‘પાકિસ્તાન ઝિંદાબાદ..’ લખેલી આપત્તિજનક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મહારાષ્ટ્રના સતારામાં હિંસા ભભૂકી ઉઠી છે. હિંસાને લઈને અનેક જગ્યાઓ પર આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ પણ ઘટી. આ દરમિયાન એક હિંદુ મંદિર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટનાની ગંભીરતાને લઈને પ્રસાશને સતારાને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. સાથે જ હાલ શહેરમાં ઈન્ટરનેટ સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના સતારામાં ગત 15મી ઓગસ્ટથી સતત ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવાં પોસ્ટરો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવી રહ્યાં હતાં. ત્યારથી જ ત્યાં વાતાવરણ તંગ હતું. તેવામાં રવિવારે (10 સપ્ટેમ્બર 2023) તણાવ વધી ગયો. અનેક જગ્યાઓ પર આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવવા લાગી. લોકોનાં ટોળાં પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જોકે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને ટોળાંને વિખેરી દીધાં હતાં.
કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે એક મંદિર પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે બાદ આ હિંસા વધુ વકરી હતી. પરિસ્થિતિ પામી જતાં પ્રશાસને સતારાને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. કેટલીક જગ્યાએ પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હોવાના અહેવાલો છે. હાલ આખા શહેરમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રના સતારામાં હિંસા દરમિયાન એક વ્યક્તિના મૃત્યુના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે 100થી વધુ લોકો વિરુદ્ધ ધારા 295 અને 34 અંતર્ગત ગુનો નોંધી FIR પણ કરી છે. હાલ હિંસાવાળા સ્થળ પર પોલીસે કર્ફ્યુ જાહેર કરી દીધો છે. હાલ સતારામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે, સાથે જ પ્રસાશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ મોટાભાગના વિસ્તારને SRP દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ મહારાષ્ટ્ર પ્રસાશન અને પોલીસ ખાતું પરિસ્થિતિ પર નજર રાખી કાર્યવાહી કરી રહ્યું છે. તાજા અહેવાલો અનુસાર, આ મામલે કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ શાંતિ છે.