Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘જવાન’ના પ્રમોશન દ્વારા સરકારને ઘેરવામાં લાગ્યા હતા વિપક્ષો, શાહરૂખ ખાને PM મોદીની...

    ‘જવાન’ના પ્રમોશન દ્વારા સરકારને ઘેરવામાં લાગ્યા હતા વિપક્ષો, શાહરૂખ ખાને PM મોદીની પ્રશંસા કરીને ‘ઉત્સાહ’ પર પાણી ફેરવી મૂક્યું, કહ્યું- તમારા નેતૃત્વમાં આગળ વધશે દેશ

    શાહરૂખે લખ્યું કે, આ સંમેલનથી દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી અનુભવાય રહી છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત એક થઈને સમૃદ્ધિના પથ પર આગળ વધશે.

    - Advertisement -

    શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘જવાન’ રીલિઝ થઈ ત્યારથી જ કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનની પાર્ટીઓ તેના સહારે મોદી સરકારને ઘેરવામાં લાગી પડી હતી. એક તરફ ફિલ્મનું પ્રમોશન કર્યું તો બીજી તરફ તેનો રાજકારણ માટે પણ ઉપયોગ કર્યો હતો. અનેક એવી પોસ્ટ્સ જોવા મળી જેમાં વિપક્ષી નેતાઓએ ‘જવાન’નો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર આરોપો લગાવવાના પ્રયાસ કર્યા હોય. 

    કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે 9 સપ્ટેમ્બર, 2023ના રોજ X પર એક પોસ્ટ કરીને જવાન વિશે લાંબીલચાક પોસ્ટ કરી હતી અને ફિલ્મને ‘બોલ્ડ’ અને ‘બ્રેવ’ ગણાવીને કહ્યું કે, આ ફિલ્મ લોકોને પાંચ વર્ષ માટે સરકારને જવાબદારી સોંપવા માટે મત આપતાં પહેલાં બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે મુદ્દાઓ પર સવાલ કરવા માટે પ્રેરે છે. તેમણે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર સામે જે સવાલો ઉઠાવી રહી છે તેને આ ફિલ્મે વાચા આપી છે. 

    આ પ્રકારની પોસ્ટ કરવામાં કોંગ્રેસ નેતા જયરામ રમેશ પણ પાછળ નથી. તેમણે ‘જવાન’ની સરખામણી ગદર-2 ફિલ્મ સાથે કરી અને કહ્યું કે, મોદી સરકારે થોડા દિવસ પહેલાં નવા સંસદ ભવનમાં ગદર-2નું સ્ક્રીનિંગ કર્યું હતું, શું તેમનામાં ‘જવાન’ પણ બતાવવાની હિંમત છે?

    - Advertisement -

    આ જ ક્રમમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ. પાર્ટીના અધિકારિક હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, “જે અરવિંદ કેજરીવાલ વર્ષોથી કહેતા હતા એ જ વાત જવાન ફિલ્મમાં શાહરૂખ ખાને પણ કહી.” ત્યારબાદ એવી જ વાતો કરવામાં આવી જે કોંગ્રેસ પ્રવક્તાએ કહી હતી. આમ આદમી પાર્ટીએ લખ્યું કે, ડર, પૈસા, જાતપાત, ધર્મ સંપ્રદાય માટે મત આપતાં પહેલાં જેઓ મત માંગવા આવે તેને લોકોએ પ્રશ્નો કરવા જોઈએ. 

    મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ આમાં પાછળ નથી. TMC સાંસદ સાકેત ગોખલેએ એક પોસ્ટમાં ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયા પર નિશાન સાધીને કહ્યું કે, જવાન અને શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર જે રેકોર્ડ બનાવશે તેનાથી જનતાના મૂડની ખબર પડી જશે. 

    શાહરૂખ ખાને G-20 સમિટના સફળ આયોજન બદલ પીએમ મોદીની પ્રશંસા કરી

    આ તમામ નેતાઓ અને પાર્ટીઓનો ઉત્સાહ રવિવારે કકડભૂસ થઈ ગયો, જ્યારે શાહરૂખ ખાને X (અગાઉ ટ્વિટર) પર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી દીધી. વિપક્ષી પાર્ટીઓ એક કાલ્પનિક ફિલ્મનો ઉપયોગ વડાપ્રધાન મોદી અને તેમની સરકાર સામે કરવા ગયા, પરંતુ શાહરુખ ખાનની પોસ્ટે તેમના પ્રયાસો પર પાણી ફેરવી દીધું. 

    શાહરૂખ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટને ક્વોટ કરીને G20ની સફળ અધ્યક્ષતા અને વિશ્વના કલ્યાણ માટે તમામ દેશો વચ્ચે એકતા સ્થાપિત કરવા બદલ તેમને શુભકામનાઓ પાઠવી. સાથે શાહરૂખે લખ્યું કે, આ સંમેલનથી દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી અનુભવાય રહી છે. આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત એક થઈને સમૃદ્ધિના પથ પર આગળ વધશે. સાથે તેમણે G-20 સમિટનું ભારતે આપેલું સૂત્ર ટાંક્યું- એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય..

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં