામમાં લોકોએ દલિત વ્યક્તિની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેવાની ના પાડી દીધી અને ત્યારબાદ કલેક્ટરે તેમના રેશનકાર્ડ બાજુના ગામની દુકાનમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ સમગ્ર મામલાને સવર્ણ વિરુદ્ધ દલિતનો એન્ગલ અપાય રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ વિશે ઘણી પોસ્ટ્સ જોવા મળી. X પર પોસ્ટ કરીને દિલીપ મંડલે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’નો એક લેખ શૅર કરીને લખ્યું કે, આ લોકો દલિત દુકાનદાર પાસેથી રાશન ન ખરીદી શકે તેઓ હિંદુ રાષ્ટ્ર શું બનાવશે? તેમનાથી એક હિંદુ ગામ પણ નહીં બની શકે.
ये बनाएंगे हिंदू राष्ट्र? ये?
— Dilip Mandal (@Profdilipmandal) September 22, 2023
दलित दुकानदार से राशन नहीं ख़रीद सकते।
ये बनाएँगे? इनसे एक हिंदू गाँव नहीं बन पाएगा। https://t.co/hSIrAuznp2
આ સિવાય પણ આવી ઘણી પોસ્ટ્સ જોવા મળી. કોંગ્રેસના SC સેલના પ્રમુખ અને અગાઉ પણ ફેક ન્યૂઝ ફેલાવીને વિવાદોમાં આવી ચૂકેલા હિતેન્દ્ર પીઠડીયાએ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટને ટાંકીને કટાક્ષ કર્યો અને લખ્યું કે, આ હિંદુ રાષ્ટ્ર છે, જે ધૃણા, હિંસા અને ભેદભાવનાં ગુજરાત મોડેલને અનુસરે છે. આગળ દાવો કર્યો કે, તમામ ગ્રામજનો હિંદુ છે અને તેમણે સસ્તા અનાજની દુકાન ચલાવતા દલિત દુકાનદારનો બહિષ્કાર કર્યો. ત્યારબાદ અન્ય ટિપ્પણીઓ કરીને પ્રશ્ન કર્યો કે, કલેક્ટરને આ આદેશ કરવાની સત્તા કોણે આપી અને કેમ તેઓ જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે?
This is Hindu Rashtra for you on the pattern of the Gujarat Model of hatred, violence, and discrimination.
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) September 21, 2023
The residents are all Hindus who have boycotted the Dalit Shopkeeper who runs the FPS of the village.
Overall Caste Hindus have a superiority complex, and they are… https://t.co/3nFDP49tpQ
બીજી તરફ, અમુક મીડિયા રિપોર્ટ્સ પણ જોવા મળ્યા જેમાં આ મુદ્દાને દલિત વિરૂદ્ધ સવર્ણનો એન્ગલ આપવામાં આવ્યો હોય. ‘તેલંગાણા ટૂડે’ના રિપોર્ટનું શીર્ષક છે- ‘મોદીના ગુજરાતમાં દલિત સામે જાતિવાદને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતા અધિકારીઓ.’ રિપોર્ટની શરૂઆત એક પ્રશ્ન સાથે કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું કે, ‘શું મોદીના ગુજરાતમાં સરકારી મશીનરી સવર્ણ દ્વારા થતા દલિત વ્યક્તિના આર્થિક બહિષ્કારને ખુલ્લેઆમ સમર્થન આપી રહી છે?’
આગળ રિપોર્ટમાં ‘અમદાવાદથી મળતા અહેવાલો’ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પાટણ જિલ્લા કલેક્ટરે સરસ્વતી તાલુકાના કાનોસણ ગામના 436 રાશનકાર્ડ ધારકોને નજીકના એંદલા ગામમાંથી રાશન ખરીદવા માટે સૂચન કર્યું છે, જેથી તેમણે ગામની દલિત વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ખરીદવું નહીં પડે. સાથે એમ પણ લખવામાં આવ્યું કે, મોટાભાગના રેશન કાર્ડ ધારકો ઠાકોર સમુદાયમાંથી આવે છે, તેમણે છેલ્લા 18 મહિનાથી દલિતની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજની ખરીદી કરવાનું બંધ કરી દીધું હતું. સાથે રિપોર્ટ્સને ટાંકીને જણાવવામાં આવ્યું કે, બે વર્ષ પહેલાં દુકાનદારે એક ઠાકોરને અનાજ આપવાની ના પાડ્યા વિવાદ શરૂ થયો હતો.
રિપોર્ટમાં દલિત વિરૂદ્ધ સવર્ણના નેરેટિવને આગળ વધારતાં એ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે કથિત રીતે મોદીના ગુજરાતમાં દલિતો વિરૂદ્ધ ‘અત્યાચાર’ વધી રહ્યા છે. સાથે એક RTIના જવાબનો હવાલો આપીને આ જ વાતને બળ આપવામાં આવ્યું. રિપોર્ટમાં ક્યાંય પણ ગામલોકોએ દુકાનદારનો બહિષ્કાર કેમ કર્યો તેનો ઉલ્લેખ નથી. (આર્કાઇવ લિંક)
ગુજરાતી મીડિયામાં પણ અમુક રિપોર્ટ્સ જોવા મળ્યા. ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટની શરૂઆત જ આમ થાય છે- ‘જ્ઞાતિ જાતિનો ભેદભાવ આજે ઘણા વિસ્તારોમાં જોવા મળતો હોવાના આક્ષેપ થાય છે. તાજેતરમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામનો કિસ્સો સામે આવ્યો છે.’ ત્યારબાદ જણાવવામાં આવ્યું કે ગામલોકો દલિતની સસ્તા અનાજની દુકાનમાંથી રાશન લેતા ન હતા અને હવે જિલ્લા કલેક્ટરે તેમના કાર્ડ બાજુના ગામની સસ્તા અનાજની દુકાનમાં ટ્રાન્સફર કરી દીધા છે. આ રિપોર્ટમાં પણ ગામમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાનું જણાવવામાં આવ્યું. ટીવી9 ગુજરાતીએ પણ ‘પાટણનું કાનોસણ ગામ વિવાદોમાં, જાતિનો ભેદભાવ’ હેડલાઈન સાથે રિપોર્ટ કર્યો.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટની હેડલાઈન ભ્રામક, રિપોર્ટ પોતે જ જણાવે છે કે ભેદભાવની વાત નથી
આ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રિપોર્ટ્સ આધારિત છે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ ઉપર, જે 21 સપ્ટેમ્બર, 2023ના રોજ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટની હેડલાઈન ભ્રામક છે, જેના કારણે દલિત વિરૂદ્ધ સવર્ણના નેરેટિવને બળ મળ્યું. હેડલાઈન કંઈક આ પ્રકારની છે- ગુજરાતમાં ગ્રામજનો દલિતની દુકાનેથી અનાજ ખરીદશે નહીં, કલેક્ટરે બાજુના ગામમાં તમામ કાર્ડ ટ્રાન્સફર કર્યા. (આર્કાઇવ લિંક) પરંતુ આ રિપોર્ટ જ જણાવે છે કે જાતિવાદ જેવું કશું જ નથી અને ગામલોકોએ તેમને પૂરતું અનાજ ન મળતું હોવાના કારણે અનાજ ખરીદવાનું બંધ કર્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કલેક્ટરના આદેશને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ગામલોકોએ આરોપ લગાવ્યો કે તેમને અનાજ સમય પર મળતું ન હતું અને કોરોનાના સમયમાં સરકારે જે અનાજનો જથ્થો નક્કી કર્યો હતો તે પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહ્યો ન હતો. જ્યારે તેઓ દુકાનદાર કાંતિને ફરિયાદ કરતા તો તે તેમને એસટી/એસસી એક્ટ હેઠળ કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપતો હતો. આખરે તેમણે સ્થાનિક તંત્રને ફરિયાદ કરી હતી.
આ જ રિપોર્ટમાં દુકાનદાર કાંતિ અને અમુક ગામલોકોનાં નિવેદનો પણ ટાંકવામાં આવ્યાં છે. જેમાં ગામલોકોએ કાંતિ ઉપર ખોટા કેસ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, એ જ કારણ છે કે તેઓ અનાજ લેવા માટે નથી જતા. બીજી તરફ, કાંતિએ આ આરોપો ફગાવી દીધા. ગામના સરપંચે પણ કહ્યું કે, “સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતું અનાજ ન મળતું હોવાની અને દુકાનદાર તેમને ફસાવી દેવા માટેની ધમકી આપતો હોવાની ફરિયાદો ગામલોકો તરફથી મળ્યા બાદ અમે રેશનકાર્ડ બાજુના ગામમાં ટ્રાન્સફર કરી આપવાની માંગ જિલ્લા તંત્ર સમક્ષ કરી હતી.”
વિવાદનો ઉકેલ લાવવા માટે જિલ્લા તંત્રએ ગામના કુલ 268 રાશનકાર્ડ ધારકોનાં નિવેદના નોંધ્યાં હતાં, જેમાંથી 260 લોકોએ બાજુના ગામમાંથી રાશન ખરીદવા માટે મંજૂરી આપવાની માંગ કરી હતી. માર્ચ મહિનામાં સરસ્વતી ગામના મામલતદારે ગામલોકો સાથે એક બેઠક પણ કરી હતી અને તેમાં પણ આ જ પ્રકારની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે આદેશ જારી કરીને ગામના 436 રાશનકાર્ડધારકોને બાજુના એંદલા ગામમાંથી રાશન ખરીદવા માટે મંજૂરી આપી હતી.
2 વર્ષથી ચાલી રહ્યો હતો વિવાદ, એસસી/એસટી એક્ટ હેઠળ કેસ કરવાની ધમકીથી ગભરાઇને ગ્રામજનોએ અનાજ ખરીદવાનું બંધ કર્યું હતું
દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ જણાવે છે કે, રેશનકાર્ડ ધારકો અને દુકાનદાર વચ્ચેનો આ વિવાદ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે. આ જ વિવાદમાં સામસામે પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે. આ વિવાદ નિયમ મુજબ મળતા અનાજના જથ્થાની ફાળવણી મામલે શરૂ થયો હતો. આ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે ગ્રાહકો પૂરતા અનાજને લઈને અવાજ ઉઠાવતા તો દુકાનદાર તેમને એસટી/એસસી એક્ટ હેઠળ કેસ કરીને ફસાવવાની ધમકી આપતો હતો. જેના કારણે ગ્રાહકોએ નજીકના ગામોમાંથી અનાજ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. આખરે આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ વિવાદ વધુ ન વકરે અને ગામમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટરે રેશનકાર્ડ ધારકોને બાજુના ગામમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
ગુજરાત સરકારે પણ કરી સ્પષ્ટતા: કાર્યવાહી જાતિગત ભેદભાવોના કારણે નહીં, ગ્રામજનોની ફરિયાદના કારણે કરવામાં આવી
રિપોર્ટને લઈને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, કાનોસણ ગામના રેશનકાર્ડ ધારકોના કાર્ડ ટ્રાન્સફર કરવાનો નિર્ણય કોઇ જાતિગત ભેદભાવનું પરિણામ નથી પરંતુ દુકાનદાર વિરુદ્ધ ગામલોકોની ફરિયાદ મળ્યા બાદ તેની તપાસ કરીને ખરાઈ કર્યા બાદ આરોપોમાં તથ્ય જણાતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટને લઈને નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 21 ઑગસ્ટ, 2021ના રોજ ગામલોકોએ ફરિયાદ નોંધાવી હતી અને દુકાનદાર પૂરતું અનાજ ન આપતો હોવાની અને ગેરવર્તણૂક કરતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરસ્વતી તાલુકાના મામલતદાર દ્વારા મામલાની તપાસ કરવામાં આવતાં આ ફરિયાદોમાં તથ્ય જણાયું હતું. બીજી તરફ, દુકાનદારના વ્યવહારથી ત્રાસીને રેશનકાર્ડ ધારકોએ અન્ય જગ્યાએથી અનાજ ખરીદવા માંડ્યું હતું.
આગળ જણાવવામાં આવ્યું કે, વ્યાપક તપાસ બાદ દુકાનના સ્ટોકમાં અસમાનતા અને વિસંગતિ જોવા મળી, જેના પરિણામસ્વરૂપ 51,397 રૂપિયાની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી અને ગ્રાહકોની ચિંતા દૂર કરવા માટે રેશનકાર્ડ ધારકોને બાજુના એંદલા ગામમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
દુકાનદાર વિરુદ્ધ કોઇ પણ પ્રકારના ભેદભાવોના આરોપોને નકારતાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી કોઇ પણ પ્રકારના ભેદભાવનાં પરિણામસ્વરૂપ નહીં પરંતુ દુકાનદાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં કરવામાં આવી હતી. સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદતા કાર્ડધારકોને બાજુના ગામમાં સ્થાનાંતરિત કરવાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે તેમને સમય પર પૂરતા પ્રમાણમાં અનાજ મળે અને તપાસ દરમિયાન જે ખામીઓ ધ્યાને આવી હતી તેને દૂર કરી શકાય.
આ મામલે વધુ જાણકારીઓ મેળવવા માટે ઑપઇન્ડિયાએ પાટણના ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસરનો સંપર્ક કરવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.