ખાલિસ્તાન સમર્થક પંજાબી ગાયક શુભનીત સિંઘને હવે ડહાપણ આવ્યું છે. પોતાની અમુક પોસ્ટ્સના કારણે ભારે વિરોધ થયા બાદ તેની ‘ઇન્ડિયા ટૂર’ રદ થઈ ગઈ હતી. જેને લઈને ઈન્સ્ટાગ્રામ પર તેણે એક પોસ્ટ કરી અને લખ્યું કે ટૂર રદ થઈ જવાના કારણે તે અત્યંત નિરાશ છે. સાથે તેણે ભારત, પંજાબ અને શીખ સમુદાયને વચ્ચે લાવી વિક્ટિમ કાર્ડ રમવાના પ્રયાસો પણ કર્યા.
ઇન્સ્ટાગ્રામ પર શુભનિત સિંઘે લખ્યું કે, તે છેલ્લા બે મહિનાથી આ ઇન્ડિયા ટૂરને લઈને પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને ભારતમાં પરફોર્મ કરવા માટે ખૂબ ઉત્સાહિત પણ હતો. આગળ કહ્યું કે, પંજાબથી આવતા એક યુવા રેપર તરીકે તેનું સપનું છે કે પોતાના મ્યુઝિકને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરે, પરંતુ તાજેતરના ઘટનાક્રમથી તેની ‘મહેનત’ અને ‘પ્રગતિ’ને અસર પહોંચી છે, જેથી તે થોડી વાતો કહેવા માંગે છે.
પોસ્ટમાં ભારતને પોતાનો દેશ ગણાવતાં કહે છે કે, તે તેના પૂર્વજો અને ગુરૂઓની ભૂમિ છે, જેમણે જ્યારે દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપવાની વાત આવી ત્યારે બિલકુલ પીછેહઠ કરી ન હતી. તેણે કહ્યું, ‘પંજાબ મારો આત્મા છે, પંજાબ મારા લોહીમાં છે. આજે હું જે કાંઈ છું તે પંજાબી હોવાના કારણે છું. આગળ કહ્યું કે, ‘પંજાબીઓએ દેશભક્તિના પુરાવા રજૂ કરવાની જરૂર નથી, તેમણે આ દેશની ધરતીની સ્વતંત્રતા માટે જીવન બલિદાન કર્યાં છે. જેથી સૌને વિનંતી છે કે એક પંજાબીને દેશવિરોધી અને અલગાવવાદીનું નામ ન આપો.’
પોતાની અગાઉની વિવાદાસ્પદ પોસ્ટને લઈને તેણે કહ્યું કે, પંજાબના ઇલેક્ટ્રિસિટી શટડાઉનના સમાચાર આવી રહ્યા હતા જેથી તેણે રાજ્યની સલામતી માટે પ્રાર્થના કરવા માટે પોસ્ટ કરી હતી અને તેનો આશય કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો.
અહીં ઉલ્લેખનીય છે કે ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ‘બુક માય શૉ’ દ્વારા બુધવારે (20 સ્પ્ટેમ્બર, 2023) શુભનિત સિંઘની ઇન્ડિયા ટૂર રદ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. સાથે જેમણે પણ ટિકિટ ખરીદી હતી તેમને સંપૂર્ણ રિફન્ડ આપવાની પણ વાત કહેવામાં આવી હતી. વાસ્તવમાં ‘બુક માય શૉ’એ ખાલિસ્તાન સમર્થક સિંગર શુભની ટૂર સ્પોન્સર કરવા માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી.
શુભનિત સિંઘે ગત 23 માર્ચના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક સ્ટોરી શૅર કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું- ‘Pray for Punjab.’ (પંજાબ માટે પ્રાર્થના કરો) આ સ્ટોરીમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, પંજાબ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો ગાયબ હતાં. આ પોસ્ટથી સ્પષ્ટપણે ખાલિસ્તાન નેરેટીવને બળ મળ્યું હતું અને સીધી રીતે ભારતના સાર્વભૌમત્વ પર પણ આંગળી ચીંધવામાં આવી હતી. આ તે સમય હતો જ્યારે પંજાબ પોલીસ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંઘને શોધી રહી હતી.
એ પણ ઉલ્લેખનીય છે કે ગત 19 સપ્ટેમ્બરના રોજ ભારતની વધુ એક બ્રાન્ડ boAt દ્વારા શુભનીત સિંઘની ઇન્ડિયા ટૂરની સ્પોન્સરશિપ પરત લેવાની ઘોષણા કરવામાં આવી હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર પણ શુભને ખાલિસ્તાની ગણાવીને તેનો ખાસ્સો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે ટૂર રદ થઈ ગયા બાદ તે વિક્ટિમ કાર્ડ રમતો જોવા મળી રહ્યો છે.