ઉત્તરપ્રદેશમાં એક ખેતરમાં ઘૂસીને ગૌહત્યા કરવાનોનો મામલો સામે આવ્યો છે. જે મામલે પોલીસે આરોપી શીખ યુવકની બુધવારના (22 જૂન 2022) રોજ ધરપકડ કરી હતી. તેની ઓળખ મનપ્રીત સિંહ ઉર્ફે મન્ના તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ ભાલા વડે ગાયની હત્યા કરી નાંખવાનો આરોપ લાગ્યો છે.
આ ઘટના ઉત્તરપ્રદેશમાં સ્થિત પીલીભીતના ચક્ષશિવપુરી ગામની છે. દિયોરિયા કલા પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા બાબુરામે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, “ગામના ધર્મપાલ નામના વ્યક્તિનું ખેતર ગામના જ સરદાર જોગિન્દર સિંહ ઉર્ફ બિટ્ટુને ખેતી કરવા માટે ગણોતે આપવામાં આવ્યું છે. આ ખેતરમાં શેરડી રોપવામાં આવી છે. 20 જૂનના રોજ એક કાળા રંગની ગાય ઘાસ ચરતી-ચરતી ધર્મપાલના ખેતરમાં ચાલી ગઈ હતી. ત્યારે જ જોગિન્દર સિંહના પુત્ર મનપ્રીત સિંહે પેટમાં ભાલો મારીને ગૌહત્યા કરી નાંખી હતી.
ફરિયાદ મુજબ ભાલા વડે ઘા મારવાના કારણે ગાયનું આંતરડું પણ બહાર આવી ગયું હતું. જે બાદ ગાય ગામના પશ્ચિમ બાગમાંથી ગાય મૃત હાલતમાં મળી આવી હતી. ચોકીદાર બાબુરામની ફરિયાદ પર પોલીસે મનપ્રીત વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કાઉ સ્લોટર એક્ટ, ઉત્તર પ્રદેશની કલમ 3/8 અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 11 હેઠળ FIR દાખલ કરી છે. આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.
ભૂતકાળમાં રાજસ્થાનમાંથી પણ આવી પ્રાણી ક્રૂરતા સામે આવી હતી. જયપુરમાં એક ખેડૂતે એર ગન વડે એક શ્વાન પર 22 ગોળીઓ ચલાવી હતી જે બાદ તેનું મોત થયું. કૂતરાના વારંવાર ખેતરમાં ઘૂસવાથી તે ગુસ્સે ભરાયો હતો. જે બાદ તુંગા પોલીસ સ્ટેશનમાં ખેડૂત વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, ખેડૂતે પોતાની એર ગન વડે શ્વાન પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે શ્વાનના શરીરમાં 22 છરા ઘૂસી ગયા હતા. તે ખેતરમાં લગભગ 2 કલાક સુધી દર્દથી પીડાતો રહ્યો, પરંતુ ખેડૂતને દયા આવી ન હતી. પછી ત્યાંથી જતી વખતે એક માણસની નજર કૂતરા પર પડતાં તે તેને નજીકની એક ગૌશાળામાં લઇ ગયો હતો, જ્યાં તેની ગંભીર સ્થિતિ જોતાં ડોકટરોએ તેને પાંચ બત્તી સ્થિત એનિમલ હોસ્પિટલ રિફર કર્યો હતો. જોકે, સારવાર દરમિયાન લગભગ બે કલાક બાદ તે મૃત્યુ પામ્યો હતો.