આજે 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું છે. એ ઉપરાંત તેમણે NeVA એપ્લિકેશનનું પણ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ તેમણે વિધાનસભામાં પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું હતું. CM ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવાની શુભેચ્છાઓ આપી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત અને ગુજરાતના મહાનુભાવોની પ્રશંસા પણ કરી હતી. આ કાર્યક્રમના ઉપક્રમમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસ પર લૉન્ચ થવા જઈ રહેલા આયુષ્યમાન ભવ કાર્યક્રમનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યા બાદ પોતાના વ્યક્તવ્યની શરૂઆત કરી હતી. ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ અને ગુજરાતની પ્રગતિને યાદ કરીને તેમણે CM ભૂપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવી હતી. ઈ-વિધાનસભાના નિર્ણયથી ગુજરાતમાં પ્રગતિ અને વિકાસથી લોકોને કઈ રીતે લાભ થશે તેના વિશે પણ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના દુનિયભરમાં ભારતને ખ્યાતિ અપાવનારા મહાનુભાવો સહિત રાજ્યના શિક્ષણ, સ્વાસ્થ્ય, સૌર-ઉર્જા સહિતના મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન બાદ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનું ભવિષ્ય ઉજવળ છે, સૌથી વિશેષ વાત એ છે કે, હંમેશા ગુજરાતે ભારત અને ભારતવાસીઓના ભવિષ્યની સાથે પોતાના ભવિષ્યને જોયું છે. તેમણે ગુજરાતના કવિ ઉમાશંકર જોશીની ‘હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારુ ઉલ્લાસી..’ પંક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ કવિતા ગુજરાતની આત્માનો પોકાર છે.
આ સિવાય તેમણે ગુજરાતના ઈ-વિધાનસભાના વિચારને મહત્વનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતની ઈ-વિધાનસભાથી દેશભરમાં એક દાખલો બેસશે. આ ઉપરાંત ગુજરાતની ધરતી પરથી ગુજરાતના સપૂતોએ વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું હોવાની વાત કરીને તેમણે મોહનદાસ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શું છે NeVA એપ્લિકેશન?
NeVA એપ્લિકેશન એક વર્ક-ફ્લો સિસ્ટમ છે. તે ગૃહના અધ્યક્ષને ગૃહની કાર્યવાહીને સરળ રીતે ચલાવવામાં અને ગૃહના કાયદાકીય કામોને પેપરલેસ પ્રક્રિયાથી ચલાવવામાં મદદ કરે છે. NeVA એ એક ઉપકરણ તટસ્થ અને સભ્ય-કેન્દ્રિત એપ્લિકેશન છે.
આ એપ્લિકેશન સભ્યોને સંપર્ક વિગતો, પ્રક્રિયાના નિયમો, વ્યવસાયની સૂચી, સૂચનાઓ, બુલેટિન, બિલ, તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોની સંપૂર્ણ માહિતી દાખલ કરીને ગૃહને ડિજિટલી સંચાલિત કરવામાં મદદરૂપ થશે.