ખેડાના ઠાસરામાં શ્રાવણના અંતિમ સોમવારે યોજાયેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં ત્રણ FIR દાખલ કરીને 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ જે મદરેસામાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, તેની પણ પોલીસે તપાસ કરી હતી. જ્યાં મદરેસાની છત પરથી મોટી સંખ્યામાં પથ્થરો મળી આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠાસરામાં જે મદરેસાની છત પરથી હિંદુઓની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં તપાસ કરતાં પોલીસને મોટા પ્રમાણમાં પથ્થરો મળી આવ્યા છે. શનિવારે (16 સપ્ટેમ્બર, 2023) સવારે પોલીસની ટીમ પંચનામું કરવા માટે પહોંચી હતી, ત્યારે આ પથ્થરો મળી આવ્યા હતા.
#Kheda stone pelting: Huge quantity of stones recovered from the terrace of Madressa #Gujarat #TV9News pic.twitter.com/l5jcmqmNNd
— Tv9 Gujarati (@tv9gujarati) September 16, 2023
સામે આવેલા વીડિયોમાં મદરેસાના ધાબા પર મોટા પ્રમાણમાં પથ્થરો જોવા મળે છે. જાણવા મળ્યું છે કે, આ સ્થળ રેલવે ટ્રેકથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે. જેથી ત્યાંથી અહીં લાવવામાં આવ્યા હોવાની આશંકા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં મદરેસા પર પથ્થરો આવ્યા હતા ક્યાંથી? બીજી તરફ, આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની પણ પૂરેપૂરી શંકા છે. એ પણ ઉલ્લેખનીય છે કે ક્યાંક આ મઝહબી સ્થળ મસ્જિદ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.
11 આરોપીઓની ધરપકડ
બીજી પથ્થરમારાને અંજામ આપનાર કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમની ઓળખ સૈયદ નિયાઝઅલી મહેબુબઅલી, પઠાણ ઈમરાનખાન અલીખાન, સૈયદ ઈર્શાદઅલી કમરઅલી, સૈયદ શકીલ અહેમદ આસીફઅલી, મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં, સૈયદ મહંમદઅમીન મનસુરઅલી, સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી, તોહીદ પઠાણ, શોબીન પઠાણ, કાસીમ પઠાણ અને માનો તરીકે થઈ છે.
આ મામલે ઠાસરા પોલીસે કુલ 3 FIR દાખલ કરી છે. જેમાંથી એક હિંદુ પક્ષેથી, બીજી પોલીસ તરફથી અને ત્રીજી મુસ્લિમ સમુદાય તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી. હિંદુ વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યાત્રા મદરેસા પાસે પહોંચી ત્યારે 50 મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને ડીજે બંધ કરવાનું કહીને માથાકૂટ કરી હતી. તેઓ પરત ફર્યા ત્યારબાદ મદરેસા અને આસપાસની છતો પરથી પથ્થરો યાત્રા તરફ આવવા માંડ્યા હતા. સાથે ‘હિંદુઓને મારો, શોભાયાત્રા બંધ કરાવો, જીવતા જવા ન જોઈએ’ની બૂમો સંભળાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
FIRની સંપૂર્ણ વિગતો અહીંથી વાંચી શકાશે.