જાણીતા પત્રકાર અને ‘આજતક’ના સલાહકાર સંપાદક સુધીર ચૌધરી સામે કર્ણાટકની કોંગ્રેસ સરકારે FIR દાખલ કરી છે. જે રદ કરવાની માંગણી સાથે તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે મામલે શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે હાલ પૂરતી તેમની સામે કોઇ કાર્યવાહી ન કરવા માટે પોલીસને કહ્યું છે.
કર્ણાટક હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે કહ્યું કે તેઓ આગામી બુધવારે (20 સપ્ટેમ્બર, 2023) આ અરજીને લઈને નિર્ણય કરશે. ત્યાં સુધી તેમણે સુધીર ચૌધરી સામે કોઇ પણ કાર્યવાહી કરવાની ના પાડી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કેસને લગતી તમામ માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે જ, જેથી તેમની અટકાયત કરીને પૂછપરછ કરવાની પણ કોઇ જરૂર નથી.
વાસ્તવમાં સુધીર ચૌધરીએ ગત 12 સ્પ્ટેમ્બરના રોજ કર્ણાટક રાજ્ય સરકારની એક યોજના ‘સ્વાવલંબી સારથી યોજના’ વિશે ‘આજતક’ પર એક શૉ કર્યો હતો. જેમાં તેમણે આ યોજના વિશે જણાવ્યું અને કહ્યું કે કઈ રીતે તે માત્ર લઘુમતીઓ માટે જ અમલમાં છે અને હિંદુઓ માટે નથી. આ શૉનો વિડિયો બહાર આવ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ ટ્વિટ કરીને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી હતી.
ત્યારબાદ આ મામલે કર્ણાટક સ્ટેટ માઇનોરીટિઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે IPCની કલમ 153A અને 505 હેઠળ સુધીર ચૌધરી સામે FIR દાખલ કરી હતી. જેની સામે સુધીર કર્ણાટક હાઇકોર્ટ પહોંચ્યા હતા.
તેમણે અરજીમાં કહ્યું કે, લોકશાહીમાં મીડિયા અને પ્રેસને સત્તાને પ્રશ્ન કરવાનો અધિકાર મળ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, શૉનો ઉદ્દેશ્ય કોઈ પણ રીતે કોઈ સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારવાનો ન હતો. જેથી આ FIR રદ કરવા માટેનાં પૂરતાં કારણો છે. જોકે, કર્ણાટક હાઇકોર્ટે અલગ મત વ્યક્ત કરીને કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ કેસ તપાસયોગ્ય છે. પરંતુ તેમના રિપોર્ટિંગના કારણે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જાયું કે નહીં તે બાબત સંશોધનનો વિષય છે અને તપાસમાં જ સામે આવી શકશે.
ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાએ કર્ણાટકની આ યોજનાને લઈને ચાલતા વિવાદને લઈને એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં ડેટા અને તથ્યોના આધારે જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે સુધીર ચૌધરી કે અન્ય મીડિયા સંસ્થાઓએ કોઇ ખોટી માહિતી પ્રસારિત કરી ન હતી.