Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત પબ્લિક યુનિવર્સીટી બિલ 2023 વિધાનસભામાંથી પાસ: વિશ્વવિદ્યાલયોના વહીવટમાં શું ફેરફારો આવશે?...

    ગુજરાત પબ્લિક યુનિવર્સીટી બિલ 2023 વિધાનસભામાંથી પાસ: વિશ્વવિદ્યાલયોના વહીવટમાં શું ફેરફારો આવશે? જાણીએ

    આ બિલ અંતર્ગત આવરવામાં આવેલી યુનિવર્સિટીઓમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. તેઓ એક્ઝીક્યુટીવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે (16 સપ્ટેમ્બર 2023) ગુજરાત પબ્લિક યુનિવર્સીટી બિલ 2023 બહુમતી સાથે પાસ કરવામાં આવ્યું. વિધાનસભામાં આ બિલ સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેની ઉપર ચર્ચા કર્યા બાદ બહુમતી સાથે પસાર કરી દેવામાં આવ્યું. આ એક્ટ અંતર્ગત 11 યુનિવર્સીટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    સરકારે જણાવ્યું કે, ગુજરાત પબ્લિક યુનિવર્સીટી બિલ 2023 પસાર થયા બાદ તેમાં આવરવામાં આવેલી યુનિવર્સિટીઓના સંચાલન અને કાર્યશ્રેણીમાં નોંધપાત્ર સુધારો આવશે. આ એક્ટ લાગુ થયા બાદ યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ તેમજ એકેડેમિક કાઉન્સિલની ભૂમિકા મહત્વની રહેશે. બિલ લાગુ કરવામાં આવ્યા બાદ આવરવામાં આવેલી યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે અને એક ટર્મ પૂર્ણ થયા બાદ તેઓ ફરી અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી કાર્ય કરી શકશે.

    શું છે બિલની જોગવાઈ અને શું થશે ફેરફાર?

    ઉલ્લેખનીય છે કે આ બિલ અંતર્ગત આવરવામાં આવેલી યુનિવર્સિટીઓમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. તેઓ એક્ઝીક્યુટીવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. આ સિવાય એકેડેમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં આ એક્ટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોલેજના અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં 33% મહિલા સભ્યોની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટના સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત કરવામાં આવશે. યુનિવર્સીટીઓ પોતાની રીતે નવા અભ્યાસક્રમો, સંસાધન અને સંશોધનને વેગ આપી શકશે. આ સાથે જ આ બિલ પસાર થવાથી જૂની અપ્રાસંગિક કલમો કાયદાકીય જોગવાઈઓનો અંત આવશે તેમજ તમામ યુનિવર્સિટીઓ માટે એક જ કાયદો લાવવાથી વહીવટી સરળતામાં વધારો થશે.

    આ ઉપરાંત બિલ લાગુ થયા બાદ યુનિવર્સિટીઓ પોતાના સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ તેમજ નવા કોર્સિસ શરૂ કરવા માટે સ્વાયત રહેશે. આ બિલમાં સમાવેશ કરવામાં આવેલી યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે તેમજ ઓનલાઈન કોર્સિસ પણ તૈયાર કરી શકશે.

    કઈ કઈ યુનિવર્સીટીઓનો કરવામાં આવ્યો સમાવેશ?

    ચોમાસુ સત્રમાં દાખલ કરવામાં આવેલા આ બિલની જોગવાઈઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી, આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી પર લાગુ કરવામાં આવશે.

    હાલની વ્યવસ્થા મુજબ જ કુલ 11માંથી યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે ગુજરાતના રાજ્યપાલ હશે. જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાનાં ચાન્સેલર અને બોર્ડ ઑફ મેનેજમેન્ટનાં ચેરપર્સન તરીકે રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ કાર્યરત રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં