અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ વખતે કરવામાં આવેલા ખોદકામ વખતે કેટલાક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, જેને સામાન્ય લોકોને નિહાળવા માટે મુકવામાં આવશે. આ અવશેષોને ‘શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં મહાસચિવ ચંપત રાયે X (પહેલાનું ટ્વીટર) પર પણ શેર કર્યા છે. આ બધા વચ્ચે દક્ષિણ કોરિયા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતમાં દક્ષિણ કોરિયાના રાજદૂતે કહ્યું છે કે ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર જો તેમને રામ મંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રણ મોકલશે, તો તેમના દેશ તરફથી આ કાર્યક્રમમાં જોરદાર ભાગીદારી કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના રાજદૂતે આપેલા નિવેદનમાં તેમણે અયોધ્યાને ભારત અને દક્ષિણ કોરિયાના સંબંધ માટે ખુબ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
રામ મંદિર નિર્માણના સમયે મળ્યા પ્રાચીન અવશેષો
‘શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ના મહાસચિવ ચંપત રાયે જે ફોટા શેર કર્યા છે, તેમાં નકશીકામ કરવામાં આવેલા પથ્થર અને મંદિરના અવશેષો નજરે પડી રહ્યા છે. આ ફોટામાં કેટલીક પથ્થરની મૂર્તિઓ પણ જોવા મળી રહી છે. ચંપત રાયે X પર લખ્યું હતું કે, “શ્રીરામ જન્મભૂમી પર ખોદકામ વખતે મળ્યા પ્રાચીન અવશેષ. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભનો સમાવેશ થાય છે.”
श्री रामजन्मभूमि पर खुदाई में मिले प्राचीन मंदिर के अवशेष। इसमें अनेकों मूर्तियाँ और स्तंभ शामिल हैं। pic.twitter.com/eCBPOtqE1W
— Champat Rai (@ChampatRaiVHP) September 12, 2023
દક્ષિણ કોરિયા રાહ જોઈ રહ્યું છે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની
ઉલ્લેખનીય છે માત્ર ભારત જ નહીં પરંતુ દક્ષિણ કોરિયા પણ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. રામલલાના મંદિરના ઉદ્ઘાટનને લઈને દક્ષિણ કોરિયાના રાજદૂત ચાંગ જે-બોકે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, જો સરકાર તેમને આમંત્રણ પાઠવશે તો દક્ષિણ કોરિયા તરફથી ઉજવણીમાં કોઈ કસર બાકી નહીં રાખવામાં આવે.
VIDEO | "Ayodhya is very important for both of us (India and South Korea) historically. The central government or UP government should elaborate the programme (of Ram Temple inauguration). We will work on that (attending the Ram temple inauguration) if the government of India… pic.twitter.com/C3MPdBmYwP
— Press Trust of India (@PTI_News) September 13, 2023
PTI દ્વારા જાહેર વિડીયોમાં દક્ષિણ કોરિયાના રાજદૂત ચાંગ જે-બોકે કહ્યું, “અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ખુબ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર કે પછી ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિર ઉદ્ઘાટન વિશે વિસ્તૃત માહિતી આપવી જોઈએ. જો ભારત સરકાર આધિકારિક આમંત્રણ આપશે તો ચોક્કસપણે દક્ષિણ કોરિયા કાર્યક્રમમાં ભાગ લેવા કામ કરશે.”
રાજદૂત ચાંગ જે-બોકે કહ્યું કે અયોધ્યા ઐતિહાસિક અને સંસ્કૃતિક રૂપે દક્ષિણ કોરિયા માટે મહત્વપૂર્ણ છે. કોરિયાઈ દંતકથાઓ અનુસાર અયોધ્યા રાજ્યની એક ભારતીય રાજકુમારી પોતાના રાજકુમાર સાથે લગ્ન કરવા માટે કોરિયા ગયા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કોરિયામાં અયોધ્યાને ‘અયુધા’ કહેવામાં આવે છે અને અમારો તેની સાથેનો સંબંધ 2000 વર્ષથી પણ વધુ જૂનો છે. તેમણે કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ મળવા પર દક્ષિણ કોરિયા પોતાના તરફથી તેના માટે મોટી તૈયારીઓ સાથે ભાગ લેશે.
વર્ષ 2018માં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના પત્ની આવ્યા હતા અયોધ્યા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગ-સૂકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ઉત્તર પ્રદેશના અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. તેઓ તે વર્ષે 6 નવેમ્બરે આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથી હતા અને તેમણે અયોધ્યામાં રાણી સૂરીરત્ન (હુહ હ્વાંગ-ઓકે)ના નવા સ્મારકના ભૂમિ પૂજન સમારોહનું નેતૃત્વ કર્યું હતું. નોંધનીય છે કે આ એજ રાણી સૂરીરત્ના છે, જેમના વિવાહ કોરિયાના રાજા સાથે થયા હતા. રાજા સાથે વિવાહ બાદ તેમને રાણી હુહ હ્વાંગ-ઓકેના નામથી ઓળખવામાં આવતા હતા.
જાન્યુઆરી 2024માં વડાપ્રધાન મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે ધર્મ નગરી અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ પુરજોશથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ જોરશોરથી થઇ રહી છે. શ્રીરામ જન્મભૂમી તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શામેલ થવા પ્રધાનમંત્રીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી લાખો મહેમાનો આવે તેવી સંભાવનાઓ છે.
બાળ રૂપે વિરાજમાન થશે રામલલા
અયોધ્યામાં ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં બાળ સ્વરૂપે વિરાજમાન થશે, રામ મંદિરનો મુખ્ય દ્વાર આરસનો છે. તેના દરવાજા મહારાષ્ટ્રથી આવેલા લાકડાના બનેલા છે, જેના પર અયોધ્યામાં જ નકશીકામ કરવામાં આવી રહ્યું છે. જુલાઈમાં ચંપત રાયે જણાવ્યું હતું કે રામ મંદિરનું અંતિમ તબક્કાનું કામ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જવાની સંભાવના છે.
સાથે જ તેમણે કહ્યું હતું કે અનુમાન મુજબ મંદિર નિર્માણમાં 21 લાખ ગ્રેનાઈટ, ઘનપુટ, સેન્ડ સ્ટોન અને માર્બલનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે રામ મંદિરના દરેક ભાગને એટલો મજબુત બનાવવામાં આવી રહ્યો છે કે તેને લગભગ 1 હાજર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે.