ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરી, 2024 ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યુએસ પ્રમુખ જો બાઈડનને આમંત્રણ આપ્યું છે. હાલમાં જ નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન જો બાઈડનને આ આમંત્રણ આપવામાં આવ્યું છે.
વર્ષ 2024માં ભારત બંધારણના અમલીકરણના 74 વર્ષ પૂર્ણ કરશે અને તે સંપૂર્ણ લોકશાહીના 75માં વર્ષમાં પ્રવેશ કરશે. અગાઉ એવી અટકળો હતી કે ભારત 2024માં 26 જાન્યુઆરીએ QUAD ના નેતાઓને બોલાવશે. ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ જો બાઈડનને આમંત્રણની પુષ્ટિ કરી છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડનને વડાપ્રધાન મોદી દ્વારા ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જાણકારી ન્યૂઝ વેબસાઈટ ANI દ્વારા આપવામાં આવી છે.
US President Joe Biden has been invited to the January 26-Republic Day celebrations by PM Modi, during the bilateral meeting on the sidelines of the G20 summit, says US Ambassador Eric Garcetti. pic.twitter.com/FfrjWrnbd1
— ANI (@ANI) September 20, 2023
QUADના સભ્ય તરીકે આવશે અમેરિકા
QUAD એ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું જૂથ છે. રાજદ્વારી રીતે આ જૂથ ચીનના વધતા પ્રભાવને રોકવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતમાં QUAD નેતાઓને એકત્ર કરીને તેની એકતા દર્શાવશે અને તે જ સમયે આ તમામ દેશો વિશ્વમાં લોકશાહીની તાકાતનો સંદેશ આપશે.
જો બાઈડન આ આમંત્રણનો સ્વીકાર કરશે તો 6 મહિનામાં આ તેમની બીજી ભારત મુલાકાત હશે. અગાઉ 2015માં વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગણતંત્ર દિવસના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભારત-અમેરિકા સંબંધોમાં આ એક મોટી ક્ષણ હતી.
આ પછી વર્ષ 2018માં પણ 26 જાન્યુઆરીએ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાર્યક્રમો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ ભારત આવી શક્યા ન હતા. તેમની જગ્યાએ આસિયાન દેશોના નેતાઓને ગણતંત્ર દિવસના કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 માં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી ભારતના મુખ્ય અતિથિ બન્યા. વિદેશ મંત્રાલયે હજુ સુધી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ભારતમાં આમંત્રણ આપવા અંગે કોઈ સત્તાવાર માહિતી જારી કરી નથી.
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તાજેતરના સમયમાં ખૂબ જ મજબૂત બન્યા છે. વડાપ્રધાન મોદી જૂન મહિનામાં સત્તાવાર મુલાકાતે અમેરિકા ગયા હતા અને ત્યાર બાદ જો બાઈડન જી-20 માટે ભારત ગયા હતા. આ બંને મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.