ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં સગીરાની છેડતી થયાનો મામલો સામે આવ્યો છે. સગીર વયની બાળકી શાળામાં અભ્યાસ કરે છે અને વેરાવળના ટોકીઝ મહોલ્લામાં આવેલી સ્ટેશનરીની દુકાને નોટબુક લેવા ગઈ હતી. હાલ વેરાવળ પોલીસે આ મામલે આરોપી કાસમ અલ્લારખા ઝીકાણીની પોક્સો સહિતના ગુના નોંધીને ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગત 6 તારીખ 2023 રાત્રે 9 વાગ્યાના અરસામાં ઘટી હતી. પીડિત સગીરા શાળામાં અભ્યાસ કરે છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં ભણવા માટે નોટબુકની જરૂર હોઈ તે પિતા પાસેથી પૈસા લઈને ટૉકીઝ મહોલ્લામાં આવેલી 33 વર્ષીય આરોપી કાસમ અલ્લારખા ઝીકાણીની પ્રોવિઝન અને સ્ટેશનરીની દુકાને નોટબુક લેવા ગઈ હતી. તે સમય ત્યાં કોઈ હાજર નહોતું. આ દરમિયાન સગીરાને એકલી જોઇને કાસમની દાનત બગડી હતી અને નોટબુક આપવાના બહાને તેણે શારીરિક છેડછાડ શરૂ કરી હતી. જોકે, કાસમ વધુ ગંભીર કૃત્ય કરે તે પહેલાં જ પીડિતા પોતાને છોડાવવામાં સફળ થઇ હતી.
ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે, આરોપી કાસમની હરકતોથી ડઘાયેલી પીડિત સગીરા દોડતી-દોડતી પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ સગીરાએ રડતાં-રડતાં પોતાના પરિવારને કાસમની હરકત વિશે જણાવ્યું હતું. સગીરાની વાત સાંભળી તેનો પરિવાર પણ હેબતાઈ ગયો હતો. અંતે રોષે ભરાયેલા પરિવારે વેરાવળ પોલીસ મથકે પહોંચી કાસમે તેમની દીકરી સાથે થયેલા કૃત્ય વિશે જાણ કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ પોલીસે પણ પરિવારની વાત સાંભળી ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી કાસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે વેરાવળના ટૉકીઝ મહોલ્લામાં રહેતા 33 વર્ષીય કાસમ ઉર્ફે કાસમબાપુ અલ્લારખા ઝીકાણી વિરુદ્ધ IPCની કલમ 354 (A) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 12 અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી ઘટનાની તપાસ કરી રહી છે. તો બીજી તરફ સગીરાની છેડતીની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને આરોપી કાસમ વિરદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.